અન્ય લોકોના આધ્યાત્મિક પ્રગતિની ઇર્ષ્યા ન અનુભવો

એઇલીન કેડી

| 3 Minute Read

કોઈની આધ્યાત્મિક પ્રગતિ કે પ્રાત્તિ જોઈ ઈર્ષા ન અનુભવો. જાણી લો કે તમે પણ તે બધું કરી શકો છો, પણ તે માટે તમારે કંઈક કરવું પડશે. જિંદગીની તકલીફોનાં રોદણાં રડવાથી કશું નહીં થાય. દરેક આત્મા ઊંચાઈઓને સર કરી શકે છે. દરેક આત્મા મારી સાથે પ્રત્યક્ષ સંપર્ક કરી શકે છે. દરેક આત્મા મારી સાથે ચાલી શકે છે, બોલી શકે છે. આ સમજી લો, સ્વીકારી લો.

માની લો કે આ શક્ય છે, ફક્ત તમારી ઈચ્છા હોવી જોઈએ અને એમ થશે. તેને માટે જિંદગીભર રાહ જોવી પડશે તેમ પણ નથી. ખરેખર તો તેમાં સમય લાગતો જ નથી. તમે ઈચ્છો તો આંખના પલકારામાં બધું થઈ જાય. આ ક્ષણે તમે જુના સમયમાં ચાલતા હો અને બીજી ક્ષણે તેજોમય નવા પંથ પર હો તેમ બને. આટલી ઝડપથી અનાયાસે, સાચી ઝંખના અને સંકલ્પથી પૂર્ણ શ્રદ્ધા અને આત્મવિશ્વાસ વડે ક્ષણભરમાં પરિવર્તન થઈ શકે. તો શા માટે પ્રયાસ ન કરવો?

મારાં પ્રેમ અને શાંતિ વડે ભરપૂર થાઓ અને ખૂલતા જાઓ.

અન્ય પ્રેરક સૂચનો વાંચો:
👉 પ્રેમ કરો સાચા હૃદયથી
👉 દરેક બાબતે કૃતજ્ઞતા અનુભવો
👉 શ્રધ્ધાથી નાના મક્કમ પગલાં ભરો
👉 સર્વ શ્રેષ્ઠ શોધો
👉 ખાલી થાવ
👉 ઝુકી ન પડો, બળવાન બનો


નોંધ: ઉપરનો લેખ એઇલીન કેડી લિખિત ‘ઓપનીંગ ડોર્સ વીધીન(Opening Doors Within)’ લેવામાં આવ્યો છે જે એક વાર્ષિક ડાયરી/રોજનીશી સ્વરૂપના પુસ્તકમાંનું એક પાનું છે.

પુસ્તકમાં તમારા રોજિંદા આધ્યાત્મિક વિકાસ અને ઉન્નતિ માટે સરળ અને સચોટ શૈલીમાં અપાયેલાં વ્યાવહારિક અને પ્રેરક માર્ગદર્શનનાં વિશેષ સૂચનોનો સંગ્રહ છે.

તમે ઇચ્છો તો દિવસની શરૂઆત તે દિવસ માટેનું સૂચન વાંચીને કરી શકો અને તે રીતે તમારા આવનારા દિવસ માટેનું સર્વાંગી માર્ગદર્શન મેળવી શકો કે પછી સવારે ચા-નાસ્તો કરતી વખતે પરિવારના સભ્યો વારાફરતી તેને વાંચે તેવું ગોઠવી શકો અથવા રોજ સવારના નિયમિત ધ્યાનના પાયા તરીકે જે તે દિવસના સૂચનનું વાચન કરી શકો અને રાત્રે વીતેલા દિવસનું મૂલ્યાંકન કરવા ફરી તે જ સૂચનની મદદ લઈ શકો.

તમે તમારી પસંદગી અને ઇચ્છા મુજબ આ સૂચનોનો ઉપયોગ ભલે કરો, પણ એ સૂચનોને તમારી ચેતના સાથે વણતા જાઓ. આજે, કાલે અને દરરોજ. આ વર્ષે, આવતા વર્ષે, હંમેશાં - જ્યાં સુધી તે સૂચનો તમારા અસ્તિત્વનો અંશ બની તમારામાં આત્મસાત્‌ ન બની જાય. જ્યાં સુધી તે અંતરના દ્વાર ખોલવાનું મૌન, મૃદુ અને પ્રેમપૂર્ણ કાર્ય પૂરું ન કરી લે ત્યાં સુધી.

[ભાવાનુવાદ : ઉઘડયાં દ્રાર અંતરના - સોનલ પરીખ, પ્રકાશક : આર.આર.શેઠ એન્ડ કંપની પ્રા.લી., ખાનપુર, અમદાવાદ]