આજની તાતી આવશ્યક્તા હૃદયની કેળવણી

ડૉ. ચંદ્રકાંત મહેતા

| 6 Minute Read

પોસ્ટમેન રજિસ્ટર્ડ એ.ડી. લઈને આવે છે અને ડ્રોઇંગ રૂમમાં બેઠેલા સજ્જનને પૂછે છે “મિ.કુણાલ પાંડેના નામની રજિસ્ટર્ડ ટપાલ છે. તેમને બોલાવશો ?”

“એ બપોરે જમવા આવ્યો હતો, જમીને ગયો કે નહિ તેની મને ખબર નથી. હું બપોરે આવી બધી માથાકુટમાં પડતો નથી. તમારો મેસેજ આપીશ. કાલે આવજો.”

“અરે ઋતુ બેટા, જરા નીચે આવજે. બેંકમાં નવું ખાતું ખોલાવવાના ફોર્મમાં તારી સહી કરાવવાની છે”, સાસુમા કહે છે અને ઉપરના માળેથી પૌત્ર જવાબ આપે છેઃ, “મમ્મી, ઋતુ નથી અને કયારે આવશે તેની પણ ખબર નથી.”

“અરે દીકરા તારું મોઢું જોયાને બે દિવસ થયા ! દાદાને તું મળતો પણ નથી ?”, દાદાની ઉક્તિ. “દાદાજી, ટીચરનું ટયુશન, પછી હોમવર્ક અને ત્યાર બાદ કોમિકની સીડી. હું નવરો જ ક્યા છું !” પૌત્રની સ્પષ્ટતા.

આ છે આજના પારિવારિક જીવનની તસ્વીર. સહનિવાસ છે પણ સહજીવન નો આનંદ લગભગ સમાપ્ત થવા માંડ્યો છે. ખપ પુરતી વાતચીત, ખપ પુરતી ચર્ચા અને ખપ પુરતી મુલાકાત ! એક છત નીચે રહેનાર માણસો અલગ-અલગ ઓરડામાં વહેંચાયેલાં છે. પહેલાંના પારિવારિક જીવનમાં ભોજન પણ સાથે અને ભજન પણ સાથે. આજના જીવનમાં આખું કુટુંબ એક-બીજાથી વિખૂટું પડી રહેવાની સ્થિતિ સર્જાતી જાય છે !

પરિવારમાં દરેકની ખુશી પણ નોખી અને દરેકની પીડા પણ નોખી. માણસ પાસે મન મૂકીને હસવાની, મન મૂકીને રડવાની કે મન મૂકીને શિકાયત કરવાની મોકળાશ રહી નથી !

નોખુ ટી.વી., ભોજનનું નોખું ટેબલ, નોખું ટૉઈલેટ એન્ડ-નોખું બાથરૂમ. આ નોખાંપણાએ અનોખાપણાનો આનંદ છીનવી લીધો છે. કોઈ-કોઈના ટુવાલ, નેપ્કિન કે મેકઅપના સામાનને અડે તો પણ મોં મચકોડવાથી માંડી બાંયો ચઢાવવાની સ્થિતિ સર્જાય છે.

વડિલોમાં એકલપેટાપણું છે. એટલે બાળકોમાં પણ તેઓ ત્યાગ અને “સહિષ્ણુતા” ના સંસ્કારનાં સિંચન કરી શકતા નથી ! મમ્મી- પપ્પાના છડેચોક ઝઘડા બાળકોમાં પણ જાણે- અજાણે આમન્યા કે વડીલોનું માન જાળવવાની વાતનો છેદ ઉડાડે છે.

ટેકનોલોજી માનવતાની મહાશત્રુ બનવાની સ્થિતિ સર્જવાનું નિમિત્ત બને તો એવી ટેકનોલોજીથી માનવજાતિને શો લાભ ? ફાંકડી સગવડો “ઉરની શેરીને માંકલડી” બનાવે તો એ પ્રગતિ નથી પણ અધોગતિ છે.

ઘરને માણસ ટેલિફોન એકસચેઈન્જનું રૂપ આપી રહ્યો છે. અંદર-અંદરની વાતો પણ ઘરનાં સદસ્યો ઈન્ટરકોમ, ફોન કે સેલફોનથી કરતાં થઈ ગયાં છે. અમીર ઘરનો પ્રત્યેક માણસ નજીક હોવા છતાં “દુર” છે અને ગરીબ ઘરનો માણસ દિલની અમીરીને કારણે ઘરનાં સભ્યોની નિકટ છે !

આજની જિંદગીમાં વાદ-વિવાદ વધ્યા છે, સંવાદ ઘટી રહ્યા છે. અધિકારપ્રિયતા વકરી છે, ત્યાગ અને સહિષ્ણુતા રસાતાળે જઈ રહ્યા છે. આજના માણસ પાસે રસ્તા અનેક છે, પણ મંજિલ નથી ! કાફલો છે, પણ દિશાવિહીન ! કશુંક જોઈએ છે - પણ શું એનો સ્પષ્ટ ઉત્તર નથી ! ક્યાંક પહોંચવું છે પણ ક્યાં નો ઉત્તર માનવજાતિ હજીયે શોધી રહી છે.

કુટુંબનું નિર્માણ સ્વયંસ્વીકૃત મર્યાદાઓને કારણે થાય છે. પરિવારમાં શિસ્ત પણ હોય અને સમર્પણભાવ. કોઈ “સામાન્ય હિત” સૌનું લક્ષ્ય હોય અને એ લક્ષ્ય સિદ્ધ કરવા જેને જે કાંઈ જતું કરવું પડે તે જતું કરવાની તૈયારી હોય ! સરવાળે સહુની વાણી, વર્તન અને વ્યવહારમાં એક સદ્દવર્તનની ખુશ્બો પ્રગટ થાય જેને ભારતીય સંસ્કૃતિએ ખાનદાની નામના અત્યંત રૂડેરા શબ્દથી બિરદાવી છે ! પરિવારની સુખ-શાંતિ માટે ઘરનો સભ્ય ઉદાત્ત ભાવના નું દાન કરે છે. જેમાં ભાઈ-ભાઈના દોષોને ધ્યાનમાં લેતો નથી. પતિ-પત્ની પરસ્પરના દોષો પ્રત્યે સહિષ્ણુ બને છે. પરિવર્તન આવકાર્ય છે. જુની વ્યવસ્થાનું સ્થાન નવી વ્યવસ્થા લે તેમાં પણ કશું આશ્ચર્યકારક નથી ! પરિવર્તનનો સ્વીકાર પણ પ્રસન્નતાપૂર્વક જ કરવો જોઈએ, કબુલ, પણ પરિવર્તન માનવતાભક્ષી બને એ સંસ્કાર અને સંસ્કૃતિનું પતન છે.

આજના જીવનમાં સુવિધાઓના અભાવ કરતાં સ્નેહના અભાવની સમસ્યા ગંભીર રૂપ ધારણ કરી રહી છે. પુસ્તકીયા શિક્ષણની જીત અને હદયની કેળવણીની ધરાર હાર એ આજના યુગની સૌથી મોટી કરુણતા છે. વાણીની ચતુરાઈને કારણે માણસ બોલવામાં સ્પષ્ટ બને પણ વર્તનમાં ભ્રષ્ટ બને તો એમાં એના વ્યક્તિત્વની સિદ્ધિ ક્યાં રહી ? આજે જિદ્દ અને જીભની બોલબોલા છે. માણસ ચર્ચા કરવામાં શૂરો, દલીલો કરવામાં શૂરો પણ માણસાઈ દેખાડવામાં સાવ અધુરો.

સ્વામી વિવેકાનંદે કહ્યું છે “પ્રકૃતિથી ઊંચે ઊઠવું એનું નામ જીવન !” ટેકનોલોજી માણસને વામણો બનાવે એ એની હાર છે, એને વિરાટ બનાવે એ એની સિદ્ધિ છે. પહેલાનાં માણસ પાસે ભલે આજના જેવી ટેકનોલોજી નહોતી પણ નમન કરવાનું મન થાય એવી ટેક હતી. “પ્રાણ જાય પર વચન ન જાય” ની ખુમારી હતી. “જર કે જમીન” માટે સત્તા કે રાજગાદી માટે ભાઈ અદાલતનાં દ્વાર ખખડાવવાનો વિચાર સુધ્ધા નહોતો કરી શક્તો ! ભાઈની પાદુકાનું પૂજન કરી એની શાખે મોટા ભાઈની થાપણ તરીકે અયોધ્યાનું શાસન સંભાળનાર ભરત એ ભારતના ભ્રાતૃત્વની ઓળખાણ હતી. સંબંધની આન અને શાન જાળવનારા માનવીઓની સંખ્યા વૃધ્ધિએ જ કોઈ પણ યુગની સાચી કમાણી છે, સાચું રળતર છે ! આજની જિંદગી પાસે સવાલો ઝાઝા છે. પણ ઉત્તરો સાવ અલ્પ છે. માણસ સવાલશૂરો બને, પણ ઉત્તર પ્રત્યે પલાયનવાદી બને એને કેળવાયેલો માણસ કોણ કહે ?

ચિંતાને માણસની ચિંતનશક્તિને નેસ્તનાબૂદ કરવાની જૂની-પૂરાણી આદત છે. આજની ચિંતાગ્રસ્ત મનોદશાએ માણસના મનને સાવ બંધિયાર બનાવી દીધું છે ! મનુષ્ય બદલાય તો સમાજ બદલાય. આજના માનવજીવનને સૌથી તાતી આવશ્યક્તા હૃદયની કેળવણીની છે ! “હૃદયમાં લાગણીની નિરક્ષરતા” વ્યાપે એનાથી મોટો બીજો ક્યો અભિશાપ હોઈ શકે ! બુદ્ધિને શુદ્ધ કરે એવી રિફાઈનરી શોધવા માટે હજી જગતે પ્રતીક્ષા કરવી પડશે ? જી ના, એ રિફાઇનરી પણ માણસ પોતે જ છે.

[સાભાર :- ગોતવાં છે ગુલમહો, લે. ડૉ. ચંદ્રકાંત મહેતા]