આટલું જરી ભૂલશો નહિં

ઊમાશંકર જોશી

| 1 Minute Read

તમે આગળ ઊપર હાઈકોર્ટો ધ્રુજાવો
કે યુનિવર્સિટીના શિખર પર કળશ થઈને દીપી રહો,
ધારાસભા ગજવો કે મોટી મોટી મેદની ડોલાવો,
ભારે અફસર થાઓ કે મહાપુરૂષ બની જાઓ,
પણ ત્યારે આટલું કદી ભૂલશો નહીં કે -
તમે અહીં અત્યારે ભણો છો, એ એક અક્સ્માત જ છે.

તમે અહીં ભણો છો… ને તમારી ઊંમરના ગોઠિયાઓ
ખેતરે માળા પર ચડી પંખીડાં ઊડાડે છે,
શહેરનાં કારખાનાંમાં બેવડ વળી જાય છે,
વીશીઓના અંગારા આગળ શેકાય છે,
અથવા તો મુંબઈની ચોપાટી પર પગચંપી કરે છે.

કોઈ અક્સ્માતથી તમે એને ઠેકાણે હોત,
એ તમારે ઠેકાણે હોત…તો ?

આગળ ઊપર જયારે તમે મોટા તિસ્મારખાં બની જાઓ,
ત્યારે પણ આટલું આ જરી ભૂલશો નહીં.

અનેક લાલચો અને પ્રલોભનો હોય,
પણ પેલા વાંદરાએ મગરને કહેલું તેમ કહેજો કે,
મારૂં કાળજું તો, અરે ત્યાં રહી ગયું.

જયાં પેલાં કૂમળાં બાળકો ટોયાં બની પંખી ઊડાડે છે,
છાપાં વેચવા ફૂટપાથ પર દોડે છે,
કપરી મજૂરીમાં ઘસાઈ જાય છે.

ઊમાશંકર જોશી

[સાભાર: અરધી સદીની વાચનયાત્રા, સંકલન: મહેન્દ્ર મેઘાણી]