આચારાંગ સૂત્ર

આચાર્ય વિજ્યરત્ન સુંદરસૂરિ

| 2 Minute Read

કામા દુરઈક્કમા — આચારાંગ સૂત્ર

આગને લાકડાથી જો ઠારી શકાય,
સાગરને નદીઓથી જો તૃપ્ત કરી શકાય,
સ્વપ્નને પુરુષાર્થથી જો સફળ બનાવી શકાય,
સ્મશાનને મડદાંઓથી જો શાંત કરી શકાય,
તો મનની ઈચ્છાઓને સામગ્રીઓ દ્વારા તૃપ્ત કરી શકાય !

કડવાશ એ લીમડાનો દુર્ગુણ નથી પણ સ્વભાવ છે,
દાહક્તા એ આગનો દુર્ગુણ નથી પણ સ્વભાવ છે,
તીક્ષણતા એ કંટકનો દુર્ગુણ નથી પણ સ્વભાવ છે.
બસ, એ જ ન્યાયે
અતૃપ્તિ એ મનનો દુર્ગુણ નથી પણ સ્વભાવ છે.

પ્રભુ !
આપે કરેલા આ સ્વભાવ દર્શનને
નિર્મળ શ્રદ્ધાના બળે સ્વીકારી લઈને
મનને અમે સામગ્રીઓ આપવા દ્વારા તૃપ્ત કરવાના
બાલિશ પ્રયત્નોને સ્થગિત કરી દઈએ
એવું સત્વ અમારામાં આપ પ્રગટાવો.

પરિગ્રહાઓ અપ્પાણં અવસક્કિજા — આચારાંગ સૂત્ર

જીવન જો બચાવવું છે તો આગથી દૂર રહેવું જ પડે.
સંપત્તિ જો બચાવવી છે તો ગુંડાથી દૂર રહેવું જ પડે.
તંદુરસ્તી જો બચાવવી છે તો ઉકરડાથી દૂર રહેવું જ પડે.
પણ,
સુસંસ્કારો અને સમાધિ, સદ્ગુણો અને સદ્બુદ્ધિ જો બચાવવા છે તો
આત્માને પરિગ્રહથી દૂર રાખવો જ પડે.

“અધિક” માં અને “આસક્તિ’ માં અટવાયેલ આત્માને સલામત બનાવી દેવા માટે પ્રભુ ! આપે જે રામબાણ ઉપાય સૂચવ્યો છે એ ઉપાયના અમલ માટે મન હજી જોઈએ તેવું તૈયાર થતું નથી.

શરીરના પરિંગ્રહથી પણ કાયમ માટે મુક્ત બની ચુકેલા હૈ પ્રભુ ! આપ અમને એવી સદ્બુદ્ધિના સ્વામી બનાવો કે જેના બળે અમે સંસાર રખડપટ્ટીના આધારસ્થંભ ગણાતા પરિંગ્રહના પાપથી મુકત બનીને જ રહી એ.

[આચાર્ય વિજ્યરત્ન સુંદરસૂરિ લિખિત “પ્રભુ વીર કહે છે” માંથી સાભાર. પ્રકાશક : રત્નયત્રી ટૂસ્ટ, કાલબાદેવી રોડ, મુંબઈ]