અમોને બધીજ દિશાઓમાંથી કલ્યાણકારી વિચારો પ્રાપ્ત થાઓ

સંપાદક મંડળ

| 3 Minute Read

આપણા વેદિક સાહિત્યનુ એક સરળ સૂત્રછે “आ नो भद्राः क्रतवो यन्तु विश्वतः” અથતિ અમોને બધીજ દિશાઓમાંથી શુભ અથવા કલ્યાણકારી વિચારો પ્રાપ્ત થાઓ.

આ વિશાળ ભ્રહ્માંડમાં મનુષ્યનાં ઘર જેવી નાનકડી પૂથ્વીને માણવાલાયક, જીવવાલાયક બનાવવામાં દુનિયાના ઉત્તમ વિચારો જ મુખ્ય ભાગ ભજવે છે. માણસ જયારથી વિચારતો થયો ત્યારથી જ અન્ય પ્રાણીઓથી અલગ પડયો અને માનવ સંસ્કૃતિ અને સભ્યતાની શરૂઆત થઈ. માણસનાં જીવનમાં વિચારો બહુ નિણયિક ભૂમિકા ભજવતા હોય છે. વિચારોની સારી નરસી બન્ને બાજુ હોવા છતાં છેવટે તો સકારાત્મક વિચારો દુરિતનાં પરિબળોને હટાવી સમાજ માં સત્યની સ્થાપના કરતા હોય છે.

ફિલસુફ નિત્શે કહે છે, “હું વિચારુ છું, માટે હું છું.” વિચાર એ માણસના અસ્તિત્વનો ભાગ છે. ઘણા પ્રકારની અલગ અલગ વિચારધારાઓએ દુનિયાના ઈતિહાસ પર પ્રભાવ પાથર્યો છે. પછી તે ગાંધીની વિચારધારા હોય કે માર્કસની, બુધ્ધની હોય કે મહાવીરની. છેવટે તો દુનિયા પર વ્યકિત નહીં પણ વિચારો જ રાજય કરતાં હોય છે. એક મોબાઈલ કંપનીની જાહેરાતનું સૂત્ર છે, An Idea Can Change Your Life. કંપની એ તો પોતાના ધંધાકીય હેતુને ધ્યાનમાં રાખીને આ વાત કરી હશે. પણ ઘણી માર્મિક વાત છે કે એક વિચાર તમારી જિંદગી ને બદલી નાખે છે. વિચારધારાની વાત આવે ત્યારે સાને પોતપોતાનાં વિચારો જ સારા અને ઉત્તમ લાગતા હોય, અને એવી કેટલીક ખંડનાત્મક વિચારધારાઓએ સમાજ ને નુકશાન પણ પહોચાડયું. પરંતુ આપણે નકારાત્મક બાબતો ને છોડી શીલ અને પ્રજ્ઞાનાં સમન્વયમાંથી પ્રગટેલી સાત્વિક વિચારધારાને વધાવવા આપણા વિવેકને જાગૃત કરવો જોઈએ.

ઉત્તમ વિચારોનાં વાવેતરથી જ આપણી દુનિયા હરીભરી અને રળીયામણી બની છે. આજનાં કલુષિત વાતાવરણથી નિરાશ થવાની જરુર નથી. હજુ પણ આ અંધારાને દૂર કરવા મથતા દીવડાઓ ઠેર ઠેર ઝગમગે છે. ટાગોરની એક કવિતા સરસ સંદેશ આપે છે તે કહે છે, “જ્યારે સૂરજ વિદાય લેવાની તૈયારી કરતો અને અંધકાર સામે પોતાનો વિકલ્પ વિચારતો હતો ત્યારે નાનકડો દીવો આવીને તેને કહે છે - તમે ચિતાં ન કરશો તમારી જવાબદારી હું સંભાળીશ, અને આ સાંભળી સુરજ સંતોષ સાથે વિદાય લે છે.”

ઉત્તમ વિચારો સમાજમાં ફેલાય તે સમાજની તંદુરસ્તી માટે ખૂબ જરૂરી છે. આપણા મહાપુરૂષોએ પોતાની તપસ્યા ને અંતે સાંપડેલા વિચારો વિવિધ રીતે આપણી સામે મુકયા અને “એક સંત વિપ્રા બહુધા વદન્તિ” એ ન્યાયે સત્યની ઉપાસના થઇ અને તેના પરિણામે આપણને જીંદગી માટે ઘણી પ્રેરણા અને માર્ગદર્શન મળ્યા.

ગોરસનું મુખ્ય કામ તો છેવટે ઉતમ વિચારો જયાંથી મળે ત્યાંથી લઇ બધાની વચ્ચે વહેંચવાનું છે. આવા વિચારો પામી માણસમાં રહેલી સદ્ગુણીવૃતિઓ જાગે અને પોતાનાં જીવનની સુંગધથી સમસ્ત માનવજીવન સુવાસિત બનાવે તો જ મનુષ્યત્વ સાર્થક થાય.

એક પ્રવચનમાં સાંભળેલું કે મિસિસ એની બેસન્ટ જયારે પ્રવાસમાં હોય ત્યારે રસ્તાની બન્ને બાજુ પોતાની પાસે રાખેલી થેલીમાંથી બીજ વેરતા જતાં હતા. કોઇએ તેમને પૂછયું, “તમે આટલા બધા બીજ વેરો છો તે બધા ઉગશે ખરા?” જવાબ આપતા મિસિસ બેસન્ટે કહયું, “ભલે બધાં ન ઉગે પણ તેમાંથી કેટલાકતો ઉગશેને !” બસ આવી શ્રધ્ધાભરી દષ્ટિ સાથે જીવીએ તો “આઠે પહોર આનંદ.”