અંગ્રજી માધ્યમ એટલે આંબો ઇંગ્લેન્ડમાં રોપાવો

| 6 Minute Read

અંગ્રેજી માધ્યમમાં ભણવાથી અંગ્રેજી ભાષા પર પૂરો કાબુ આવી જાય છે તેવી માન્યતા ભૂલભરેલી છે. કોઈ પણ ભાષા તેની ભૂમિમાંથી ઉત્પન્ન થાય છે અને ભૂમિ સાથે ગાઢ રીતે સંકળાયેલી છે. ભૂમિના ઈતિહાસ, ધર્મ, સંસ્કારો, રીતરિવાજો વગેરેની ઊંડી અસર ભાષા પર પડે છે. તેથી જ વિદેશી ભાષા શીખતી વખતે ત્યાંના ભૂગોળ, ઈતિહાસ, ધર્મ, સંસ્કારો, રહેણીકરણી વગેરેનું જ્ઞાન ન હોય તો ભાષા શીખવી સમજવી અને પચાવવી અઘરી પડે છે. આ સમજવા થોડાં નક્કર દંષ્ટાંતો જોઈએ.

અંગ્રેજી માધ્યમના પહેલા ધોરણના અંગ્રેજી ભાષાના પાઠ્યપુસ્તકમાં આ કવિતા આપી છે :

In winter, when the fields are white,
I sing this song for your delight.

In summer, when the days are long,

ઈંગ્લેન્ડની ભુગોળ સમજ્યા વિના આ કવિતા ન સમજાય. પહેલી લીટીમાં કહ્યું છે, “શિયાળામાં જ્યારે ખેતરો સફેદ હોય છે.” મુંબઈ કે ગુજરાતના પાંચ વર્ષની ઉંમરના (પહેલા ધોરણમાં બાળક પાંચ વર્ષની ઉંમરનું હોય છે) બાળકોએ કદી સફેદ ખેતરો જોયાં હોતાં નથી. સફેદ ખેતરોની કલ્પના તેઓના મનમાં છે જ નહિ. તમે કહેશો કે હવે તો ટી.વી. પર બરફ આચ્છાદિત પ્રદેશો જોવા મળે છે. ટી.વી. પરના સેકંડ કે બે સેકંડના દ્રશ્યથી સાચી અનુભૂતિ થતી નથી. જયાં દર વર્ષે બરફ છવાયેલાં ખેતરો દિવસો સુધી બાળકો જોયાં કરતાં હોય તેમાં ચાલતાં હોય અને જાતઅનુભવ મેળવતાં હોય તેવો અનુભવ ટી.વી.ના દ્રશ્યથી ન મળે.

બીજી લીટીમાં કહે છેઃ “ઉનાળામાં દિવસો જ્યારે લાંબા હોય છે.” કવિતાનું વર્ણન કર્યું છે તે લાંબા દિવસની સંકલ્પના પણ ભારતીય બાળકોને હોતી નથી. ભારતમાં લાંબો દિવસ એટલે કેટલો લાંબો? ઉનાળામાં લાંબામાં લાંબો દિવસ તેરથી ચૌદ કલાકનો હોય. ઇંગ્લેન્ડમાં લાંબા દિવસની લંબાઈ અઢાર કલાકથી વધુ હોય છે. જુલાઈમાં ત્યાં સૂર્ય અસ્ત થયો ન હોય છતાં લોકો સૂઈ જાય છે. આ સંકલ્પના ગુજરાતી બાળકને બિલકુલ હોતી નથી. પરિણામે કવિતાનો તરજુમો કરશે, પણ સમજશે નહીં અને પચશે તો નહીં જ.

આ સામે ગુજરાતી માધ્યમના પહેલા ધોરણના પાઠ્યપુસ્તકમાં આપેલી કવિતા જુઓઃ

હાથીનું માથું અને પેટ છે દુંદાળું,
સારા કામમાં એનું નામ બહુ રૂપાળું.

કાળી કાળી કંકુબાઈ, આંબા ડાળે ડોલે,
ઉનાળામાં કેરી ખાતી, મીઠા ટૌકા બોલે.

આ રચનાઓ આપણા દેશની ભૂમિ સાથે સંકળાયેલી છે. પહેલા ધોરણનું પાંચ વર્ષનું બાળક પછી તેનો ધર્મ ગમે તે હોય છતાં ગણપતિ શબ્દથી પરિચિત છે. આંબો, કેરી શબ્દો અજાણ્યા નથી. પરંતુ આજ શબ્દો ઈંગ્લેન્ડના પાંચ વર્ષના બાળક માટે તદન અજાણ્યા છે. ત્યાંની આબોહવામાં આંબો ઊગતો નથી. ગણપતિની સંકલ્પના સમજવી તેને માટે મુશ્કેલ છે. પરિણામે ઉપરની ગુજરાતી કવિતા ઇંગ્લેન્ડનાં પહેલા ધોરણના પાઠ્યપુસ્તકમાં (અંગ્રેજી ભાષાંતરમાં) મૂકવામાં આવે તો ત્યાંનાં બાળકો સમજી શકશે નહીં. હનુમાનને ફક્ત “મંકી ગોડ” તરીકે તેઓ ઓળખે છે. ગણપતિનું તો નામ જ ન સાંભળ્યું હોય.

ઇંગ્લેન્ડની પ્રાથમિક શાળાઓનાં પાઠય પુસ્તકોનો અભ્યાસ કરવામાં આવે તો જણાશે કે બાળકના અનુભવો સાથે સંકળાયેલી બાબતોના આધારે જ ત્યાંનાં બાળકો માટે પાઠયપુસ્તકો તૈયાર કરવામાં આવ્યાં હશે. આપણાં ગુજરાતી માધ્યમનાં પાઠ્યપુરતકોમાં આ સિદ્ધાંત મોટે ભાગે જળવાયો છે. પરંતુ અંગ્રેજી માધ્યમનાં પાઠ્યપુરતકોમાં અંગ્રેજી કવિતાઓની કે સાહિત્યકારોની કૃતિઓ લેવામાં આવી છે તે પાંચ-છ વર્ષની ઉંમરનાં બાળકોને પચવામાં જરૂર અઘરી પડે. અંગ્રેજી સાહિત્યમાં ગણપતિ કે સરસ્વતી, આંબો કે કેરી, કૃષ્ણ કે રામ મહાવીર કે બુદ્ધ ક્યાંય જોવા નહિ મળે.

અંગ્રેજી માધ્યમમાં બાળકને મૂકવું એટલે પોતાની ધરતી પરથી ઉખેડીને વિદેશી ધરતીમાં રોપવું જેમાં તેનાં મૂળ ચોંટવાનાં નથી.

ભાષા પણ એક વિષય છે. જે વિધાર્થીઓમાં ભાષાની કુદરતી બક્ષિસ અને વલણ (લેન્ગ્વેજ એબિલિટી અને એપ્ટીટ્યુડ) ન હોય તેને ભાષા શીખવી ભારે પડે છે. પોતાની માતૃભાષા શીખવામાં પણ તે મુશ્કેલી અનુભવે છે. આવાં બાળકોને અંગ્રેજી માધ્યમમાં મૂક્તાં પહેલાં તેની ભાષા વિષયક શક્તિની ચકાસણી તે માટેની ખાસ કસોટી દ્વારા કરાવવી જરૂરી છે.

ઈંગ્લેન્ડમાં બાળકોનાં શિક્ષણનું માધ્યમ સમગ્ર શિક્ષણ માટે તેઓની માતૃભાષા (અંગ્રેજી) છે. પ્રાથમિક શિક્ષણ પૂરું થયા બાદ બીજી ભાષા વૈકલ્પિક સ્તરે લઈ શકાય છે. બે ભાષા ફરજીયાત જેમાંની એક માતૃભાષા (અંગ્રેજી) અને બીજી ફ્રેંચ, જર્મન, સ્પેનિશ વગેરેમાંથી કોઈ પણ એક. ઈંગ્લેન્ડની મારી શૈક્ષણિક મુલાકાત દરમિયાન હું જોઈ શક્યો હતો કે ત્યાંના વિદ્યાર્થીઓને માધ્યમિક સ્તરે બીજી ભાષા(પડોશની ફ્રેંચ પણ) ફરજિયાત શીખવાની આવતી હતી તે ગમતું ન હતું. બીજી ભાષા પણ તેઓને બોજારૂપ લાગતી હતી.

અંગ્રેજોએ આપણા પર લગભગ ૧૫૦ વર્ષો (૧૮૫૭થી ગણીએ તો) શાસન કર્યું. ભારતમાં રહેવા છતાં પણ તેઓએ ભારતની એક પણ ભાષા શીખવાનો પ્રયત્ન કર્યો હોય તેવું જણાતું નથી. સ્વતંત્ર થયા બાદ દર વર્ષે અનેક અંગ્રેજો ભારતની મુલાકાતે આવે છે. તેઓમાંથી કોઈ ભારતની એક પણ ભાષા જાણતા નથી. સોનિયા ગાંધી ભારતમાં લગભગ ૩૦ વર્ષોથી રહે છે. ઉત્તર પ્રદેશ રાજીવ ગાંધીનો (અને હવે તેમનો) મતવિસ્તાર છે. તેના મતવિસ્તારની ભાષા હિન્દી પર તેમની પકડ કેટલી? કોઈએ હિન્દીમાં લખી આપેલું ભાષણ તે વાંચે છે ત્યારે કેવાં લાગે છે? તેઓ ત્રીસ વર્ષના વસવાટ પછી પણ સંતોષકારક હિન્દી બોલી શકે છે ખરાં? જયારે આપણે બાળકને દસ વર્ષમાં અંગ્રેજ પોતે પણ બોલી ન શકતો હોય તેવું શુદ્ધ અંગ્રેજી શીખવી દેવાની ઘેલછા ધરાવીએ છીએ. છતાં અંગ્રેજી ભાષા શીખવા સામે કોઈ વાંધો નથી પણ તે માટે બાળકનું આખું શિક્ષણ અંગ્રેજીમાં ફેરવી નાખવાની બિલકુલ જરૂર નથી.

[સાભાર : અભિયાન - ૨૭ માર્ચ ૨૦૦૪ (સૌજન્ય : ગુજરાતી વિચાર મંચ)]