અંગ્રેજી શિક્ષણ

કાંતિ પટેલ

| 1 Minute Read

આપણે અંગ્રેજી ભાષાના શિક્ષણને મિથ્થા માન આપતાં શીખ્યા છીએ. તેમાંથી આપણો તથા સમાજનો છુટકારો કરવો સમાજની મોટામાં મોટી સેવા છે.

અંગ્રેજી આપણી શાળાઓ અને કોલેજોમાં શિક્ષણનું વાહન છે. તે આખા દેશની એક સમાન ભાષા થવા લાગી છે. આપણા ઉત્તમ વિચારો તે દ્વારા પ્રગટ કરવામાં આવે છે. અંગ્રેજી શિક્ષણની આવશ્યકતાની માન્યતાઓ આપણને ગુલામ બનાવ્યા છે. તેણે આપણને ખરી રાષ્ટ્રીય સેવા માટે નાલાયક કરી મૂક્યા છે. પડી ગયેલી ટેવને લીધે આપણે જોઈ શક્તા નથી કે શિક્ષણનું વાહન અંગ્રેજી થવાથી આપણામાં બુદ્ધિભેદ ઉત્પન્ન થયો છે. આપણે જનસમૂહથી છુટા પડી ગયા છીએ. રાષ્ટ્રનાં ઉત્તમ મગજો પાંજરામાં પુરાઈ ગયાં છે. અને જે નવા વિચારો આપણે પ્રાપ્ત કર્યા છે તેનો લાભ જનસમુહને મળ્યો નથી.

આજે છેલ્લાં સાઠ વર્ષ થયાં, આપણે વસ્તુતત્વ ગ્રહણ કરવાને બદલે અપરિચિત શબ્દો અને તેના ઉચ્યારો ગોખવામાં રોકાયેલા છીએ. આપણાં માતાપિતા પાસેથી મળેલા શિક્ષણના પાયા ઉપર ચણતર કરવાને બદલે આપણે તેને લગભગ સાવ વિસરી જઈએ છીએ. ઈતિહાસમાં આના જેવું બીંજુ એકે દષ્ટાંત નથી. આ એક રાષ્ટ્રીય આફત છે. આપણી દેશી ભાષાઓ તરફ પાછા ફરવું, હિંદીને રાષ્ટ્રીય ભાષા તરીકેના તેના પદ ઉપર ફરીથી સ્થાપવી અને આપણા સર્વે પ્રાંતિક સમારંભો આપણી પોતપોતાની ભાષાઓમાં ચલાવવા અને રાષ્ટ્રીય સમારંભો હિંદીમાં ચલાવવા શરૂ કરવું એ સૌથી પહેલી અને મોટામાં મોટી સમાજસેવા આપણે કરી શકીએ છીએ. જ્યાં સુધી આપણી શાળાઓ અને કોલેજો આપણને દેશી ભાષા દ્વારા શિક્ષણ ન આપે ત્યાં સુધી આપણે જંપી બેસવું ન જોઈએ.

[સાભાર : કેસર, સંક્લન અને સંક્ષેપ: કાંતિ પટેલ]