અનોખો બેંકર

રાજ ભાસ્કર

| 2 Minute Read

એક બેંકર હતો. બહુ ગજબનો માણસ. એ રોજ એના કસ્ટમરોના ખાતામાં ૮૬,૪૦૦ રૂપિયા જમા કરી દેતો અને કહેતો કે તમને મહત્તમ સુખ અને શાંતિ મળે એ રીતે આ પૈસા મન ફાવે એમ વાપરો.

પણ એમાં એક શરત હતી. શરત એ હતી કે એ રોજ સવારે કસ્ટમરના ખાતામાં જે ૮૬,૪૦૦ રૂપિયા જમા કરાવતો એ બધાં જ રૂપિયા કસ્ટમરે સાંજ સુધીમાં વાપરી નાખવા પડતા હતા. સાંજ સુધીમાં જો કસ્ટમર એ રૂપિયા ના વાપરે અને રૃપિયા પડ્યા રહે તોપણ એ રૂપીયા બીજા દિવસે કેરી ફોરવર્ડ નહોતા થતા. બેલેન્સ ઝીરો થઈ જતું.

બેંકરની આ રીતથી ક્સ્ટમરોમાં જાત જાતની ઘટનાઓ બનતી. બધા જ કસ્ટમરોના ખાતામાં સરખા જ રૂપિયા જમા થતા, બધાને સરખી જ શરતોનું પાલન કરવું પડ્યું હતું, છતાં પણ એમાંના ઘણા ક્સ્ટમરો બહુ સિફતથી એ રૂપિયાનો ઉપયોગ કરતા અને ખૂબ જ સુખ અને શાંતિથી રહેતા.

પણ ઘણા લોકો પૈસા હોવા છતાં વાપરી નહોતા શક્તા અને દુઃખી થતા. તો ઘણા લોકો એવી ખરાબ રીતે વાપરતા કે પૈસા ખૂટી પડતા અને એ પૈસા ખૂટે છે… ખૂટે છે ની બૂમો પાડ્યા કરતા.

આ બેંકર એ બીજો કોઈ નથી પણ ખુદ ઈશ્વર છે અને એ પૈસા એ એણે આપણને આપેલો સમય છે. એ દરરોજ આપણને ૮૬,૪૦૦ સેકન્ડ આપે છે. દિવસ પુરો થતાંજ એ વપરાઈ જાય છે. આજના દિવસની સેકન્ડ્સ આજે જ પૂરી થઈ જાય છે કાલે પાછી મળતી નથી. તમે ઊંધી રહેશો તોપણ આજના દિવસનું બેલેન્સ કેરી ફોરવર્ડ થતું નથી.

કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે દુનિયાના દરેક માણસને સરખો જ સમય મળ્યો છે તોપણ અમુક લોકો જ એમને મળેલા સમયનો સદ્‌ઉપયોગ કરીને સુખ અને શાંતિથી જીવે છે. બાકીના લોકોને કાં તો સમય ખૂટે છે એટલે એ “સમય નથી” ના બરાડા પાડે છે. અને અમુક લોકોનો સમય એમ ને એમ જ પડ્યો રહે છે. બેલેન્સ કેરી ફોરવર્ડ થતું નથી અને લોકો સારા સમયની રાહ જોયા કરે છે. જે કદી આવતો જ નથી. તમે સમયને નહીં વાપરો તોપણ એ તો વપરાઈ જ જવાનો છે.

[રાજ ભાસ્કર લિખિત “સમય” માંથી સાભાર, પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર, ગાંધીરોડ, જૈન દેરાસર સામે, અમદાવાદ]