અંતિમ મૂલ્યવાન બક્ષિસ

જિમ સ્ટોવેલ

| 5 Minute Read

“અમુક લોકો અદ્ભુત કુટુંબમાં જન્મ લે છે. બાકીનાઓએ તો કુટુંબની શોધ કરવી પડે અથવા કુટુંબનું સર્જન કરવું પડે છે. કુટુંબના સભ્ય બનવું તે અમૂલ્ય છે, જેના માટેની કિંમત છે, પ્રેમ.”

છઠ્ઠા મહિનાની પહેલી તારીખે વિડિયો ટેપ શરૂ કરી ત્યારે રેડ સ્ટીવન્સ બોલતા દેખાયા: સમસ્યાની બક્ષિસ શીખવા માટે અભિનંદન. આ બક્ષિસ તને જીવનભર મદદરુપ બનશે. આ મહિને તારે પરિવાર-કુટુંબ વિશે આદર અને જાણકારી મેળવવાનાં છે, જેસન, આપણું કુટુંબ તો અસ્તવ્યસ્ત થઈ ગયું છે, જેની જવાબદારી હું સ્વીકારું છું. કુટુંબના સારા અને નરસા સંજોગો આપણને ઘણું શીખવી જાય છે.

કુટુંબ આપણને તેનાં મૂળિયાં, વારસો અને ભૂતકાળ આપે છે. પરિવાર બંધન કરતાં આ જગતમાં વધુ શક્તિશાળી કંઈ નથી. આ બંધન, જ્યાં સુધી ‘પ્રેમ’ ને સૌથી આગળ રાખો ત્યાં સુધી અનેક સંઘર્ષ સહન કરાવી શકશે. તારે જાણવું જરૂરી છે કે, પરિવાર જુદા જુદા કદનો, જુદા જુદા આકારનો પણ હોઈ શકે. અમુક ભાગ્યશાળી આખું જીવન પરિવારના ભાગ તરીકે માણી શકે જ્યારે તારા જેવા પરિવાર વિના, ફક્ત કુટુંબના નામ પૂરતા જ જીવે છે. આવા લોકોએ કુંટુંબ સર્જવું પડે.

આ વાત વિચિત્ર લાગશે. પણ આ મહિને તને હેમિલ્ટન એવા સ્થળે લઈ જશે કે ત્યાં રહીને તને ખ્યાલ આવશે કે, પરિવાર વિનાના સભ્યો પણ પરિવાર બનાવી પરિવારનું મૂલ્ય સમજે છે.

મીસ હેસ્ટીંગ્ઝ, જેસનને દુર એક ખાનગી વનમાં જ્યાં ‘સ્ટીવન્સ હોમ ફોર બોયઝ’ નામનો અનાથાશ્રમ હતો ત્યાં લઈ ગયા. ડ્રાઈવર છ-સાડા છ ફુટ લાંબો, નાથન મોટર ચલાવતો હતો. જેસનને એ ક્ષણે થયું કે, આ અનાથોની ટોળકી મને શું શીખવશે ?

મોટર જેવી મંઝિલે પહોંચી ત્યાં તો આશ્રમના ૬ થી ૧૬ વર્ષની ઉંમરના ૩૬ છોકરા બહારા નીકળી એકદમ ઉત્સાહમાં આવી ગયા અને નાથનનું નામ લેવા માંડ્યા. કેટલાક નાથનને ભેટી પડ્યા, કેટલાકને નાથને તેડીને ઊંચક્યા, કોઈના વાંસા થાબડયા. નાથને તે છોકરાઓને કહ્યું “હવે છાત્રાલયમાં જાઓ, તમારી દેખભાળ માટે નવા ગૃહપતિ લાવ્યો છું. કારણ અત્યારના ગૃહપતિ એક માસ રજા પર જાય છે”. છોકરાઓએ તરત આજ્ઞાનું પાલન કર્યું.

જમવાને વખતે બધા સાથે જમ્યા ત્યારે નાથને જેસનની ઓળખાણ આપી અને જેસનને ઊભા થવા કહ્યું. જેસન અને બાળકોએ એકબીજાને હાય-હલો કહીને સત્કાર્યા. જમતાં પહેલાં નાથને અન્ન મળે છે તેનો આભાર માની અન્નને પ્રણામ કર્યા. બધાં બાળકોએ પણ તેમ કર્યુ.

જેસને નાથનને પૂછ્યું “શું તમે આ પહેલા અહીં આવ્યા હતા ?” નાથને કહ્યું કે, “આ બાળકોમાં સૌથી નાનો છોકરો છે તેનાથી પણ મારી ઉંમર નાની હતી ત્યારે અહીં આવ્યો હતો અને મારા બાળપણમાં જે સારી વસ્તુ મળી તે મને અહીંથી જ મળી છે. અત્યારે હું મોસમ પ્રમાણે નોકરી કરું છું, પણ મોસમ પૂરી થયે અહીં આવીને રહું છું અને મદદરૂપ થાઉં છું.”

જેસને કહ્યું “મને એમ કે અહીં ડ્રાઈવર તરીકે છો.”

નાથન : “અત્યાર પૂરતો હું અહીં ડ્રાઈવર છું. કાલે અહીં મુખ્ય વહીવટકર્તા પણ બનું. રેડ સ્ટીવન્સ પાસેથી હું શીખ્યો છું જે કામ કરવાની જરૂર હોય તે કરવું કારણ કે તેમ કરવું એ જ સાચી વસ્તુ છે.”

જેસન : “મારે અહીં શું કરવાનું છે ?”

“છોકરાઓ તમને બધું બતાવશે”, એમ કહી નાથને જેસનનો વાંસો થાબડ્યો.

જેસન પહેલાં તો અજાણ્યા માણસ જેમ વર્ત્યો પણ ધીમે ધીમે તે બાળકોનો પિતા, માતા, ભાઈ, શિક્ષક અને મિત્ર બનીને ફરજ બજાવવા લાગ્યો. મહિનો પૂરો થયો. નાથન અને હેમિલ્ટન, જેસનને મોટરમાં લેવા આવ્યા ત્યારે બધાં જ બાળકો જેસનને પ્રેમથી ભેટયાં, દરેકે નાની-મોટી ભેટ પણ આપી. એકબીજાની આંખમાંથી આંસુ વહી રહ્યાં હતાં.

નાથને ગાડી ચલાવવાનું શરૂ કર્યું. તેઓ કમ્પાઉન્ડમાંથી બહાર નીકળ્યા ત્યાં સુધી મોટરની સીટમાંથી પાછળ જોઈ, બાળકો દેખાતાં બંધ થયા ત્યાં સુધી આવજો નો હાથ જેસને હલાવ્યા કર્યો.

થોડીવાર મૌન રહ્યા પછી જેસન બોલ્યો “અચંબો આવે એવું તો એ છે તે કોઈ પણ છોકરાને પોતાનો પરિવાર નથી, છતાં કુટુંબ કોને કહેવાય તેની સમજણ દરેકને મારા કરતાં વધારે છે. મને લાગે છે કે કુંટુંબ એટલે માત્ર લોહીની સગાઈ નથી હોતી, પરંતુ એકબીજા સાથેના પ્રેમના સંબંધ એટલે કુટુંબ.”

નાથને કહ્યું કે, “જેસન, તું અહીં આવ્યો ત્યારે મને નકામો માણસ લાગતો હતો. પણ મનમાં ખાતરી હતી કે, તું રેડ સ્ટીવન્સનો સગો છો એટલે અહીં રહીને સમજી શકીશ. તું બહુ મહાન પરિવારનો સભ્ય છો અને હું પણ તે જ પરિવારનો કહેવાઉં ને ?”

[સાભાર: અંતિમ મૂલ્યવાન બક્ષિસ, મૂળ લેખક: જિમ સ્ટોવેલ , રૂપાંતરકાર: મનસૂખભાઈ રીંડાણી , પ્રકાશક : વિચાર વલોણુ પરિવાર]