આપણી પાસે સમય નથી

દિનકર જોષી

| 9 Minute Read

એક ચીની કહેવત એવું કહે છે કે ડૉક્ટર જ્યારે દર્દીને સાંત્વન આપે છે કે હું તને સાજો કરી દઈશ ત્યારે આ સાંભળીને પરમાત્મા હસે છે. આ વાતને જ જો થોડીક વિસ્તારીને કહેવી હોય તો એમ કહી શકાય કે કોઈ પણ માણસ જ્યારે એમ કહે છે કે એને સમય મળતો નથી ત્યારે પણ પરમાત્મા હસ્યા વિના રહી શક્તા નથી. ઈશ્વરના પહેલા હાસ્યમાં કરૂણાનો ભાવ છે. ડોક્ટરના અહંકાર સામે ઈશ્વર કરૂણાસભર નેત્રે જુએ છે. ઈશ્વરના બીજા હાસ્યમાં ઘૃણાનો ભાવ છે. કેમ કે ઈશ્વર જાણે છે કે માણસ સાવેસાવ જુઠું બોલી રહ્યો છે.

વિદ્વાનોએ શ્રી કૃષ્ણના આયુનાં એકસો પચીસ વર્ષ આંક્યા છે. આદિગુરૂ શંકરાચાર્ય બત્રીસ વર્ષની ઉંમરે કાળધર્મ પામ્યા હતા. વર્તમાન યુગમાં સ્વામી વિવેકાનંદનું નિધન આડત્રીસ વર્ષની વયે થયું હતું. દીર્ઘાયુના અને અલ્પાયુના એમ બંને આત્યંતિક છેડાનાં એવાં ઘણાં ઉદાહરણો ટાંકી શકાય એમ છે કે જેમણે સૈકાઓ સુધી અવિસ્મરણીય કર્મો કર્યા હોય.

શંકરાચાર્યના ગ્રંથો વાંચવાનો આપણને સાઠ સિત્તેર કે એંસી વર્ષના આયુકાળમાં પણ સમય મળતો નથી. શંકરાચાર્યે આ ગ્રંથો લખ્યા એટલું જ નહિ, પૂરી ત્રણવાર આખા હિંદુસ્તાનની અને ખાસ કરીને ચારેય ધામોની યાત્રા કરી હતી. ત્યારે એમની પાસે કોઈ વાહન નહોતાં બીજી કોઈ સગવડો પણ નહોતી. આમ છતાં સમયનો અભાવ એમને સાલ્યો નહોતો. એ જ રીતે કુરુક્ષેત્રનાં અઢાર અક્ષૌહિણી સૈન્યોને પોતાનાં જડબાંમાં સ્વાહા કરી દેવા તત્પર એવા શ્રી કુષ્ણને યુદ્ધના આરંભે એક નિર્દોષ ટીટોડીના બચ્યાની ચિંતા હતી અને આ માટે આ બચ્ચાને એમણે બચાવી પણ લીધું હતું આડત્રીસ વર્ષના આયુમાં વિવેકાનંદે જે કંઈ કર્યું છે એનો દશમો ભાગ પણ આજના વૈજ્ઞાનિક યુગમાં આપણે કોઈ કરી શકીએ એમ નથી. પછી ભલે આવરાદા એંસી વર્ષ સુધી લંબાય.

દિવસ ચોવીસ કલાકનો છે, પાંચસો વર્ષ પહેલાં એ ચોવીસ કલાકનો હતો અને પાંચ હજાર વર્ષ પહેલાં પણ ચોવીસ ક્લાકનો જ હતો. શ્રીકૃષ્ણે કે શંકરાચાર્યે પોતાના કાંડે ઘડિયાળ રાખ્યાં નહોતાં. વિવેકાનંદે કદાચ કાંડે તો નહિ પણ ખિસ્સામાં ઘડિયાળ રાખ્યું પણ હોય. જો કે એમની વેશભુષા જોતાં એમનાં વસ્ત્રોને ખિસ્સું હોવાનું શંકાસ્પદ છે. આ બધાએ પોતાના ફાળે આવેલા ચોવીસ કલાકનો સતત ઉપયોગ કર્યો અને એમને ક્યાંય સમયનો અભાવ સાલ્યો નહોતો. આપણને આજે સમયનો અભાવ સાલે છે. આપણે કાંડે ઘડિયાળ છે.

ચોવીસ કલાકનું સમયનું સતત ભાન કરાવવા માટે જાહેર માર્ગો ઉપર પણ કેટલાંય જાહેરખબરમાં પાટિયાંઓ સાથે સતત બદલાતા સમયના આંકડાઓ પણ લાગેલા છે, મોટરગાડીઓમાં ઘડિયાળ છે અને સ્ટેશનોનાં પ્લેટફોર્મ ઉપર પણ ઘડિયાળો લટકે છે. દર દસ-વીસ મિનિટે અકારણ ઘડિયાળ સામે જોવાની ટેવ પડી ગઈ છે. કંઈ કામ ન હોય તોપણ આપણે એમ કહીએ છીએ કે ઓહો ! સાડા-બાર વાગી ગયા, બહુ મોડું થઈ ગયું. ઘણો સમય થઈ ગયો. ઘણાખરા માણસોને આમાં શું મોડું થયું એની કોઈ ચોક્કસ ગતાગમ હોતી નથી અને છતાં મોડું થઈ ગયું છે એવો ભાવ એમને કોરવા માંડે છે.

સમય સતત વહેતો રહે છે એવું આપણે કહીએ છીએ પણ દાર્શનિકો કહે છે કે સમય કંઈ નદીના વહેતા પ્રવાહ જેવો નથી. સમય તો એમ ને એમ જ સ્થિર પડેલો છે. માત્ર આપણે જ એની પાસેથી પસાર થતા હોઈએ છીએ. સમયને કોઈ ભુતકાળ નથી કોઈ વર્તમાનકાળ નથી અને કોઈ ભવિષ્યકાળ નથી. એ તો યથાતથ જ છે. આપણા માટે સમયનો જે ટુકડો આજે ભુતકાળ છે એ જ ટુકડો આ જ વખતે કેટલાક માણસો માટે વર્તમાન બનવાનો છે અને એથીય વધુ માણસો માટે ભવિષ્યકાળ બનેલો છે.

સમયને સાલમાં તો આપણી સગવડ ખાતર વિભક્ત કર્યો છે. સમયને કોઈ સાલ હોતી નથી. સમયનો જે ટુકડો મેં પસાર કર્યો છે એ જ ટુકડા પાસેથી અત્યારે પણ કેટલાય માણસો પસાર થઈ રહ્યા હશે. એમના માટે એ વર્તમાનકાળ છે અને જેઓ આ ટુકડાથી હજુ દુર છે તેઓ પણ પોતાની જિંદગીના પ્રવાહ સાથે વહેતા-વહેતા અહીં પહોંચવાના છે. એટલે સમયનો આ ખંડ એમને માટે ભવિષ્યકાળ છે. આ પહેલી નજરે સમજવું જરા અધરૂં છે. પણ જો સમયને સાલના સગવડિયા વિભાજથી મુક્ત કરી દઈએ તો આ વાત સમજવી સહેલી થાય છે. સમય એક સ્થિર અને સ્થગિત થઈ ગયેલી વિભાવના છે અને માત્ર આપણે જ એની પાસેથી પસાર થઈએ છીએ એ વાત સહુ-પ્રથમ ગળે ઉતરવી જોઈએ.

જયારે આપણે રેલવેમાં પ્રવાસ કરતા હોઈએ છીએ ત્યારે બારીમાંથી બહાર જોતાં આખી સૃષ્ટિ આપણાથી ઊલટી દિશામાં દોડી રહી હોય એવું લાગે છે. જે કંઈ બહાર છે એ ખરેખર તો બધું સ્થિર છે અને કશું જ સહેજ પણ હલતું નથી ખરેખર તો આપણી ગાડી જ સિત્તેર, એંસી કે સો માઈલની ઝડપે દોડતી હોય છે. આપણી બારી પાસે આપણે બેઠક ઉપર શાંતિથી બેઠા હોઈએ છીએ અને ગાડી દોડી રહી છે એની ગતિનો આપણને કોઈ ખ્યાલ આવતો નથી. માત્ર બારી બહાર જે કંઈ વિશાળ સૃષ્ટિ પથરાયેલી હોય છે. એ આપણી આંખે ઊલટી દિશામાં દોડતી દેખાયા છે. ગાડી જ્યારે અમુક સ્ટેશન પહોંચે છે ત્યારે આપણે કહીએ કહીએ છીએ કે ફલાણું સ્ટેશન આવ્યું. ખરેખર સ્ટેશન આવતું હોતું નથી એ તો જ્યાં હોય છે ત્યાં જ હોય છે. માત્ર આપણે જ એટલે કે આપણી ગાડી જ ત્યાં પહોંચી હોય છે. આમ છતાં આપણે સ્ટેશને પહોંચ્યા એમ કહેવાને બદલે ફલાણું સ્ટેશન આવ્યું એમ આપણે કહીએ છીએ. ગાડી અને સ્ટેશન વચ્ચે જેવો સંબંધ છે એવો જ સંબંધ આપણી અને સમય વચ્ચે છે.

સાચી વાત તો એ છે કે, “મને સમય મળતો નથી” એવું જ્યારે કોઈ માણસ કહે છે ત્યારે એક ચોક્કસ કામ કરવામાં એને ઓછો રસ હોવો જોઈએ. દિવસ ચોવીસ કલાકનો જ છે અને આ ચોવીસ કલાકમાં આપણે અનેક કામોની ભુલભુલામણી આપણી આસપાસ રચી દીધી હોય છે. બને છે એવું કે આપણે જે કામ કરવા માગતા નથી. અને છતાં કરવું છે એવો દેખાવ જાળવી રાખવા માગીએ છીએ એને માટે આપણી પાસે સમય હોતો નથી.

એવુંય બને છે કે ખરેખર કરવા જેવાં હોય એવાં પણ સંખ્યાબંધ કામો આપણી પાસે હોય છે. આવું બને છે ત્યારે આપણે મનોમન આ કામો ઉકેલવાના અગ્રતાક્રમો ગોઠવી કાઢીએ છીએ અને પછી આ અગ્રતાક્રમોમાં જે કામો પાછળ રહ્યાં હોય છે એને માટે આપણે સમય નથી એવું કહીએ છીએ. આમ, દોષનો ટોપલો આપણે ગરીબ બિચારાં સમયને માથે ઢોળી દઈએ છીએ.

સમયની આ ભુલભુલામણીને સમજવા માટે શ્રી કિશોલાલ મશરૂવાળાએ ટાંકેલું એક ઉદાહરણ સતત ધ્યાનમાં રાખવા જેવું છે. બસ્સો વરસ પહેલાં આપણી પાસે કોઈ આધુનિક વાહનવ્યહાર નહોતો ત્યારે મુંબઈથી અમદાવાદ જવા માટે માણસ કાં તો પગપાળા જતો અથવા બળદગાડાની કે ઘોડેસવારીની સહાય લેતો. આ રીતે ગંતવ્યસ્થાને પહોંચતાં એને આઠદિવસ, પંદર દિવસ કે ક્યારેક મહિનો પણ લાગી જતો. એક મહિનાનો પ્રવાસ કરીને જ્યારે એ અમદાવાદ પહોંચતો ત્યારે એને ભારે નિરાંત થતી, એ સહુને હળતોમળતો અને થોડાક દિવસ રોકાઈને આનંદ પણ કરતો.

હવે આજે મુંબઈ થી અમદાવાદ વિમાન મારફતે માત્ર એક કલાકમાં પહોંચી શકાય છે. આમ ખરેખર તો એના પ્રવાસના ઓગણત્રીસ દિવસ અને ત્રેવીસ કલાક બચી જતા હોય છે. આમ છતાં અમદાવાદના રોકાણ દરમિયાન એ સહુને હળતોમળતો નથી, કારણ કે એ એમ માને છે કે એની પાસે પૂરતો સમય નથી. જો ખરેખર આમ હોય તો પેલા પ્રવાસના બચી ગયેલા ઓગણત્રીસ દિવસ અને ત્રેવીસ કલાક ગયા ક્યાં? આવો લાખ રૂપિયાને સવાલ એમણે પેદા કર્યો છે.

આ સવાલનો જવાબ આપણે નહિ શોધી શકીએ કેમ કે આપણી પાસે સમય નથી.

[સાભાર : માણસનું કાંઈ કહેવાય નહિં, લેખક : દિનકર જોષી]