આત્મા એક, ખોળિયાં બે

સુરેશ દલાલ

| 5 Minute Read

માણસ જુવાનીમાં છકેલો હોય છે ત્યારે એવો ખ્યાલ નથી હોતો કે એના મિત્ર કોણ ? ઓફિસમાં ઓફિસ ફ્રેન્ડશિપ હોય છે. કોઈક મોટા હોદ્દા પર હોઈએ ત્યારે બોર્ડરૂમની મિટિંગમાં જ મૈત્રી થાય એ ખુરશી પર જ પ્રારંભ પામે છે. અને ખુરશી સાથે જ સમપ્ત થાય છે.

એવા નસીબદાર માણસ બહુ ઓછા હોય છે, જેમને જીવનભરના મિત્ર મળ્યા હોય. મુલાકાતોની અનેક રિયાજોમાંથી પસાર થાય પછી આપમેળે પાંગરે તે મૈત્રી. મૈત્રી ઘટના છે.

એમાં યત્ન-પ્રયત્ન ન ચાલે. મનોયત્નો બધા નકામા નીવડે. અહીં ગણિત કે કોષ્ટકનું કષ્ટ નથી હોતું. એ સહજ હોય છે. મૈત્રી એ કલા છે. એનો અર્થ એવો નથી કે એ સાધના છે. સતત અપેક્ષા રાખનાર માણસને કદીય મૈત્રીનો અનુભવ થતો નથી. મૈત્રી એટલે લિયા-દિયા નહીં. કાળના કાળા બોગદામાંથી પસાર થાય અને પછી હેમખેમ રહે તે મૈત્રી. દુધને આવેલો ઊભરો એ મૈત્રી નથી. મૈત્રી શાંત અને ઠરેલ છે. કાચા કાનના માણસો કદી સાચા મિત્રો થઈ ન શકે. મિત્રો ક્ષણિક નથી હોતા. મૈત્રી એટલે સમાન રસ હોવો જ જોઈએ એવો કોઈ આગ્રહ નહીં. મૈત્રી એટલે સ્વતંત્રતા. ગળે વળગે એ વાત અલગ છે. પણ ગળે પડે તે મૈત્રી નહીં. મૈત્રીનું એક ઉપનિષદ હોય છે.

જીવનને મધુર બનાવનાર તત્ત્વ તે મૈત્રી છે. રોજ રોજ મળીએ એટલે મૈત્રીમાં વૃદ્ધિ થાય છે એવું માનવું એ ભ્રમણા છે. છ મહિને, છ વર્ષે ઘર મળો ત્યારે પણ સહજપણે વાતનો તંતુ જોડાઈ જાય અને પ્રતીતિ થાય કે હજી ગઈ કાલે તો આપણે છૂટા પડ્યા’તા. મૈત્રી એ લાગણીની, વિચારોની આપ-લે છે. સંમત થવું અનિવાર્ય નથી. મૈત્રીમાં ખુલાસા ન હોય. ઉપદેશ ન હોય. ઠઠ્ઠા-મશ્કરી હોય, પણ ઉપહાસ ન હોય. આનંદ હોય, પણ કોઈને ઉતારી પાડીને આનંદ લેવાનો કે લુંટવાનો ન હોય. મૈત્રી એટલે નાની નાની વાતો એકમેક સાથે વહેચવી. કોફીના કપની વરાળમાં પણ મૈત્રીનો સૂર્ય ઊગતો હોય છે. સાથે આઈસક્રીમ ખાતાં હોઈએ ત્યારે પણ ચંદ્રની ટાઢક હોઈ શકે. મૈત્રી વિનાનો માણસ મને તો હંમેશાં વિચિત્ર લાગે. મૈત્રી કોઈ પણ જોડે હોઈ શકે.

મિત્ર તમારી વયનો પણ હોય. તમારા કરતાં નાનો પણ હોય. તમારા કરતા મોટો પણ હોય. મૈત્રીમાં વય કે લિંગભેદ હોતા નથી. પુરૂષ પણ મિત્ર હોઈ શકે અને સ્ત્રી પણ. કેટલાક લોકોનાં ઘર ઉજ્જડ, વેરાન હોય છે. ત્યાં કદી મિત્રોની આવનજાવન થતી નથી. હાસ્યના ફુવારા ઊડતા નથી. મિજલસો જામતી નથી. બે માણસ સાથે મળે તો એમાંથી આપોઆપ સુરીલું સંગીત પ્રગટે.

કેટલીક મૈત્રીનાં મૂળ એકદમ ઊંડાં હોય છે. આ મૈત્રી શૈશવની છે. સ્કુલમાં સાથે ભણતા હોઈએ. કોલેજમાં પણ સાથે હોઈએ. પછીથી ધંધા કે વ્યવસાય જુદા હોય અને છતાંય રવિવાર આવે કે લાંબી રજા આવે ત્યારે તમને તમારા જૂના મિત્રને અને એના પરિવારને મળવાનું મન થયા કરે. મૈત્રી ધીમે ધીમે ફેલાતી જાય છે.

હેનરી થોરોએ કહ્યું કે હું મિત્ર માટે જો કંઈ પણ કરી શકું તો આટલું જ કે એનો મિત્ર થઈ શકું. મારી પાસે ધન નથી કે હું એના પર ન્યોછાવર કરી શકું. મારા મિત્રને પ્રેમ કરવામાં મને આનંદ છે અને એ જાણે છે હું એને પ્રેમ કરૂં છું. એનાથી એને પણ આનંદ છે તો આનાથી વધુ ઉત્તમ સોગાત કઈ હોઈ શકે ? આ અર્થમાં મૈત્રી દિવ્ય છે. દુઃખ તો માણસે એકલા સહન કરવાનું છે, પણ આપણા સુખમાં કોઈ સહભાગી થાય ત્યારે એ સુખનો સ્વાદ જુદો જ રહેવાનો. માણસ ઈચ્છે કે ન ઈચ્છે. એને હંમેશાં કોઈકના સાથ-સંગાથની જરૂર હોય છે.

એક ઈટાલિયન કહેવત છે કે જે માણસને મિત્ર મળે છે એને મોટી મિરાત મળે છે, ભવ્ય ખજાનો મળે છે. તો ખલીલ જિબ્રાન કહે છે કે મૈત્રી એ મધુર જવાબદારી છે. એ તક નથી, અવસર છે. પાળેલા શ્વાન કે બિલાડી સાથે પણ મૈત્રી હોઈ શકે. એમિલી ડિકન્સન તો ત્યાં સુધી કહે છે કે મારા મિત્રો એ જ મારી મિલકત છે.

બેન્ક બેલેન્સ મહત્ત્વનું જ નથી. સંબંધો મહત્ત્વના છે. મૈત્રીની ભાષામાં શબ્દો નથી હોતા, પણ ગહન અર્થ હોય છે. વસ્ત્રો નવાં સારા અને મિત્રો જૂના સારા એવી એક ચાઈનીઝ કહેવત છે.

ધબકતી મૈત્રી માટે હૃદય જોઈએ. નાના બાળક માટે એનાં રમકડાં એ મૈત્રી છે. મૈત્રીની ભાવના અને વિભાવના ગમે એટલી બદલાય તો પણ મૈત્રી એ મૈત્રી છે. મૈત્રીનો મોટામાં મોટો આશિર્વાદ એ છે કે તમે તમારા મિત્ર જોડે નાદાન થઈ શકો છો. મૂરખની જેમ વર્તી શકો છો. આવી વાત બીજા કોઈએ નહીં, પણ શાણા પુરૂષ એમર્સને કહી હતી.

[સપ્ટેમ્બર ૨૦૧૨ ના સૂર્યનમસ્કાર અંકમાંથી સાભાર, લે. સુરેશ દલાલ]