આવેલી તકને ગુમાવશો નહિ

રાજુ અંધારિયા

| 2 Minute Read

એક યુવાનની તીવ્ર ઈચ્છા હતી કે ખેડુતની સુંદર પુત્રી સાથે એનાં લગ્ન થાય. એક દિવસ એ તો માગું લઈને ખેડુત પાસે પહોંચી ગયો.

ખેડુતે એને નજરથી માપીને કહ્યું, “દીકરા, તું સામેના મેદાનમાં જઈને ઉભો રહે, હું ત્રણ આખલા છૂટા મુકીશ. એક પછી એક એ ત્રણે મેદાનમાં દાખલ થાય ત્યારે એમાનાં એકની પણ પૂંછડી તું પકડી શકીશ તો મારી દીકરી તને પરણાવીશ.”

યુવાન તો મેદાનમાં જઈને ઊભો રહી ગયો. થોડીવાર થઈ ત્યાં એક હૃષ્ટપુષ્ટ અને જંગલી આખલો મેદાનમાં પ્રવેશ્યો. યુવાને આવો આખલો અગાઉ કદી જોયો નહોતો. એણે મનોમન નક્કી કર્યું કે આના કરતાં હવે પછી જે આખલો આવે એની પૂંછડી પકડવી બહેતર રહેશે. આથી એ બાજુ પર ખસી ગયો અને પેલા જંગલી આખલાને પસાર થઈ જવા દીધો.

થોડીવાર બાદ બીજો આખલો મેદાનમાં પ્રવેશ્યો. આ આખલો તો વળી પહેલા આખલાં કરતાંય વધારે મહાકાય અને ઝનુની હતો. છીંકોટા નાખતો એને આવતો જોઈ પેલા યુવાને વિચાર્યું કે હવે પછી ત્રીજો આખલો જેવો પણ હોય તેવો પરંતુ આ ઝનુની આખલા કરતાં તો સારો જ હશે. એટલે બીજા આખલાની સામેથી પણ એ ખસી ગયો.

ત્રીજા આખલાને જોતાં જ યુવાન ખુશીથી ઝુમી ઊઠ્યો, આ આખલો તો સાવ નબળો હતો. આવો કૃશકાય આખલો એણે કદી દીઠો નહોતો. એ આખલાએ મેદાનમાં દોડવાનો આરંભ કર્યોં, યુવાને પોઝિશન લીધી અને બરાબર યોગ્ય ક્ષણે આખલાની પૂંછડી પકકી લેવા છલાંગ લગાવી… પરંતુ આ શું ? આખલાને પૂંછડું જ નહોતું !

જિંદગી તકથી ભરપુર છે. એમાંથી અમુક તક મુશ્ક્લ જરૂર હશે, પરંતુ પછી વધારે સારો અવસર પ્રાપ્ત થશે એવી આશા રાખી પાસે આવેલી તકને ગુમાવી દઈએ તો એવી તક ફરી કદાય કયારેય ન સાંપડે. આથી આવેલી તક સરળ હોય કે મુશ્કેલ એ વિચાર્યા વગર અને ઝડપી લેવી જોઈએ.

[રાજુ અંધારિયા લિખિત “જસ્ટ એક મિનટ” માંથી સાભાર, પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર]