અવરોધકનો અસ્વીકાર

સંત પુનિત

| 3 Minute Read

આપણાં ધર્મશાસ્ત્રોમાં ત્યાગની ભારોભાર પ્રશંસા કરવામાં આવી છે.

ધર્મશાસ્રાનુસાર ત્યાગભાવનાને પોતાના જીવનમાં ઉતારનાર પ્રાચીન ઋષિમુનિઓ ને આચાર્યોની વાતો વાંચીએ છીએ ત્યારે આપણું અંતઃ કરણ એ પરમ પવિત્ર ત્યાગભાવના પ્રત્યે સહજભાવે નમી પડે છે.

આ ત્યાગભાવના કેવળ વાણીમાં જ નહિં પણ મન, વાણી ને ક્રિયા એ ત્રણેમાં ઓતપ્રોત હોય તેમાં જ તેની ખરેખરી મહત્તા છે.

આજે તો આપણને કોઈ વસ્તુની જરૂર ન હોય અથવા ગમતી ન હોય તો, તેના ત્યાગનો સમાજમાં ઢંઢેરો પિટાવી આપણે ગૌરવ માનીએ છીએ. આ સાચો વાસ્તવિક ત્યાગ નથી, પણ ત્યાગનો ડોળ કે દેખાવ જ છે.

જીવનજરૂરિયાતમાં જે વસ્તુની અત્યંત આવશ્યકતા હોય, જે પરમ ઉપયોગી હોય તથા જેના વડે આપણી માનસિક વૃતિ ઊર્ધ્વગામી થવાને બદલે અધોગામી બનતી હોય, તેનો ત્યાગ કરવામાં જ ત્યાગની અવધિ છે.

ગોસાંઈજી એકવાર શ્રીનાથજીને શૃંગાર કરી રહ્યા હતા. તે વખતે મંદિરની બહાર એકાએક રૂપિયાનો ખખડાટ સંભળાયો. સાંભળતાં વેંત જ એમનું ચિત્ત ચંચળ થયું. આત્મા સહિત દેહની તમામ ઈન્દ્રિયો શ્રીજીની સેવામાં સંલગ્ન હતી અને તન્મય વૃત્તિઓ વિચલિત ન થઈ અલૌકિક સુખાનુભવ કરી રહી હતી ત્યાં ચિત્તની ચલિતતા થતાં અત્યંત દુઃખાનુભવ થયો.

એમણે ત્યાંથી જ સેવકને પૂછ્યું : “આટલો બધો અવાજ શેનો થાય છે?”

“કૃપાનાથ, એક વૈષ્ણવ અઢળક દ્રવ્ય લઈને ભેટ આપવા આવ્યા છે. તેમણે અહીં દ્રવ્યનો ઢગલો કરતાં તેનો અવાજ થયો છે. કહો હવે શી આજ્ઞા છે?”

બનેલી હકીક્ત નિવેદિત કરતાં સેવકે એની વ્યવસ્થા માટે આજ્ઞા માગી.

“એમ કરો, એન બરાબર બાંધી, મથુરા લઈ જઈ, યમુનાજીમાં પધરાવી આવો.”

સેવકો અને પેલો વૈષ્ણ તો ક્ષણભર સુધી એકબીજાનાં મોઢાં સામે જોઈ રહ્યાં!

પરંતુ સ્વામીની - ગુરૂદેવની આજ્ઞાને વેદવાક્ય કરતાં પણ વિશેષ માન આપવાને ટેવાયેલા સેવકો પોતાના આશ્ચર્યભાવને દુર કરી, એ દ્રવ્યને બરાબર સાવધાનીપૂર્વક ત્યાંથી તરત જ લઈ ગયા.

જ્યારે ગોસાંઈજી સેવાથી પરવારીને અનોસર વખતે બહાર પધાર્યા ત્યારે વૈષ્ણવે બે હાથ જોડીને વિનંતી કરીઃ “કૃપાનાથ, આપે તો રાજસેવાનો પ્રકાર ચાલુ કર્યો છે. એટલે તેમાં દ્રવ્યની અત્યંત આવશ્યક્તા હોવા છતાં, ભેટમાં આવેલ દ્રવ્યને યમુનાજીમાં પધરાવી દેવા આપે આજ્ઞા કરી તેનું તાત્પર્ય સમજાયું નહીં!”

“સાંભળો ત્યારે. હું જે વખતે શ્રીનાથજીના શૃંગાર કરી રહ્યો હતો ત્યારે મારી ચિત્તવૃત્તિ સેવામાં તલ્લીન હતી. તેવામાં શ્રવણતંત્ર ઉપર અચાનક દ્રવ્યનો અવાજ અથડાતા, ક્ષણભરને માટે મારું ચિત્ત સેવામાંથી હટી ગયું! સ્વરૂપાનંદમાં વિક્ષેપ પડતાં અસહ્ય દુઃખ થયું! જેનો અવાજ સાંભળતાં માત્રમાં દિલમાં આટલું દુઃખ થયું તો તેના ઉપભોગથી કેટલું અનિષ્ઠ થાય?”

ગોસાંઈજીના આ વચનામૃતથી પ્રશ્ન કરનાર વૈષ્ણવ ચુપ થઈ ગયા!

તેમના મુખમાંથી “ધન્ય છે, પ્રભુ !” ના ઉદ્ગારો સરી પડ્યા.

મનમાં ને મનમાં ગોસાંઈજીના આ પરમ ત્યાગની સૌ કોઈ પ્રશંસા કરી રહ્યા!

[સાભાર : જનકલ્યાણ જૂન, ૨૦૧૩. લેખક: સંત પુનિત]