બાળ ગાંધીની સત્ય પ્રિયતા

ઉમાશંકર જોષી

| 2 Minute Read

રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કુલના હેડમાસ્તર ગીમી સર. ઉપલા વર્ગોના વિદ્યાર્થીઓ માટે રમતો રમવાનું ફરજિયાત. નાનો મોહન રમતગમતમાં ભાગ લેતો નહીં. પણ હવે રમતમા જોડાવા લાગ્યો.

એક દિવસ હેડમાસ્તરે બોલાવ્યો : “કેમ શનિવારે સાંજે રમવા ગેરહાજર રહ્યો હતો?”

મોહને કહ્યું કે પોતે આવ્યો તો હતો પણ ત્યારે રમતના મેદાન ઉપર કોઈ નહોતું.

“મોડો કેમ આવ્યો ?” હેડમાસ્તર ત્રાડ્યા.

મોહને ખુલાસો આપ્યો કે પોતાની પાસે ઘડિયાળ ન હતી, વાદળવાળો દિવસ હોય ચોક્કસ સમયનો ખ્યાલ રહ્યો નહીં.

હેડમાસ્તરને આ બધાં બહાનાં લાગ્યા હોય તો એ સમજી શકાય એવું છે. એમણે મોહનનો આનો-બે આના દંડ કર્યો.

મોહન ને લાગી આવ્યું. “હું ખોટો ઠર્યો.”

“હું ખોટો નથી” એ શી રીતે સાબિત કરવું ? કશો ઉપાય ન રહ્યો. મનમાં ને મનમાં એ સમસમી રહ્યો. રોયો.

૦-૦-૦-૦-૦-૦-૦-૦

નાનો મોહન નિશાળ છૂટે એટલે ઘેર ભાગે. આસપાસ જુએ જ નહીં ને ? એને એમ કે “કોઈ મારી મશ્કરી કરશે તો?” નિશાળ ઉઘડે એટલે પહોંચી જવું, છૂટે એટલે ઘર ભેગા થઈ જવું - એ રોજનો ક્રમ. સ્વભાવ અતિશય શરમાળ. કામ સાથે જ કામ. ન કોઈ મિત્ર, ન કોઈની સાથે વાતચીત કરવાની. શિક્ષક પ્રત્યે આદરભાવ રાખે. શિક્ષકને છેતરવાની તો વાત જ પછી કેવી?

હાઈસ્કૂલમાં પરીક્ષા હતી. ઈન્સ્પેકટર જાઈલ્સ શાળાની તપાસે આવેલા. તેમણે વિદ્યાર્થીઓને પાંચ અંગ્રેજી શબ્દો લખાવ્યા Kettle (કેટલ) શબ્દની જોડણી મોહને ખોટી લખી. શિક્ષકે બુટની અણી મારી એને ચેતવ્યો. પણ એ ચેતે તો ને ? એને કેમે એ મનમાં ન વસ્યું કે શિક્ષક બીજા વિદ્યાર્થીની પાટીમાંથી જોઈ લઈને જોડાણી સુધારવાનું કહે. એને તો એમ કે શિક્ષક તો વિદ્યાર્થીઓ એકબીજામાંથી ચોરી કરતા નથી ને એ જોવા માટે ફરતા હતા.

બધા વિદ્યાર્થીઓના પાંચેપાંચ શબ્દ સાચા પડ્યા. આપણા મોહનભાઈ એકલા ઠોઠ ઠર્યા.

પાછળથી શિક્ષકે મોહનને એની “મૂર્ખાઈ” સમજાવી. પણ એ તો કહે છે : “મારા મન ઉપર તે સમજુતીની કશી અસર ન પડી. મને બીજા છોકરાઓમાંથી ચોરી કરતાં કદી ન આવડ્યું.”

[સાભાર : ઉમાશંકર જોષી લિખિત “ગાંધી કથા” માંથી સાભાર, પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ]