બાળ ઉછેર અને બાળ કેળવણી

રક્ષા

| 16 Minute Read

બાળ ઉછેર કેવી રીતે કરાય? માનવ બાળ માટે જે રીત યોગ્ય કહેવાય એ રીતે બાળ કેળવણી કેવી આપાય? બાળક મોટું થઈને શ્રેષ્ઠ માનવ તરીકે મહોરી ઉઠે એવી કેળવણી અપાય.

બાળ કેળવણી

ભાગવત વાંચો જશોદાએ લાલાને કદી માર્યું નથી. લાલો બહુ તોફાની હતો છતાં એક વખત જશોદામાતા એને દોરડાથી બાંધીને દામોદર (પેટે દોરડું છે એવો તે દામોદર) બનાવેલો પણ એતો બાલકૃષ્ણને પેલાં બે વૃક્ષોનો (યમલાજુનનો) ઉદ્ધાર કરવો હતો તેથી તેણે પોતેજ માતાને એવી પ્રેરણાં કરેલી જયારે આપણાં બાળકો તો બાપના હાથનાં લાફા અને માતાના હાથના ધબ્બા ખાઈને મોટાં થાય છે. મા- બાપ હિંસક છે. બાળકો ડરતાં રહે છે. તેથી મોટાં થઈ ને તેઓ મા- બાપનાં વિરોધી બને છે. માટે ભીતિ વગરનો વહાલ ભર્યો ઉછેર જોઈએ. એક બાપ બસમાંથી ઉતરી પૂછતો તો કે “આ થેલાની ચેઈન કોણે ખોલીતી?” તો ચાર - પાંચ વર્ષનો દીકરો ગભરાયેલો ગભરાયેલો બોલવા માંડયો કે “પપ્પા મેં નથી ખોલી હો મેં નથી ખોલી” આમ બિચારું ગુનો કર્યો ન હોય ત્યારે ય ડરે છે. પ્રેમ થી ઉછેર ન થયો હોય તેવાં બાળકો મોટી ઉંમરે ગુનેગાર બને છે.

બાળક ઉછરતું હોય એ ઘરમાં ઝઘડા ન જોઈએ. માબાપને ઝગડતાં જોઈ કાંતો એ ડરપોક બનશે, કાં તો એ મા બાપને ધિક્કારતું થશે, કાંતો દાધારિંગું થશે, કાંતો ગુનેગાર બનશે. જે રીતે શ્રેષ્ઠજન આચરણ કરશે તે રીતે જ ઈતર જનો તેનું અનુસરણ કરશે. માટે માતા-પિતા દુર્ગુણ વગરનાં, વ્યસન વગરનાં હોવાં જોઈએ. તેમનું આચરણ ઉત્તમ પ્રેરણા આપે તેવું હોવું જોઈએ.

એક મજૂરણ તેના છોકરાને ઢીબવા માંડી તેને મેં રોકી તો તે કહે કે “તે તાળી પાડીને ચાલે એવી મોટર માગે છે. મારી પાસે તેને લુગડાં પહેરાવવાનો ય વેંત નથી તો મોંધી મોટર ક્યાંથી અપાવું?” મેં કહ્યું, “તમે તમારા લાલને તે જે માગે તે આપી શક્તાં નથી એવાં ગરીબ છો. તો તમે તેને જન્મ આપવાનો ગુનો કર્યો કહેવાય. અને વળી તેને મારવાનો બીજો ગુનો કરો છો? ન આપી શકો તો ન આપો સમજાવો. ન સમજે તો ભલે રડે તમેય સાથે રડો કે અરે ! મારા દીકરા ! મારે તને મોટર અપાવવી છે પણ પૈસા નથી અને એમ છતાંય તે રડે તો ભલે રડે. મારો નહીં. એની મેળે ચુપ થઈ જશે.” લોકો તો ‘ચુપ, ચુપ થાય છે કે નહીં ચુપ થા નહીંતર મારીશ’ - એમ બોલતા જાય, મારતા જાય, માર પડે ત્યાં સુધી તે મુંગુ કેવી રીતે થાય? મારથી તો એને રોવાનું બીજું કારણ મળે છે. ઘણા મા બાપ પાણીની કુંડીમાં બે હાથ પકડીને બાળકને ટાંગે, ‘ચુપ થા નહિંતર પાણીમાં નાખી દઈશ’ - એમ ધમકી આપે. એ વખતે બાળકને પોતાનાં માબાપ કેવાં કસાઈ જેવાં લાગતાં હશે !

જોજેને, તારા પપ્પાને કહી દઈશ કે ટીનુ તોફાન કરતો તો. ‘બોલાવું તારા પપ્પાને?’ આવું આવું બોલતી માતા સંતાનોને ફરિયાદી જેવી લાગે છે. અને બાપ પોલીસ જેવો લાગે છે.

સંતાનને બાપ મારે ત્યારે પોતાને વાગી જશે એવું સમજી વચમાં ન પડનારી માતા સ્વાર્થી અને સંતાન પર પ્રેમ-દયા વગરની લાગે છે. મા-બાપની હાજરીમાં બાળક નિઃસહાય બને તે તો કેવું?

શિશુવિહાર-બાલ મંદિરના શ્રી પ્રેમશંકરભાઈ ભટ્ટ કહે છે કે મારી પાસે બાળકોનાં કોઈ કોઈ વાલી આવીને કહે છે કે અમારો છોકરો તોફાની છે. તેને મારજો, સુધારજો ત્યારે મને એમ થાય છે કે ‘મારૂં ચાલે તો હું આ વાલીઓને જ મારું’

વડકુ નહીં હુકમ નહીં, સમજાવટથી કામ લેવાય. કોઈ મહેમાન ઘરે પધાર્યા છે. બાળક એને પગે લાગે એવું ઈચ્છીએ છીએ. તો ‘કાકાને જે જે કરો’ વાક્ય હુકમના ટોનમાં બોલી શકાય. તે માને નહીં તો વડકું ભરતા હોય તેમ બોલીશકાય પણ ડાહ્યાં મા-બાપે તો સમજાવટના સુરમાં જ બોલાય. બાળકને પણ માન-અપમાન હોય છે તેથી તેનું માન સચવાય તેમ જ બોલાય બાળકો જોડે કેવી રીતે બોલવું તે શીખવાની બહુ જરૂર છે.

સાચી-સારી ટેવ પાડવાની પણ રીત હોય છે. મારાં બા મને કહેતાં તાં કે એક વખત તેમણે પહેલા ધોરણમાં ભણતાં’તાં તે કાળે શાળામાંથી પાટીને પોતું મારવાની કોઈની રૂપાળી શીશી લઈ લીધી. ઘરે આવ્યાં ત્યારે તેમના બાપુજી એ જોઈ વઢયા નહિં. પણ બીજે દિવસે શાળામાં પોતાની નાની દીકરી સાથે આવ્યા અને બધાંની દેખતાં દીકરીને કહ્યું કે “કયાંથી લીધી’તી? ત્યાં મુકી દે. કોઈનું કાંઈ લેવાય નહિં.” મારાં બા કહે છે કે મને એટલું અપમાન લાગેલું કે અઠવાડિયા સુધી હું માથું ઊચું કરી શકી ન હતી. સારી ટેવ પાડવાની આ કેવી ખરાબ રીત કહેવાય ! બાળક બાપને ધિકકારતું થઈ જાય તેને બદલે ઘરે જ સમજાવ્યું હોત અને કહ્યું હોત કે જ્યાંથી લીધી ત્યાં મૂકી દે જે હું તને સરસ શીશી આપીશ તો બાળક અપમાનની લાગણી અનુભવ્યા વગર ચોરીન કરાય - એવી સારી વાત શીખી શક્ત. એક વખત મેં આનાથી તદન ઊલટી વાત ક્યાંક વાંચેલી કે શાળામાં ભણતી કોઈ છોકરી કોઈ છોકરા જોડે ફિલ્મ જોવા ગઈ. હેડ માસ્તરે દીકરીના બાપાને ફોન કરીને બોલાવ્યા. બાપાએ કહ્યું “ક્યાં છોકરા જોડે? અરે આની જોડે તો એનું વેવિશાળ કરવાનાં છીએ.” પછી ઘરે જઈને દીકરીને વઢયા અને કહ્યું કે “મેં તારું નાક જાળવ્યું છે જુઠું બોલીને. તો હવે તારે મારું નાક જાળવવાનું છે. આવા છોકરા જોડે ફરાવાનું નહીં.

બાળકને સાંભળવાનો સમય તે જ્યારે જ્યારે ઈચ્છે ત્યારે આપણે આપવો જોઈએ. “ચુપ કર, માથું ખા મા, હમણાં નહીં, પછી કહેજે, નથી સાંભળવું, અરે ભઈ ! મને વખત નથી” આવું આવું બોલનાર મા-બાપ તદન અભદ્ર છે. બોલતા બાળકને મુંગુ કરનારાં મા-બાપને ભગવાને તોતડાં - બોબડાં - મુંગડાં બનવાનો શાપ તરત જ આપવો જોઈએ. ડૉ. ઈશ્વર પરમારનું “કહેવું છે કોઈ મન ધરે તો” પુસ્તક વાંચો તેમાં બળકોની મા-બાપ વિશેની અનેક ફરિયાદો વાંચવા મળશે. એવી કોઈ ફરિયાદ બાળકને ઊભી ન થાય તેવો સુંદર તેનો ઉછેર કરવો જોઈએ.

મહાત્મા કબીરના એક પદમાં કહ્યું છે કે ‘ચિત્ત રહે ઘટ માંહય’ પનિહારી માથા પર હાંડા પર ઘડો લઈને જતી હોય, કાખમાં એક છૈયું હોય, સખી સાથે તાલી લેતી દેતી હોય, કોઈ ઢોર દોડે તો દોડીતરી જતી હોઈ પણ માથેથી ઘડો ન પડે. કારણ કે આ બધું કરતી વખતે તેનું ચિત્ત તો ઘટમાં જ હોય. તેમ, ગમે તે કાર્ય કરતી વખતે મા-બાપનું ચિત્ત તો બાળકમાં જ રહેવું જોઈએ. ‘માંડ કયાંક આઘું ટળ્યું છે, મૂંગુ મર્યું છે તો થોડું કામ કરી નાખું’ આ મનોવૃત્તિ બરોબર નથી. બાળક કાંઈ અનિચ્છનીય કામ કરતું હોય ત્યારે જ મુંગું હોય છે. તેથી બાળકને અવાજ વિનાનું જાણી તરત તે શું રમે છે, તે ક્યાં છે, તે જો તાં રહેવું જોઈએ. “કરતાં જઈએ ઘરનું કામ લેતાં જઈએ પ્રભુનું નામ” ની જેમ કામ કરતાં કરતાં સતત બાળક શું કરે છે. ક્યાં જાય છે તે જોતાં રહેવું જોઈએ.

અમારી પડોશમાં એક કુટુંબ રહેતું તું. તેનો અઢી ત્રણ વર્ષનો બાબો હતો. હું ત્યારે હઈશ સાતેક વર્ષની. તે બાબો અમારા ભાડુતને ત્યાં આવે અને અમારો તે સાઠેક વર્ષનો ભાડુત તેને છત ઉપર ટાંગેલા કડા ઉપર ટાંગે “છોડી દઈશ નહીં હો, નહીંતર પડી જઈશ.” હાથથી કડું પકડી રાખજે. થોડી વાર પછી તને નીચે ઉતારી “ચોકલેટ આપીશ.” આવું રોજ કરે. છોકરો બેક મિનિટ પછી એવો અમળાય, એવો અમળાય ત્યારે આ ડોસો બોલે કે “રોઈશ નહીં હો, નહીં તો મારીશ.” આમ, પાંચ સાત મિનીટ ટાંગી રાખે પછી ઉતારીને ચોકલેટ આપે. મારાથી આ જોયું ન જાય. એક દિવસ મેં એ છોકરાની દાદીમાને જઈને કહ્યું કે “તમારા દીકરાને અમારા આ ભાડુત આવું કરે છે. તમને એમ કે દીકરો રમવા ગયો છે.” આમ આજુબાજુ વિકૃત માનસવાળાં સ્રી-પુરુષોનો તોટો નથી. બાળકનું સતત નિરીક્ષણ કરતાં રહેવું તે આજની બાલ ઉછેરની પ્રાથમિક (પ્રધાન) આવશ્યકતા છે.

અમારા ઘરની પાછળ અમારા આંગણામાં જ થોડે દુર એક કૂવો છે. અમે ત્રણેય ભાઈ-બહેન સાત-પાંચ-ત્રણ વરસનાં હતાં ત્યારની વાત છે. એ ઊંડા કુવા ઉપર નાનાજીએ નવી જાળી નખાવી. એ જાળી લાકડાનાં ચાર ખાનાંમાં ફીટ કરીને નખાવી અને ઉપર માર્યું તાળું. એ લોખંડની ચળકતી જાળીનાં ત્રણ ખાનામાં અમે ત્રણ જણાં બેસીએ અને ઠેકડા મારીએ. નાની માં સમજે કે બાળકો આટલામાં કયાંક રમે છે. ત્યાં સુધીમાં રાંધી નાખું અને અમે સાંજે આવી રીતે મોતની અને અકસ્માતની સાધના કરતાં હોઈએ. ગંભીરતાનું તો કંઈ ભાન ન હોતું. અમારાં પડોશી બહેન આ જોઈ ગયાં અને તેમણે અમારાં નાનીમાને દોડતાં આવીને આ વાત કરી. નાનીમાં હાંફભર્યા દોડયાં અમને વઢયાં, ધબ્બાય માર્યા. અરે જાળી તુટી ગઈ હોત ને એમ કુવામાં પડી ગયાં હોત તો? એ ખ્યાલે તેઓ રડવા માંડેલાં. આમ, બાળ-ઉછેરમાં અનેક બાબતોનું લક્ષ રાખવું આવશ્યક છે.

એક બાળક ત્રણ ચાર વર્ષનું છે અને બીજું બાળક આવવાનું છે. ત્યારેતો આ પ્રથમ બાળકની માનસિક માવજત બહુ જરૂરી છે નહીંતર તે અદેખું અને નાના ભાંડરડાને ધિકકારતું થઈ જશે. એમાંય વળી નાના બાળકને રમાડવા આવનાર આ નવજનિત માટે ભેટ લાવશે તે આ મોટું બાળક જોતું હોય તેને નાના ભાડુંની કેવી એદખાઈ આવે? તેથી રમાડવા આવનારે બન્ને બાળકો માટે ભેટ લાવવી જોઈએ.

વળી ઘણા લોકો તો નાના બાળકને તેડીને મોટા બાળકને ખીજવે છે કે “તારા ભાઈને-બહેનને હું લઈ જાઉં? અમે લઈ જવાનાં છીએ” વગેરે વગેરે. ઓલું મોટું બાળક બિચારું નિ:સહાય બની જાય છે. ત્યારે મા-બાપે બોલવું જોઈએ “નહિં લઈ જાય હો, લઈ જશે તો આપણે તેમને મારશું.”

હવે થોડી વાતો બાળ કેળવણી વિશે કરીએ. કેળવણી વગર જ ઉછેર લુલો ઉછેર છે. બાળક ઊછરતું જાય છે તેથી સાથે સાથે તેની અંદર એક સંસ્કારી મનુષ્ય પણ ઊછરતો જાય છે તેથી ઊછરે તેવી કેળવણી આપવી જોઈએ.

બાળ કેળવણી

બાળકેળવણી મા-બાપને બાળગીતો ગાતા આવડવું જ જોઈએ. એવાં ગીતો કે જે બાળકની ભાષામાં હોય, તેની કલ્પનાને સજાગ કરે તેવાં હોય, મનોરંજક હોય, પ્રકૃતિનાં તત્વો જોડે વાર્તાલાપ કરે તેવાં હોય, સજીવારોપણ અલંકાર બાળકોને બહુ મનોરંજન આપે છે. તેથી ચાંદામામા બોલે, દરિયો ગાય, ડુંગર ડોલે એવું બધું બાળકોનાં ગીતોમાં વિષય વસ્તુ બનીને આવવું જોઈએ

એ ગીતો નાનકડાં હોવા જોઈએ. એ ગીતો ઝડપી લયનાં હોવાં જોઈએ તોજ બાળકો ગાશે. અને થનગનશે. નહિંતર બગાસાં ખાશે. એ ગીતોમાં ક્યાંય બોધ નહીં હોવો જોઈએ. તેમાંથી આપ મેળે એ બાળકો બોધ ગ્રહણ કરી લે તેવી યોજના જોઈએ. બોધ આપવાનો નહિં. જેમ કે,

એક મજાનો માળો, એમાં દસ ચકલી રહેતી
એક ચકલી ચોખાં ખાંડે, બીજી મગડાં ભરડે
ત્રીજી બેઠી કરે તડાકા, ચોથી ચોખાં ચાળે
પાંચમી ઓરે ખીચડી, ને છઠ્ઠી છમછમ નાચે
સાતમી શાક સુધારે, ને આઠમી હજીય ઊંઘે
નવમી નીર ભરી લાવે, ને દશમી દમ ભીડાવે
કહો ખીચડી થઈ ગઈ છે, હવે કોણે જમે? કોણ રમે?

બસ મારી કવિતા અહીં પુરી થાય છે. પણ મેં જેને માટે આ કવિતા ગાઈ હતી તે ત્રણચાર વર્ષની ભત્રીજી ચિ. ટીણુએ કહ્યું કે “હું કહું?” અને તેણે આ જ લયમાં ગાયું કે “જે કામ કરે તે જમે અને ન કરે તે રમે.”

દિલ્હીમાં લોટસ ટેમ્પલમાં થાંભલે થાંભલે પાટિયાં લગાડી લખ્યું છે કે તળાવમાં કાગળના ડુચા વગેરે કચરો ન નાખશો. પણ મેં જોયું છે કે તળાવમાં કાગળના ડુયા પડયા હતા. કોઈ બોધ આપે તેને ન માનવો એવો મનુષ્યનો જન્મજાત સ્વભાવ છે. તેથી બાળકોને પણ સીધો બોધ ન આપવો. પણ પરોક્ષ બોધ મળી જાય તેવી યોજનાવાળાં ગીતો ગાવાં અને બધાં ગીતો આવાં બોધક હોવા જરૂરી નથી. મોટા ભાગનાં ગીતો કેવળ મનોરંજક હોવાં ઘટે.

જેમને ગાતાં બજાવતાં ન આવડે તેમણે એવું બાલ-સાહિત્ય ખરીદવું જોઈએ અને તેમાંથી જોઈ-શીખીને ગાવું જોઈએ. મોટો ભાગનાં માતા-પિતા સાડી ઘરેણાં વગેરે ખરીદે છે પણ બાળકો માટે રમકડાં કે પુસ્તકો લેતી વખતે લોભ કરે છે. બાળકો હઠ કરે તોય તેમને તેઓ આવાં પુસ્તકો અપાવતા નથી. બાળકો જુએ છે, વિચારે છે કે “પોતાને માટે બધું લે અમને ન અપાવે” પત્યું હવે તે મા-બાપને માન નહીં આપે, પ્રેમ નહીં આપે.

મા-બાપને વાર્તાઓ કહેતાં પણ આવડવી જોઈએ. બાળકોનો હક છે કે તેઓને મા-બાપ વાર્તા સંભળાવે અને મા-બાપની ફરજ છે કે તેઓ બાળકોને વાર્તા કહે.

બાળવાર્તામાં લીંબુપરીને પરણવાની રાજકુમાર હઠ કરે - ને એવું એવું નહીં આવવું જોઈએ. બાળકોની પાસે પ્રેમ કરવાની અને પરણવાની વાત કરવી તે નાનકડા ચું-ચૂંવાળા બુટ પહેરી શકે એવા ટચૂકડા પગમાં મોટા જોડો પહેરાવવા જેવી મુરખાઈ છે. ઝબલું પહેરી શકે એવા બાળકને ડગલો પહેરાવાય કે? બાળકો પ્રેમ અને પરણવામાં શું સમજે?

બાળવાર્તામાં ભુત-પ્રેત, રાક્ષસ, લડાઈ ઝગડા, માર, ખૂન હત્યા, મુત્યું વગેરે નહીં આવવાં જોઈએ. તેમને બિવડાવવા, રોવડાવવા વાર્તા નથી કહેવાની તેમના મનોરંજન માટે વાર્તા કહેવાની છે.

બાળવર્તામાં છી, પી, વાહરવું વગરે શબ્દો કે એની વાતો કે કોઈ અભદ્ર અંગોની વાર્તા પણ નહિં આવવી જોઈએ. તે સાંભળી બાળકોને કુત્સિત હાસ્ય આવશે અને તે સુરુચિનો ભંગ અને અનૌચિત્ય કહેવાય.

બાળવર્તામાં નીચ પાત્ર પણ મૃત્યુ નહિં પામવું જોઈએ. તેને સુધરતું દેખાડવું જોઈએ વાસ્તવિક દુનિયામાં તો લુચ્યાઓ જીતતા હોય છે પણ બાળવાર્તાઓમાં સજ્જનો જીતતા હોવા જોઈએ કારણ કે વાર્તાઓ દ્વારા મનોરંજનની સાથે સાથે બાળકોને પરોક્ષરીતે માનવતાના સંસ્કારો પણ મળવા જોઈએ.

બાળકો સાંભળ્યા કરે અને વાર્તા કહેનાર વાર્તા કહ્યા કરે એવું ન બનવું જોઈએ. તો બાળકો બગાસાં ખાવા લાગશે. તેથી વચમાં વચમાં પ્રશ્ર પૂછવા જોઈએ. માનો કે વાછડાની વાત આવી તો પૂછી શકાય કે ગાયના બચ્યાને વાછડું કહેવાય તો ગધેડાનાં બચ્ચાને, કૂતરાનાં બચ્યાને શું કહેવાય? વગેરે તો જ્ઞાન પણ મળે અને બાળકો પેસીવ ન થઈ જાય. વાર્તાઓ ક્રિયા પ્રેરક જોઈએ બાળવાર્તામાં વારંવાર એકનું એક જોડક્ણું આવ્યા કરે એવી યોજના જોઈએ જેથી બાળકો વાર્તા દરમ્યાન ગાન-રસ લઈ શકે. વાર્તા પતે ત્યાં સુધીમાં તો તે જોડકણું એમને મોઢે આવડી જાય એટલી વાર તેની પુનરાવૃત્તિ થવી જોઈએ જેથી વાર્તા પુરી થાય પછી પણ બાળકો જોડકણું ગાતાં રહે. બાળગીતો અને બાળવાર્તાઓ બાળ કેવણીનાં ઉત્કૃષ્ટ ઉપકરણો છે.

[સાભાર : વિવેકાનંદ કેન્દ્ર પાલીતાણા દ્વારા પ્રકાશિત વિવેક સુધા-જુન ૭, લે. રક્ષાબેન]