બાળકનો ગુસ્સો

ઉમા દીપક તેરૈયા

| 4 Minute Read

આઠ-દસ વર્ષનું બાળક ટી.વી જોતું હતું. તેની મમ્મીએ ત્યાં આવી દુધનો ગ્લાસ આપ્યો. બાળકનું ધ્યાન ટી.વી.માં હતું. થોડું દુધ ચાખીને બાળકે ગુસ્સા સાથે દૂધના ગ્લાસનો ઘા કર્યો અને રાડ પાડીને કહયું, “મમ્મી, આજે દુધ કેમ મોળું બનાવ્યું?”

મમ્મીથી તરત સામી રાડો પાડી બોલી જવાયું, “તુંયે તારા પપ્પા જેવો જ છે. ગુસ્સો તો નાક પર! હાથમાં આવી નથી કે તે વસ્તુનો ઘા કર્યો નથી. આવો તે ગુસ્સો હોય?” ઘરના બધા જ વ્યક્તિઓ ત્યાં દોડી આવ્યા. તુટેલો ગ્લાસ અને આખા રૂમમાં દુધ ઢોળાયેલું જોઈને પપ્પા બાળકનો ગુસ્સો સહન ન કરી શક્યા. તેમણે એક થપ્પડ લગાવી દીધી.

દાદી આ પરિસ્થિતિ શાંત કરવા બાળકને સમજાવવા લાગ્યા અને મમ્મી રૂમની સફાઈમાં લાગી ગઈ. અવાજ સાંભળી પડોશીએ આવીને પૂછ્યું “શું થયું?”. દાદીએ આખી ઘટના તેના શબ્દોમાં વર્ણવી. પડોશી સાથેની દાદીની વાતો સાંભળી બાળકનો ગુસ્સો બેવડાયો. તેના હાથમાં ત્યારે કદાય બીજો કાચનો ગ્લાસ હોત તો તે પણ તેણે તોડી નાંખ્યો હોત.

પરિસ્થિતિ શાંત થતા બાળકો રાડો પાડીને રડે છે અથવા જો સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે તો બીજા રૂમમાં બારણું બંધ કરી બેસી જાય છે. વડીલોને શું કરવું તે સમજાતું નથી. દાદા-દાદી, મમ્મી-પપ્પા બધાંને થાય છે કે આટલું નાનું બાળક અને આટલો ગુસ્સો?! નાની વાતમાંયે તોડ-ફોડ શરૂ થાય છે.

બાળક નાનું હોય ત્યારે કેવું હસતું-રમતું હોય. તેને હસાવવું-રમાડવું ગમે તેની સાથે વાતો કરવી ગમે, ગુસ્સો એટલે શું? એ તેને ખબર પણ ન હોય, પણ થોડું મોટું થાય એટલે બાળક ગુસ્સો કરી….

  • નીચે આળોટવા લાગે.
  • ક્યારેક કોઈ વસ્તુના ઘા કરે.
  • વસ્તુ તોડી નાંખે.
  • ક્યારેક વડીલો પર હાથ ઉપાડી લે.

આવી પરિસ્થિતિ આપણને મૂંઝવી જાય છે. ખુબ દુ:ખ પહોંચે છે. બાળકને સમજાવવાનો પ્રયત્ન કરીએ તો એ નિરર્થક લાગે છે. તેને કોઈ અસર ન થતી હોય તેવું લાગે છે. ક્યારેક એવું લાગવા માંડે છે કે ગુસ્સો પણ વારસાગત હશે. સ્વાભાવ જીનેટીકલી ઊતરી આવ્યો હશે. ગુસ્સાવાળો સ્વાભાવ આપણને તો મૂંઝવે જ છે, પણ બાળક મોટું થતાં તેને પણ નુકસાન કરી શકે છે.

સૌમ્ય હોવું એ માનવતાનું લક્ષણ છે. ઉગ્રતા એ માનવતા નથી. બાળક વધુ ચાલાક, ચબરાક અને ચતુર હોય તે યોગ્ય છે, પણ બીજાને નુકસાન પહોંચાડે તેવા હોય, ઉગ્ર હોય તો તે માનવતા નથી. માટે બને ત્યાં સુધી બાળક ગુસ્સા પર સંયમ મેળવતા શીખે તેવો આપણો પ્રયત્ન હોય. આ માટે આપણે કેટલીક વાતો ધ્યાનમાં રાખવી પડે.

જયારે બાળક ગુરસામાં હોય ત્યારે “ગુસ્સો ખરાબ છે” એવું સમજાવી ન શકાય. સમજાવવાનો તે યોગ્ય સમય નથી. બાળકના સ્વાભાવની સરખામણી ઘરના સભ્યો સાથે ન કરીએ. કારણ કે તેના માટે તેના મમ્મી-પપ્પા કે દાદા-દાદી આદર્શ છે. તેના જેવો જ ગુસ્સો કરે છે એવું કહેવાથી તેને પોતે જે કરે છે તે યોગ્ય છે તેવું લાગવા માંડે છે. અણગમતી પરિસ્થિનો રાડો પાડોને કે તોડફોડ કરીને જ વિરોધ કરી શકાય એવું નથી. સંતુલન સાથે તે વાત બીજાને સમજાવી શકાય તેવું સમજાવવાનો પ્રયત્ન તેને પાસે બેસાડીને શાંતિથી કરી શકાય. બાળક ગુરસામાં હોય ત્યારે તેની સામે વધુ ગુસ્સો કરી તેને બંધ કરી દેવું શક્ય નથી. તેની દવા શાંતિ જ છે. જ્યારે પણ બાળક ગુસ્સો કરે ત્યારે આપણું વર્તન હંમેશાં શાંત જ હોય તે ખૂબ જરૂરી છે. એ સમયે થોડી પળો તેને શાંત પડવાનો મોકો આપીએ. બાળકે ગુસ્સો કર્યો તે વખતે બોલાયેલા શબ્દો કે તેણે કરેલી તોડફોડ વિશે બાળક શાંત પડે ત્યારે શાંતચિત્તે મક્કમતાથી કહીએ: “તારી આ ટેવ અમને દુ:ખ પહોંચાડે છે.” બીજાની હાજરીમાં બાળકે કરેલા વર્તનનું વર્ણન કે તેના સ્વાભાવની ટીકા ન કરવી જોઈએ.

[સાભાર : બાળવિશ્વ ડિસેમ્બર-૧૨, લેખક: ઉમા દીપક તેરૈયા]