આપનાં બાળકોમાં શ્રેષ્ઠત્વ કેવી રીતે નિર્માણ કરશો?

હર્ષદ પ્ર. શાહ

| 5 Minute Read

દરેક માતાપિતા પોતાના બાળકને શ્રેષ્ઠ બનાવવા ઈચ્છે છે, એને જીવનના દરેક તબક્કે સફળતા મળે એવું ઈચ્છે છે. પરંતુ શ્રેષ્ઠત્વનું નિર્માણ એ જેવી તેવી બાબત નથી એ એક પ્રકારની સાધના છે, માતાપિતાનાં મનોબળ અને ધીરજની કસોટી છે.

બાળકને જન્મ આપી દેવાથી માતાપિતા એના માલિક નથી બની જતાં. બાળકને જન્મ આપ્યા પછી જીવન સંસ્કાર આપવાનું અઘરું કામ પણ એમણે જ કરવાનું છે અને બાળકને રાષ્ટ્રજીવનમાં સમરસ કરવાનું છે…. બાળકએ સાચા અર્થમાં રાષ્ટ્રની મુડી છે અને રાષ્ટ્રનું સ્મિત પણ છે.

બાળકને શ્રેષ્ઠ બનાવવાના કેટલાક અઘરા પણ સચોટ ઉપાયોની ચર્ચા હું અત્રે કરવા માગું છું.

(૧) માતાપિતાએ શ્રેષ્ઠત્વની ઉપાસના કરવી

બાળક માટે એના પ્રારંભિક જીવનના આદર્શ એના માતાપિતા છે. એમના સર્વ પ્રકારના વાણીવ્યવહારનું અનુકરણ બાળક કરે છે. બાળકના જીવનનાં પ્રથમ ત્રણ વર્ષ સુધી તો માતા-પિતા-પરિવારજનો એ જ બાળકની દુનિયા છે સારું પણ અહીંથી શીખે છે અને ખરાબ પણ અહીંથી જ શીખે છે. બાળકની જન્મકુંડળી કરતાં પરિવારકુંડળીની અસર બહુ વધારે હોય છે. માટે પરિવારજનોએ પોતાના પ્રત્યેક આચરણને શ્રેષ્ઠતાની એરણે ચડાવતા રહેવું જોઈએ અને કોઈ પણ જાતનાં વિકાર-વિકૃતિ બાળકના મનપ્રદેશને ન સ્પર્શે એ માટે સજાગ રહેવું જોઈએ.

(૨) પ્રેમનું મસમોટું બેલેન્સ બાળકના ખાતામાં જમા કરવું

બાળકનાં પ્રથમ પાંચ વર્ષના સમયમાં, એના વિકાસ માટે પ્રેમ અને આનંદ આ બે પરિબળો ખૂબ મોટો ભાગ ભજવે છે. બાળકને એટલો પ્રેમ આપો કે એ તમારી કોઈ પણ પ્રેમપૂર્વક કહેલી વાતનો અસ્વીકારન કરે. આવું કરવાથી તોછડાઈ, ઉદ્ધતાઈ, મોટાંની અવગણના જેવી બાબતોનો પ્રવેશ જ નહીં થાય. પ્રેમ એ વિવેક્યુક્ત પ્રતિભાની પૂર્વશરત છે. તમારુ પ્રેમનું બેલેન્સ પર્યાપ્ત હશે તો ક્યારેક તમે કરેલા નાનકડા… થોડા ગુસ્સાનો ભાર એ સરળતાથી ઝીલી શકશે અને એની સમજણની માત્રા વધશે. પ્રેમને પરિણામે એ સલામતી અનુભવશે, બીજાને પ્રેમ કરતાં પણ શીખશે અને આનંદયુક્ત બાળપણનો અનુભવ કરશે. આવી સ્થિતિ બાળકમાં બીજા ઘણા સદ્ગુણો જન્માવશે અને ચોક્કસ પ્રકારનું ચરિત્ર બંધાશે.

(૩) નાની નાની વાતો ચીવટ અને ધૌર્યથી સમજાવો

ઘણી વખત બાળકના વર્તનની નાની બાબતો વણસ્પર્શી રહી જાય છે. જેમ કે શિષ્ટાચારપૂર્વક જમવાની રીત, મહેમાનોનું અભિવાદન કરવાની રીત, વડીલો સાથે વિવેક્પુર્વક બોલવાની રીત, મિત્રો અને સાથીઓમાં વહેંચીને ખાવાની રીત, પોતાનું દફતર ગોઠવવાની રીત, પોતાની આસપાસ સ્વચ્છતા રાખવાની ટેવ, ગમે ત્યાં ન થુંકવાની અને ગમે ત્યાં કચરો ન ફેંક્વાની ટેવ, સમય-પાલનની ટેવ, નિયત સમયે નિયત કામ કરવાની ટેવ… આ યાદી તો ઘણી લાંબી બની શકે. બાળકને નાનપણથી જ એ સમજાવવું જોઈએ કે કોઈ પણ કામ નાનું નથી તેમજ નાની નાની બાબતોનું મોટું મહત્ત્વ છે. નાની નાની બાબતો પૂર્ણતા તરફ દોરી જાય છે અને પૂર્ણતા એ કોઈ નાની વાત નથી !

આ બધી વાતો જીવનશૈલી અને જીવનદષ્ટિ વિકસાવવા માટેની છે. એનાથી બાળકના જીવનનો સુદઢ પાયો રચાશે. નાની નાની વાતોનું મહત્ત્વ સમજાવવા માતાપિતાએ સ્વાભાવિક રીતે જ ધૈર્ય ઘારણ કરવું પડશે અને સમય પણ વધારે આપવો પડશે.

(૪) બાળક સાથે સંવાદનો સેતુ રચો

બાળક સાથે વાદ-વિવાદ અને પ્રતિવાદ ન કરતાં નિરંતર સંવાદ કરવો આવશ્યક છે. સહજ, સ્વાભાવિક અને પ્રેમપૂર્ણ સંવાદ કરવાથી માતાપિતા અને બાળક વચ્ચે આત્મીયતા સ્થપાય છે અને વિશ્વાસનું વાતાવરણ સર્જાય છે. બાળક પોતાના મનની મૂંઝવણ માતાપિતા સમક્ષ નિઃસંકોચપણે… નિખાલસતાથી જો કહી શકે તો અનર્થોં સર્જાતા અટકે. સંવાદ કરતી વખતે ધ્યાનમાં એ રાખવું જોઈએ કે બાળકની વાત અત્યંત શાંતિથી સાંભળવી. એની ઉપેક્ષા કે અવગણના ન કરવી. એની વાત ખુબ જ મહત્ત્વની છે એવું બાળકને તમારા વ્યહારથી લાગવું જોઈએ. આમ કરવાથી એ ખુલશે અને ખીલશે. દિવસનો અર્ધો ક્લાક જેટલો સમય જો સંવાદ માટે ફાળવવામાં આવશે તો બાળકના મનનું સતત સમાધાન થતું રહેશે. એના મગજમાં ગુંચળાં નહીં વળે. સંવાદથી સામિપ્ય સધાશે અને સમજણ વધશે. શ્રેય અને પ્રેયનો ભેદ સમજવામાં બાળકને મદદ મળશે. માતાપિતા સાથેના સંવાદમાંથી બાળકની વૈચારિક સમૃદ્ધિ વધે એવી સંભાવના છે.

(૫) બાળકને સંકુચિત નહીં, વ્યાપક બનાવો

ઘણા માતાપિતા બાળકને જાણ્યે-અજાણ્યે સંકુચિતતા તરફ દોરી જાય છે. બાળક સ્વકેન્દ્રી અને સ્વાર્થી બને એવી વાતો કે શિખામણ ન આપવી. એના સારા મિત્રોને આવકાર આપવો અને સમદષ્ટિથી એમની સાથે વ્યવહાર કરવો. સમાજમાં રહેતા બધા માણસોની સારી બાબતો પ્રત્યે એનું ધ્યાન ખેંચવું. સમગ્ર સૃષ્ટિમાં બધા સાથે સારી રીતે હળી-મળીને રહેવાનુ સમજાવવું. નકારાત્મક કે ટીકાત્મક વાતો કરવાથી બચવું. એવી બાબતોની ઘણી ખરાબ અસર બાળકો પર પડે છે અને એ સંકુચિત બને છે. સંકટમાં કે તકલીફ-મુશ્કેલીમાં બીજાને મદદરૂપ થવું જોઈએ એવો વ્યવહાર માતાપિતાએ પોતાના આચરણથી બાળકને સહજ શીખવવો જોઈએ.

[“બાળવિશ્વ” ડિસેમ્બર-૧૨ માંથી સાભાર, લેખક: હર્ષદ પ્ર. શાહ, કુલપતિ, બાળવિશ્વ વિધાલય, ગાંધીનગર]