બાળકનું ઓળખપત્ર : દોડમદોડ ને બકબક!

ડૉ. મહેન્દ્ર ચોટલિયા

| 3 Minute Read

“અદબ, પલાંઠી ને મોઢે આંગળી” - આવું શિક્ષક બોલે ને આખા વર્ગમાં કરફ્યુ લાગી જાય. ડિસ્પ્લે બાર્ડ પર પતંગિયાંને ટાંકણીથી ચોંટાડી દીધાં હોય એમ સન્નાટો વ્યાપી જાય. પછી તો શિક્ષક ધારે તે જુલમ કરી શકે. હાથપગ બંધાયેલા છે ને મોઢે ડુચો છે એવાં બાળકો કરે પણ શું ? જેમ દર્દીને એનેસ્થેશિયા આપ્યા પછી એના પર ગમે તેમ વાઢકાપ કરી શકાય - એને છરી - કરવતથી કાપી શકાય ને છીણીથી તોડી શકાયને સોયથી સીવી પણ લેવાય, એમ શિક્ષક આ જીવ પર યથેચ્છ આક્રમણ કરે છે.

જો આપણે શિક્ષણને કોઈ મહામૂલું પ્રવાહી માનતા હોઈએ, કે જે શિક્ષકના મગજની ટાંકીમાં ભરેલું છે, તેમાંથી ચમચી-ચમચી લઈને બાળકની સાંકડી મનશીશીમાં રેડવાનું છે; તો બાળકને મુશ્કેટાટ બાંધી રાખવું પડે, કેમકે રખેને એ હાલેચાલે ને પેલું સંજીવક દ્રવ્ય, નામે શિક્ષણ, ધુળમાં ઢોળાઈ જાય તો ? અવાજ ના કરો, હલનચલન ના કરો, સીધા બેસો, મારી સામે જુઓ… જેવી અનેક શિક્ષક - આજ્ઞાઓનું મુળ શિક્ષણ વિશેની ખોટી સમજમાં રહેલું છે. એક તરફ આપણે વારંવાર યાંત્રિકપણે એક મંત્ર બોલી જઈએ છીએ કે શિક્ષણનું કામ બાળકની અંદર પડેલું બહાર કાઢવાનું છે. જો આ સાચું હોય (જોકે એ છેક સાચું નથી.) તો પણ બાળકને આમ અદશ્ય દોરડાથી બાંધીને અ-હલ્યા બનાવી દેવાની શી જરૂર છે?

પંચેન્દ્રિયની સતત સક્રિયતા એટલે જ બાળકનું બાલત્વ. પ્રતિક્ષણ બાળકની ઊર્જા ઊભરાય છે. આ ઓવરફલોને સંતુલિત કરવા માટે બાળક સતત હલનચલન-દોડાદોડી-બોલાબોલ કરતું જ રહે છે. હવે જરા વિચારો કે જેમાં ઊર્જાની હેલી સતત ચડ્યા કરે છે તેવા ચૈતન્યને અદબ પલાંઠી ને મોઢે આંગળી જેવા વ્યવસ્થાલક્ષી કે શિસ્તલક્ષી વટહુકમ દ્વારા સ્થાવર બનાવી દેવાનું કેટલું અનૈસર્ગિક છે ! બે ઘડી બાળકના ખોળિયામાં ઊતરીને અનુભવો કે એ ઓજસ્વી ચૈતન્ય-પ્રવાહને રોકી રાખવાનું બાળક માટે કેટલું અસહ્ય હશે !? આવું બાહ્ય દબાણ વારંવાર થાય એટલે એમાંથી બે પ્રતિક્રિયાઓ જન્મે:

(૧) કાં તો બાળક અંદરથી નિષ્ક્રિય બની જાય અથવા
(૨) બાળકમાં શિક્ષક અને શિક્ષણ માટે વિરોધ જન્મે

આપણાં બાળમંદિરોમાં આ બે પ્રતિક્રિયા સર્જાય છે કે નહી ? મા-બાપ, શિક્ષક કે શિક્ષણના કાર્યકર્તા તરીકે આ સૂક્ષ્મ સંચલનોને તપાસવાની આવશ્યકતા છે.

ઊર્જાના આવેગને જ સર્જનશીલતામાં વાળી શકાય એટલે જ સ્તો સંશોધનો કહે છે કે વધુમાં વધુ ૧૦ વર્ષની ઉંમર સુધી નૈસર્ગિક ઊર્જાનો મહાપ્રવાહ વહે છે ને ત્યાં સુધીમાં જે બાળક સર્જનશીલ બની ગયું તે બની ગયું, પછીથી જે કંઈ પ્રયાસ થાય તે પાકા ઘડે કાંઠા ! હવે સમજાય છે ને કે પ્રાથમિક સ્તરના શિક્ષણનું મહત્ત્વ અને પ્રાથમિક શિક્ષકોનું ઉત્તરદાયિત્વ કેટલું સંકુલ છે !

બાળકની ઈન્દ્રિયો એની ઈનપુટ-આઉટપુટ સિસ્ટમ છે. એ બન્નેને જેટલી વધારે પ્રેક્ટિસ મળશે તેટલો આંતરિક વિકાસ વધારે થશે. નિયમ એ છે કે બાહ્ય રીતે વધુ હલનચલન કરનારા સજીવોનાં મગજ વધુ વિકસ્યાં છે. કાચબો-મગર વિરુદ્ધ વાંદરા-માણસની ઉત્કાંતિના પુરાવા પરથી શારીરિક સક્રિયતા અને મનોવિકાસના સંબંધનો નિયમ સર્જાયો છે.

તમારાં બાળકોને નાચવા-કૂદવા દો, તમે પણ નાચો-કૂદો. એ માટે અદબ પલાંઠી છોડી નાખો ને મોઢા પરથી આંગળી લઈ તમારા વડીલ કે શિક્ષકના મોઢા પર મૂકીદો. મઝા પડી જશે !

[“બાળવિશ્વ” ડિસેમ્બર-૧૨ માંથી સાભાર, લેખક: ડૉ. મહેન્દ્ર ચોટલિયા, નિયામક ચીલ્ડરન યુનિવર્સિટી, ગાંધીનગર]