બાળકોમાં હિંસકતા અને તેનો ઉકેલ

હસમુખ પટેલ

| 12 Minute Read

પ્રશ્ન : ચેન્નાઈમાં એક વિદાર્થીએ વર્ગખંડમાં જ શિક્ષિકાનું ખૂન કર્યું. વિધ્યાર્થીઓ આવા હિંસક કેમ બને છે ? આ અટકાવવા શું કરી શકાય ?

જવાબ : ચેન્નાઈની આ ઘટના વિશે મને માહિતી નથી. તેથી તેના વિશે વાત નહી કરી શકું પણ બાળકોના હિંસકપણા વિશે વિચાર કરીએ.

પશ્ચિમમાં આ સમસ્યા મોટા પ્રમાણમાં જોવા મળે છે. અવારનવાર આવા બનાવો બનતા રહે છે. ભૂતકાળમાં આપણે ત્યાં આવા બનાવો લગભગ ક્યારેય બનતા નહિ પણ હવે આવા બનાવો અસામાન્ય રહ્યા નથી. આવા બનાવો વધતા જાય તે પહેલાં આપણે તે રોકવા પ્રયાસ કરવા પડશે. સમસ્યાના મૂળમાં જઈ તેનો ઉકેલ શોધવા મથવું પડશે.

વિભક્ત કુટુંબોમાં બાળકો દાદા-દાદીના પ્રેમ તથા પિત્રાઈઓના સહવાસથી વંચિત રહી જાય છે. મા-બાપના કઠોર વર્તન વખતે દાદા- દાદીનો ખોળો આજે બાળકને હાથવગો નથી. મા-બાપથી રિસાયેલું બાળક ઘડીકમાં તેના સાથીઓ સાથે રમતમાં પરોવાઈ જતું. આજે પિત્રાઈઓ નથી. એટલું જ નહીં, પડોશીઓ પણ નથી. પડોશના સંબંધો સહજીવનના નહી, ટાણે પ્રસંગો આયોજનબદ્ધ રીતે મળવાના થઈ ગયા છે. પડોશી સાથે વાત કરવા આપણી પાસે સમય નથી કારણ કે આપણો સમય મોબાઈલ, ઈન્ટરનેટ અને કમ્પ્યુટર ખાઈ જાય છે. દૂર દુનિયા સાથે સંબંધ બાંધવા જતાં આપણે આસપાસના લોકોથી અલગ થઈ રહ્યાં છીએ. આ આપણને પોસાતું હશે પણ સહવાસ વિના જીવવું બાળકો માટે અઘરૂં થઈ જાય છે.

આજે મા-બાપ બન્ને વ્યવસાય કરે છે. પૂર્ણ સમયની માતા જેટલો સમય બાળકોને ન મળે તે સ્વાભાવિક છે. વ્યાવસાયિક તથા સામાજિક જવાબદારીમાંથી બાળકો માટે સમય કાઢે તો પણ તે પરિણામલક્ષી હોય છે. તેઓ બાળકો સાથે હોવા માટે હોતાં નથી પરંતુ તે સમયનો ઉપયોગ તેઓ ધાર્યા પરિણામ લાવવા માટે, પોતાની અપેક્ષાપૂર્તિ માટે કરતાં હોય છે. બાળક માટે મા-બાપનું તેમની સાથે હોવું માત્ર પર્યાપ્ત હોય છે. પણ મા-બાપ બાળકો સામે શરતી રીતે આવે છે. તેઓ બાળકો પાસે કશુંક કરાવવા માગે છે. ભણાવવા માગે છે, મહેનત કરાવવા માગે છે, પરિણામ લાવવા માગે છે. દરેક વ્યક્તિને કોઈ સાંભળનાર જોઈએ છે. બાળકને વિશેષ. નાનાં બાળકો માટે મા-બાપ સર્વસ્વ હોય છે. આ વાતાવરણમાં મા-બાપ સૂચના આપતાં હોય છે, સાંભળતાં હોતાં નથી.

બાળકોની વાત ન સંભળાય ત્યારે તેઓ ગૂંગળાય છે. ઘણું ભેગુ થાય ત્યારે વિરોધ આક્રોશ કે પ્રતિકિયાના રૂપમાં પ્રગટી નીકળે છે. આથી જ આપણાં બાળકો જિદ્દી, રિસાળ અને પ્રતિક્રિયાત્મક બને છે. તેઓ અજાણપણે એવું માનતાં થાય છે કે પ્રતિક્રિયા સિવાય કોઈ સાંભળશે નહિ. હિંસા પ્રતિક્રિયાનું સૌથી ઉપરનું અને વરવું રૂપ છે.

બાળકોને પોતાની જિન્દગી હોય છે. તેમને સ્વતંત્ર વ્યક્તિત્વ હોય છે. આપણે તેનો સ્વીકાર કરતાં નથી. આપણે તેમને ચાવી ભરેલા રમકડાની જેમ ચલાવવા માંગીએ છીએ. યા તો તેને ડરાવી, હિંસાથી અથવા તો પ્રેમના માધ્યમથી તેને વશમાં લઈએ છીએ. રીત કોઈ પણ હોય, બાળક સ્વતંત્રતા અનુભવતું નથી. તેને મુક્તતાનો અહેસાસ થતો નથી. તે ગૂંગળામણ અનુભવે છે. તેને પોતાની રીતે વ્યક્ત થવાની ઈચ્છા હોય છે, પણ અવકાશ હોતો નથી. તે વિચારે છે, એક દિવસ મોટો થઈને આ બંધનો ફગાવી દઈશ, પણ ત્યાં સુધી સહન કરવું પડશે, છૂટકો નથી. આ ગાળામાં તે પ્રતિક્રિયાત્મક બને છે.

આ પૈકી કેટલાંક બાળકો ખૂબ જ ઊર્જામય હોય, અથવા તો તેમનામાં બુદ્ધિતત્વ ઊંચુ હોય અથવા બન્ને હોય તેવાં બાળકો ગુલામી સ્વીકારવા તૈયાર હોતા નથી. તેઓ સહન કરવા તૈયાર હોતાં નથી. તેઓ જબ્બર પ્રતિક્રિયા આપે છે. તેઓ પ્રતિક્રિયાત્મક જ નહિ, બળવાખોર બને છે. તેઓની પ્રતિક્રિયા હિંસાત્મક હોઈ શકે. માતા-પિતા સામેની દાઝ તેઓ નાનાં ભાઈ-ભાંડુ પર કાઢી શકે. વસ્તુઓ ફેંકે, સાથીઓ સાથે મારામારી પર આવી જાય એવું પણ બને.

ઘરમાં કે શાળામાં તેમણે હિંસા જોઈ હોય કે તેમાંથી પસાર થયા હોય તો તેઓ હિંસક થાય તેવી શક્યતા વધુ. બાળક જુએ, અનુભવે તે સહેલાઈથી શીખે છે. ઘણી વાર મા-બાપ તેને મારતાં હોય ત્યારે તે હિંસક સામનો કરે છે. ત્યાં હારે ત્યારે તેનાથી સમોવડિયા કે નબળા સાથે હિંસક થાય છે.

એક વાર બાળક હિંસક થાય ત્યારે શિક્ષકો અને વાલીઓ પણ તેને હિંસાના માધ્યમથી હેન્ડલ કરે છે. તે હિંસાનો ભોગ બને છે. બદલામાં તે સાથીઓ અને નબળા લોકો સાથે હિંસા આચરે છે. એક વિષચક્ર ચાલુ થાય છે જે અટકાવવું કઠિન બને છે.

આવાં બાળકો ગમે ત્યારે હિંસાનો આશરો લઈ શકે. મા-બાપ પોતાનાં બાળકો વચ્ચે ભેદભાવ રાખતાં હોય, સરખામણી કરતાં હોય, તેમાંય ખાસ એકને મારતાં હોય અને બીજાને પ્રેમ કરતાં હોય ત્યારે આવાં બાળકો હિંસાના આ વિષચક્રમાં ફસાઈ શકે.

પિતા દારૂડિયો હોય, પરસ્ત્રીકુસંગે ચઢયો હોય, પરસ્ત્રી સાથે સંબંધમાં હોય, આર્થિક ભીંસમાં હોય, વ્યસની હોય કે નશીલાં દ્રવ્યોના રવાડે ચડ્યો હોય અને પોતાની પત્ની ને બાળકોને મારતો હોય તેવા ઘરમાં સંતાનો હિંસાના વિષયકનો ભોગ બની શકે.

આવાં ઘરોમાંથી આવતાં બાળકોની હિંસાનો ભોગ બનનારા બાળકો પૈકી કોઈ બાળક હિંસા તરફ વળી શકે. અથવા તો આવાં બાળકોના સંગને કારણે બાળક હિંસા શીખી શકે. પડોશ, મહોલ્લો, શેરી કે આસપાસના વાતાવરણમાં હિંસાનું ખાસ્સું પ્રમાણ હોય તો પણ બાળક હિંસા તરફ વળી શકે.

વર્ગખંડમાં અમુક વિઘાર્થીઓને રખડેલ, ઠોઠ, જેવાં લેબલ લગાડી, તેઓના ઘડતરમાં રસ લેવાનું છોડી દઈ, તેઓની સતત આલોચના કરવામાં આવે, તેઓની હાંસી ઉડાડવામાં આવે કે તેમને અવારનવાર ફટકારવામાં આવે ત્યારે તેઓ હિંસાનો આશરો લેતાં થાય છે. તેઓ શરૂઆતમાં તેમનાથી નબળા લોકો પર હિંસા અજમાવે છે. ધીરે ધીરે પોતાની હિંસાની તાકાત વધારતાં જઈ શિક્ષક કે વાલીની સામે થતાં અચકાતાં નથી.

પ્રેમનો અભાવ કે હિંસાનો અનુભવ કરનાર બાળકોના મનમાં વડીલો માટે આદર હોતો નથી. જે પરિવાર કે સમાજે એમને નફરત આપી છે તે પરિવાર કે સમાજ માટે તેમના મનમાં ભારોભાર નફરત હોય તે સ્વાભાવિક છે. આવાં બાળકો હિંસા તરફ વળી શકે.

બાળકોને સમય ન આપી શકનાર ઘણાં મા-બાપ તેમને ટીવી, કમ્પ્યુટર, અધ્યતન મોબાઈલ, મીડિયાપ્લેયર જેવા સાધનો આપે છે. આ સાધનોના ઉપયોગમાં વિવેક ન રાખીએ તો આપણા જેવા પુખ્ત લોકોનાં પણ તે માલિક બની બેસે છે. આપણાં આ હાલ હોય તો બાળકોનું શું ગજું ? બાળકોને આમેય ખાસ જવાબદારી હોતી નથી. તેઓ જે કંઈ કરે તેનાં પરિણામોનું તેમને ભાન હોતું નથી. આ રીતે પોતાનાં સંતાનોને આધુનિક સાધનો આપનાર મા-બાપ તેના ઉપયોગ પર નજર રાખે તેવું ભાગ્યે જ બને. આ સાધનો દ્વારા બાળકો જાતીયતા અને હિંસાના સંપર્કમાં આવે છે. આ ચીજો ખૂબ જ લોભામણી હોય છે. તેનું આદી થનાર બાળક કોઈ પણ સારી બાબત માટે નકામુ થતું જાય છે. કોઈને તેના કારણમાં જવાની સૂઝ, સમજ કે સમય હોતાં નથી. તેઓ બાળકના વર્તન માટે તેને લેબલ આપી ટીકાથી શરૂ કરી હિંસા સુધી પહોંચે છે. આવાં બાળકો પણ હિંસાના માર્ગે ફંટાય છે.

સંતાનોને સમય ન આપી શકનાર મા-બાપ બાળકોને છૂટથી પૈસા આપે છે. આ પૈસા આવાં દૂષણો તરફ દોરી જઈ શકે.

કેટલાક શિક્ષકો ખૂબ જ “કડક” હોય છે. હિંસાથી તેઓ બાળકોને થથરાવતા હોય છે. હિંસા માટે તેમને ગૌરવ હોય છે. ઉપર ચર્ચ્યા તે વાતાવરણમાં આવતો કોઈ વિદ્યાર્થી માથાનો નીકળે છે ત્યારે શિક્ષક પર હિંસક હુમલાનો બનાવ બને છે.

બાળકમાં અમાપ ઊર્જા હોય છે. તેને સર્જનાત્મકતામાં રૂપાંતરિત કરવામાં સમાજ નિષ્ફળ જાય ત્યારે તે હિંસામાં પરિવર્તિત થઈ શકે. રમતગમત તથા સર્જનાત્મક પ્રવૃત્તિઓથી બાળકની ઊર્જાનું ઉર્ધ્વીકરણ થાય. સર્જનાત્મક પ્રવૃત્તિઓ માટે મા-બાપ તથા શાળાએ ખાસ આયોજન કરવું પડે છે. પણ રમતગમત તો આપોઆપ થાય છે. બાળકોને રમવાની છૂટ આપવામાં આવે તો તેની ઊર્જાનો મનોશારીરિક વિકાસમાં વિનિયોગ થાય.

હિંસા, ભય અને અસુરક્ષા વચ્ચે ઊછરતું બાળક તેમાથી જીવી જવા મુખ્યત્વે બે માર્ગ અપનાવી શકે. એક ડરનો, બીજો સામે થવાનો - હિંસાનો. ડરનો માર્ગ અપનાવનાર બાળક ડરની આત્યંતિક સ્થિતિમાં ઘરેથી ભાગી જવાથી માંડી આત્મહત્યા સુધીનો વિકલ્પ અપનાવી શકે. હિંસાનો માર્ગ અપનાવનાર નિર્બળ સાથે હિંસાથી શરૂ કરી, સાથી વિદ્યાર્થી, શિક્ષક કે ભાઈ-ભાંડુના ખૂન સુધી જઈ શકે છે.

વાલીઓ, વડીલો અને શિક્ષકો શું કરી શકે ? નવા જમાનાને કે આજની જીવનશૈલી કે વિઘાર્થીઓને દોષ દેવાને બદલે આપણે જાતે તે માટે જવાબદાર બનવું પડશે. આજની જીવનશૈલીથી ઊભા થયેલા પ્રશ્નો સાથે કામ પાડવાનું સૌથી અઘરૂં બાળકો માટે છે. બાળકો માટે નિર્વ્યાજ પ્રેમની આજે જરૂર છે તેટલી ભૂતકાળમાં ક્યારેય નહોતી. પરિવાર સૌથી પહેલી પ્રાથમિકતા બનવું જોઈશે. સંયુક્ત કુટુંબોમાં મા- બાપો માટે બાળઊછેરની કેળવણી સહજ હતી. આજે તે સુલભ નથી. મા-બાપોએ માત્ર જૈવવૈજ્ઞાનિક રીતે મા-બાપ બની રહેવાથી ચાલવાનું નથી. તેઓએ મનોવૈજ્ઞાનિક રીતે મા-બાપ બનતાં શીખવું પડશે, સજ્જતા કેળવવી પડશે. અનુભવીઓ પાસે જવું પડશે, તાલીમ લેવી પડશે. પુસ્તકો વાંચવાં પડશે, વિશેષ તો બાળકને વાંચવું પડશે.

શિક્ષકોએ પણ શિસ્તની કેળવણી લેવી પડશે. તેમણે સમજી લેવું પડશે કે વર્ગમાં હાકોટા કરવાથી કે ડસ્ટર પછાડવાથી કામ નહિ બને. બાળકોને ડર, હિંસા કે આદેશોથી નિયંત્રિત કરવાને બદલે સમજાવટનો માર્ગ અપનાવવો પડશે. જે વિદ્યાર્થીઓ હિંસા કે હિંસાત્મક વલણ તરફ વળ્યાં હોય તેઓ તરફ વિશેષ ધ્યાન આપવું પડશે. તેઓને સવાયો પ્રેમ આપવો પડશે. તેમની વિશેષ કાળજી લેવી પડશે.

હું લંડન પાસેના એક પરાની શાળામાં ગયો હતો. વિસ્તાર ઔધોગિક વસાહતનો હતો. બાળકોના ઘરે પણ ડર અને હિંસાના પ્રશ્નો હતા. શાળાના આચાર્ય પાસે અપટુડેટ આંકડા હતા કે કેટલા બાળકો વિશેષ કાળજી માગે છે, કેટલાં ઘરેલું હિંસાનો ભોગ બનેલાં છે. અભ્યાસનાં ધોરણોથી પર રાખી આ બાળકોનું એક અલગ જૂથ બનાવવામાં આવ્યું હતું અને ખૂબ જ સમર્પિત શિક્ષકને તેમની જવાબદારી સોપવામાં આવી હતી. મારો આ જૂથ સાથે તેમજ તેમની સમકક્ષ સામાન્ય વિદ્યાર્થીઓ સાથે અલગ અલગ વાર્તાલાપ ગોઠવ્યો હતો. સમસ્યાગ્રસ્ત બાળકોના જૂથે મારી સાથે વધુ સક્રિય રીતે ચર્ચા કરી હતી !

સામાન્ય વિધ્યાર્થીઓ સાથેનું જૂથ પ્રશ્નો પૂછતાં ખચકાતું હતું જયારે સમસ્યાગ્રરત બાળકો પૈકી એક વિઘાર્થી ઈન્ટરનેટ પરથી ત્રણ ફોટા લઈ આવ્યો હતો. મને બતાવીને કહે : “તમારે ત્યાં જેલ આ ત્રણ ફોટા પૈકી કયા ફોટા જેવી હોય છે ?”

શાળા, શિક્ષક કે વાલી કોઈ હેતુ માટે પ્રતિબદ્ધ થાય. ધીરજ અને સમતા સાથે પ્રયત્નો કરે તો કોઈ પ્રશ્ન અઘરો નથી.

આપણે શું કરી શકીએ ? સૌપ્રથમ તો આવા દરેક બનાવનાં કારણોની ઊંડી છાનબીન થવી જોઈએ. આવા દરેક બનાવના કારણની તપાસ માટે જિલ્લા કક્ષાએ પોલીસ, શિક્ષણ વિભાગ, પ્રબુદ્ધ નાગરિકો, વાલીઓ કે સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓની એક ટીમ બનાવવી જોઈએ. જે આવા દરેકનાં કારણોની ઊંડાણથી તપાસ કરીને સમાજ સામે મૂકે જેને આધારે આવા બનાવો બનતા અટકે તે માટેની રણનીતિ ઘડવામાં આવે, તેનો અમલ કરવામાં આવે, અમલમાંથી પાઠો શીખી સતત શીખતા રહેવાનો અભિગમ અપનાવવવામાં આવે.

[લે. હસમુખ પટેલ, ડી.આઈ.જી., સુરત રેન્જની કચેરી, અઠવાલાઈન્સ, સુરત]