બાપુની ખુબીઓ

રિચર્ડ ગ્રેવ

| 2 Minute Read

બાપુજીને હંમેશાં કામનો બોજો ખૂબ રહેતો. એમના જેટલું કામ કરનાર દુનિયાના પડ ઉપર બીજો કોઈક જ હશે. છતાં તેઓ મુક્ત કંઠે ખડખડાટ હસતા. અમે બાજુના ઓરડામાં હોઈએ ત્યાં એમનું હાસ્ય સાંભળીએ તે વખતે હું આશ્ચર્યયક્તિ થઈ જતો અને મને તેમના પ્રત્યે વધુ ને વધુ માન ઉત્પન્ન થતું.

એક વાર મેં બાપુને પૂછ્યું. “તમારે આટલી જવાબદારી ભરેલા મહાન પ્રશ્નો ઉકેલવાના હોય છે. છતાં તમે કેવી રીતે હસી શકો છો?”

ત્યારે બાપુ કહે, “મારામાં એટલો હસવાનો ગુણ ન હોત તો હું ક્યારનો ગાંડો થઈ ગયો હોત.”

બાપુની બીજી ખૂબી એ હતી કે આટલા બધા કામમાં હોવા છતાં તેઓ આશ્રમનું ઝીણામાં ઝીણું કામ-શાક સમારવું કે પીરસવું વગેરેમાં પણ નિયમિત ભાગ લેતા. મને થતું કે શું અમેરિકાના પ્રમુખ રુઝવેલ્ટ કે ઇંગ્લેન્ડના વડાપ્રધાન ચર્ચિલ આવી રીતે શાક સમારવા બેસે ખરા? આ જોઈ મને પણ બાપુ પ્રત્યે ખુબ માન ઉત્પન્ન થતું.

બાપુજીની એક ત્રીજી ખુબી મને યાદ આવે છે. તેમને ગમે તે કામ હોય છતાં દિવસમાં એક વખત તેઓ આશ્રમમાં બધે ફરી વળી બધાની મુલાકાત લેતા. તેમાં ખાસ કરીને માંદા માણસોની સારવાર કરવાનું ચુક્તા નહીં. બાપુના આ ગુણની પણ મારા ઉપર ખુબ અસર થઈ.

વળી, તેમની બીજી એક ખૂબી બતાવું. એક વખત હું મારી પત્ની સાથે આશ્રમમાં ગયો હતો. તે વખતે અનેક કામો હોવા છતાં બાપુ અમારી ખાસ કાળજી રાખતા, ખાસ કરીને મારી પત્નીની. જમતી વખતે, નાહતી વખતે કે સુતી વખતે તેને યાદ કરી તેની સંભાળ રાખવાનું તેઓ ચુકતા નહીં.

વળી બાપુની એક બીજી વિશેષતા યાદ આવે છે. એક વખત બાપુ સખત માંદગીમાંથી ઊઠ્યા હતા. અમદાવાદના શેઠ અંબાલાલ સારાભાઈ અને તેમનાં પત્ની શ્રી સરલાદેવીએ વિચાર્યું કે આશ્રમમાં તેઓ આરામ લઈ શકશે નહીં. તેઓ બંને આશ્રમમાં આવી બાપુજીને પોતાને બંગલે લઈ જવા બહુ આગ્રહ કરવા લાગ્યાં. બાપુએ અનેક મીઠાં અને કોમળ વચનોથી તેમના આભાર માન્યો પણ આશ્રમ છોડી તેમને બંગલે રહેવા ન જ ગયા.

[સાભાર: શાશ્વત ગાંધી, જાન્યુઆરી ૨૦૧૨]