ગેરસમજને લીધે થાય ગોટાળા

વેમૂરિ બલરામ

| 2 Minute Read

આપણે આપણા અંગેની ઘણી બાબતોથી વાકેફ નથી હોતા, તો પછી બીજા વિશે તો શું જાણતા હોઈએ? આપણા વિચારો જ સ્પષ્ટ નથી હોતા. આપણી મૂળભૂત જરૂરિયાત જો સમજી લઈએ તો ઘણી મુશ્કેલીઓ દુર થઈ જાય છે અને જો એમ ન કરીએ તો ડગલે ને પગલે મુશ્કેલીઓનો સામનો કરવો પડે.

પહેલાં તો આપણે બીજા તરફથી માન અને ગૌરવ પ્રાપ્ત કરવાં જોઈએ. આપણે આપણા માટે ખ્યાલો હંમેશાં ઊંચા જ રાખીએ છીએ અને તેને આત્મગૌરવ અને સ્વાભિમાન જેવાં સુંદર નામ આપીએ છીએ. જો કોઈની સાથે અહમ્‌ ટકરાય તો કહીએ છીએ કે મારું અપમાન થયું છે. આ રીતે આપણા જ માટે આપણે જ બોલીએ તે બરાબર ન કહેવાય. તેના કારણે ખરેખર તો આપણું ગૌરવ ઘટે છે.

દરેક વ્યક્તિનો કોઈ ને કોઈ તો ઉપરી અધિકારી હોય છે જ. જો તે અપમાન કરે તો તરત જ રાજીનામું ધરી દે છે. પછી ગર્વપૂર્વક કહે પણ છે, “ભીખ માંગવી પડે તો માંગીશ, પરંતુ એમના હાથ નીચે કામ નહીં કરું.” આમ બોલીને ખરેખર તો પરિસ્થિતિથી ભાગીએ છીએ, જે ખરેખર યોગ્ય ન ગણાય. તેનો યોગ્ય રીતે સામનો કરવો પડે. આ જગ્યાએથી બીજે જશો તો પણ આવું જ થવાનું છે. એટલે જ જ્યાં અપમાન થયું એમ લાગે ત્યાં જ સન્‍માન મેળવવા માટેનો દઢ નિર્ણય કરવો પડે. તમે જ્યાં જશો ત્યાં લોકો તો આ પ્રકારના જ મળશે. લોકોના સ્વભાવ પણ આવા જ હશે. જગ્યા બદલવાથી હાલત નહીં બદલાય. તમે કહો છો કે “ભીખ માંગીને પેટ ભરીશ” તો શું ભીખ માંગવી એ અપમાનની બાબત નથી? લોકો ધુત્કારે ત્યારે આત્મસન્માન ક્યાં ગયું? આત્માને તો માન અપમાન જેવું હોતું જ નથી… એને તો શાંતિ જોઈએ છીએ અને શાંતિ મેળવવા માટે સદ્બુદ્ધિ હોવી જરૂરી છે.

[સાભાર: “માઈનસને કરો પ્લસ”, લેખક: વેમૂરિ બલરામ]