ભાઈલો મારે છે !

ભાણદેવ

| 12 Minute Read

“ભાઈલો મારે છે ! દીકરાઓ દીકરીઓને મારે છે ! આ ફરીયાદ સાચી છે ?”

“હા, સાચી છે !”

“આવી ઘટનાઓ એક્લદોક્લ છે કે વ્યાપક પ્રમાણમાં છે ?”

“વ્યાપક પ્રમાણમાં છે !”

મેં અનેક વાલીઓને પૂછ્યું છે, “તમારા ઘરમાં દીકરો દીકરીને મારે છે ?”
લગભગ દરેક વાર જવાબ મળ્યો છે, “હા, મારે છે !”

મેં અનેક દીકરીઓને પૂછ્યું, “ભાઈલો મારે છે ?”
લગભગ પ્રત્યેક વાર ઉત્તર મળ્યો છે, “હા, ભાઈલો મારે છે !”

મેં અનેક વાર આ મારકણા ભાઈલાઓને પૂછ્યું છે, “તું તારી બહેનને મારે છે ?”
ઉત્તર મળ્યો છે, “એ તો મારવુંય પડે !”

આપણા સમાજમાં આ રોગ વ્યાપક પ્રમાણમાં પ્રસરી ગયો છે - ભાઈલાઓ પોતાની બહેનોને મારે છે ! આ રોગ વિશેષતઃ નાની ઉંમરના ભાઈલાઓને લાગુ પડ્યો છે.

આ હકીકત છે અને આ હકીકત જાણીને મને અપરંપાર દુ:ખ થાય છે.

ભાઈલાઓ બહેનોને મારે છે - આ આપણા સમાજની સાર્વભૌમ બીમારી છે. કેન્સર કરતાં આ બીમારી વધુ ખતરનાક છે. એઈડ્સ કરતાં આ બીમારી વધુ ખતરનાક છે. સ્ત્રીભૃણહત્યાની ઘટનાઓથી આપણે ચોંકી ઊઠયા છીએ અને તેના નિવારણ માટે જોરશોરથી ઉપાયો યોજવા મંડ્યા છીએ. ભાઈલા મારે છે - આ ઘટનાઓ તેના કરતાં પણ વધુ ખતરનાક છે. સાવધાન ! આ સર્વવ્યાપી બીમારીને જડમુળથી કાઢી નાખવાનો સમય હવે આવ્યો છે.

પુરૂષ સ્રી પર શિરજોરી કરે છે. સ્રીને અનેક રીતે ત્રાસ આપે છે, તેનાં બીજ આ ભાઈલાઓ બહેનને મારે છે તેમાંથી રોપાય છે. પુરૂષોના સ્રીઓ પરના અત્યાચારનો આ પ્રારંભ છે. જાણ્યે કે અજાણ્યે પુરુષનાં ચિત્તમાં “હું ચડિયાતો છું” તેવી ગ્રંથિ હોય છે અને આ ચડિયાતાપણું સિદ્ધ કરવા માટે પુરૂષ સ્રીઓને અનેક રીતે કનડે છે. પજવે છે અને ત્રાસ પણ આપે છે. આ પ્રકારની વૃત્તિ અને પ્રવૃત્તિનો પ્રારંભ આ ભાઈલાઓની બહેનો પરની શિરજોરીથી થાય છે.

ભાઈલાઓ બહેનોને મારે છે, બહેનો પર શિરજોરી કરે છે - આ ઘટનાનો પ્રારંભ નાની વયથી જ થાય છે. આ પરંપરાથી દીકરા, દીકરી કુટુંબ કે સમાજ કોઈનું કલ્યાણ નથી. બલકે સૌનું નુકસાન છે. નાની વયથી જ આ સમસ્યાનું નિરાકરણ શોધવું જોઈએ.

હવે આપણે આ રોગનું કારણ શોધીએ. ભાઈલાઓ બહેનોને શા માટે મારે છે ?

(૧) માતાપિતા ને વડીલોનાં ચિત્તમાં એક જુગ-જૂની ખોટી માન્યતા ઘર કરી ગઈ છેઃ દીકરી કરતાં દીકરો ચડિયાતો છે. કુટુંબમાં દીકરાનો વિશેષ અધિકાર છે. આપણે મોઢેથી બોલીએ છીએ અને પ્રચાર પણ કરીએ છીએ - “દીકરી-દીકરામાં ભેદ ન રાખો” પણ આ તો બોલવાની વાત છે.

આપણા ચિત્તમાં અને આપણા વ્યવહારમાં આ ભેદ છે, છે અને છે જ !

દીકરો આ ભેદને નાનપણથી જ જાણી જાય છે. તેના ચિત્તમાં પણ એવી માન્યતા દ્રઢમૂળ બની જાય છે કે હું બહેન કરતાં અધિક છું. વિશેષ છું, ચડિયાતો છું.

દીકરાના ચિત્તમાં દ્રઢમૂળ બનેલી આ ચડિયાતાપણાની માન્યતામાંથી ભાઈલાઓની બહેનો પરની શિરજોરીનો પ્રારંભ થાય છે અને આ જ શિરજોરી માર-રૂપે પણ પ્રગટ થાય છે.

સામે પક્ષે દીકરીઓનાં ચિત્તમાં પણ એવી માન્યતા દ્રઢમૂળ કરી દેવામાં આવે છે કે અમે દીકરીઓ ભાઈલા કરતાં ઊતરતી કક્ષાની છીએ અને અમારે ભાઈલાઓની શિરજોરી સહન કરી લેવાની છે, તેથી બિચારી દીકરીઓ માથાભારે ભાઈલાઓનો માર સહન કરતી રહે છે.

(૨) દીકરો દીકરીને મારે તે ઘટનાને મોટે ભાગે માતાપિતા ચલાવી લે છે. દીકરાઓની દીકરીઓ પરની આ શિરજોરીને આપણે મોટેભાગે નિભાવી લઈએ છીએ. ભાઈલાઓના બહેનોને મળતા માર પ્રત્યે વડીલો આંખ આડા કાન કરે છે. પરિણામે ભાઈઓને છુટું મેદાન મળે છે અને તેમની શિરજોરી વકરે છે. ભાઈલો બહેનને મારે- તે એક ગંભીર અપરાધ છે અને તરત રોકવા જેવી ઘટના છે, તે સત્ય આપણે હજુ સમજ્યા જ નથી. “હોય, એ તો બાળક છે” એમ માનીને વડીલો ભાઈલાના આ દુર્વ્યવહારને ચલાવે છે. દીકરી પણ બાળક છે. તે ભાઈલાને મારે છે ? અને મારે તો તે પણ તેટલી જ ઉદારતાથી નિભાવી લેવામાં આવે છે ? વિચારો !

(૩) પ્રત્યેક માનવમાં કાંઈક અંશે પશુતા અને તજજન્ય આક્રમકવૃત્તિ હોય છે. તદનુસાર ભાઈલાઓમાં પણ આ પશુવૃત્તિ - આક્રમક વૃત્તિ હોય જ છે. આ પશુતા કયાં વ્યક્ત થાય ? જે પાત્ર નબળું હોય ત્યાં ! દીકરીઓને આપણે કુટુંબનું આવું નબળું પાત્ર બનાવી દીધી છે. તેથી ભાઈલાઓની આ પશુવૃત્તિ - માર મારવાની વૃત્તિ બહેનો પર વ્યક્ત થાય છે.

અહીં આપણી બે ભૂલ થાય છે.

(એ) આપણે દીકરીઓને નબળું-બિયારૂં પાત્ર બનાવી દઈએ છીએ, તે આપણી પ્રથમ ભૂલ છે.

(બી) પશુવૃત્તિ - માર મારવાની પ્રવૃત્તિને રોકવામાં નહિ આવે તો તે વકરશે, તે આપણે સમજ્યાં નથી. આપણે ભાઈલાઓના આ આક્રમણને રોક્તા નથી. આ આપણી બીજી ભૂલ છે.

(૪) માતાપિતા, વડીલો કે શેરી તથા શાળાનાં અન્ય બાળકો તરફથી બાળક પર બહુ દબાણ કે શિરજોરી થાય તો બાળક સમસમીને બેસી રહે છે. તેનો ગુસ્સો તેના ચિત્તમાં જ દબાઈ જાય છે. ભાઈલાઓનો આવો દબાયેલો ગુસ્સો બહેનો પર વ્યક્ત થાય, તેમ પણ બની શકે છે. આવા કારણસર પણ ભાઈલો બહેનનો મારે, તેમ બની શકે છે. તો હવે આપણી સમક્ષ લાખ રુપિયાનો પ્રશ્ન છે - ભાઈલો બહેનને મારે છે, તે સમસ્યાનો ઉપાય શો?

કોઈપણ સમસ્યાનો ઉપાય તો હોય જ છે. ઉપાય આ પ્રમાણે છે:

(એ) માતાપિતા અને ઘરનાં અન્ય વડીલોએ સ્પષ્ટ રીતે સમજી લેવું અને સ્વીકારી લેવું જોઈએ કે દીકરા માનીતા અને દીકરી અણમાનીતી - તેવા ભેદ સર્વથા અનુચિત અને તેથી સર્વદા ત્યાજ્ય છે. દીકરા અને દીકરી-બધાં જ દેવનાં દીધેલ છે અને બંને સમાન વાત્સલ્યનાં અધિકારી છે.

આ ભેદરેખા ભૂંસાઈ જશે તો અને ત્યારે જ ભાઈલાઓના મારના ત્રાસથી દીકરીઓ મુક્ત થશે.

(બી) ભાઈલો બહેનને મારે તો તે ચલાવી લેવાની અને આંખ આડા કાન કરવાની વૃત્તિ સર્વથા અનુચિત છે. દીકરો ગમે તેટલો નાનો અને લાડકો હોય તો - પણ બહેન ઉપર હાથ ઉપાડે તો તે ગંભીર અપરાધ છે. અને તેને તે અપરાધમાંથી મુક્ત કરવો તે અત્યંત આવશ્યક છે અને તેમાં જ સૌનું કલ્યાણ છે.

(સી) ઘરનાં સૌ વડીલોનાં મનમાં એ વાત દંઢપણે સ્પષ્ટ હોવી જોઈએ કે ભાઈલો બહેનને ન જ મારી શકે, એટલું જ નહિ, પરંતુ તેમણે ભાઈલાઓને અને દીકરીઓને પણ સ્પષ્ટ રીતે, દ્રઢપણે અને વારંવાર સમજાવતાં રહેવું જોઈએ કે ભાઈલો કોઈ પણ સંજોગોમાં બહેનને ન જ મારી શકે. વડીલોએ પોતાનાં સંતાનોને દ્રઢતાપૂર્વક પ્રતીતિ કરાવી દેવી જોઈએ કે ભાઈલો જો બહેનને મારશે તો તે કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહિ.

(ડી) દીકરીઓને સમજાવો કે ભાઈલો મારે તો તે મૂંગે મોઢે સહન કરી લેવાનું નથી. દીકરીઓને ખાતરી કરાવો કે તેઓ ભાઈલાનો માર ખાવા માટે હરગિજ જન્મી નથી. દીકરીઓને ખાતરી કરાવો કે ભાઈલો મારે તો અને ત્યારે માતાપિતા અને વડીલોને ભાઈલાને ટેકો નથી, પરંતુ તેઓ દીકરીઓના પક્ષે છે, એટલું જ નહિ, પણ દીકરીઓને ખાત્રી કરાવો કે માતા પિતા અને વડીલો દીકરીઓને ભાઈલાના મારથી બચાવવા માટે આતુર છે અને તે માટે બધું જ કરવા તત્પર છે.

(ઈ) ભાઈલો મારે તો તરત તેને રોકો અને ફરીથી આવી ભૂલ નહિ કરે તેવી કડક ચેતવણી આપો. તેને ખાતરી કરાવો કે ભાઈલાની આવી શિરજોરી તેઓ નહિ જ ચલાવે.

(એફ) ઘરમાં બાળકો વચ્ચે સંધર્ષનું નહિ, પણ સ્નેહ અને અન્યોન્ય સહકારનું વાતાવરણ ઊભું કરો. સંધર્ષ અને મારામારીના પ્રસંગો ઉપસ્થિત જ ન થાય તેવું વાતાવરણ તૈયાર કરો.

(જી) દીકરીઓને સમજાવો કે ભાઈલા સાથે સંધર્ષના પ્રસંગો ટાળે કે જેથી હાથ ઉપાડવાના પ્રસંગો આવે જ નહિ.

(એચ) આમ છતાં ભાઈલો બહેનને મારે તો વડીલોએ, માતાપિતાએ ભાઈલાને માર મારવો કે શારિરીક શિક્ષા કરવી ? ના, હરગિજ નહિ. તે ઉપાય નથી. કાદવથી કાદવ ધોઈ શકાય નહિ. બાળકને કોઈ પણ સંજોગોમાં માર ન મારવો, તેવો મારો દઢ મત છે, તેથી ભાઈલો બહેનને મારે ત્યારે તેને તેમ કરતો રોકવા માટે માર મારવો તે ઉપાય બરાબર નથી.

(આઈ) ભાઈલાને વારંવાર સમજાવો કે બહેનને મારવું તે બરાબર નથી અને હવેથી તેમ કરવાનું નથી.

(જે) આમ છતાં ભાઈલો ન માને તો તેને મળતાં લાડકોડ પર કાપ મૂકો. તેને મળતાં રમકડાં, સુંદર વસ્ત્રો, અન્ય ચીજવસ્તુઓ પર કાપ મૂકો અને સમજાવો કે જો ભાઈલો બહેનને મારશે તો તેને આ બધી વસ્તુઓ નહિ મળે.

આમ છતાં બાળકના ભોજન કે તેની અનિવાર્ય આવશ્યકતાં પર કાપ મૂકશો નહિ. તેને રૂમમાં એકલો પૂરી દેશો નહિ. તેને ભયભીત કરશો નહિ. બાળકના ચિત્તનું અને તેના વ્યવહારનું રૂપાંતર કરવાનું છે, પરંતુ તેના ચિત્તમાં નવી ગ્રંથિ ઉત્પન્ન ન થાય તેની કાળજી પણ લેવાની છે. ભાઈલાનું રૂપાંતર કરો, તેનું નુક્સાન ન કરો.

(કે) ભાઈલો બહેનને મારે તો તે અપરાધ થયો છે. આ અપરાધના પ્રાયશ્ચિત્તરૂપે માતાએ, પિતાએ કે બંનેએ એક દિવસનો ઉપવાસ કરવો અથવા એક ટંકનું ભોજન છોડી દેવું અને ભાઈલાને પ્રેમથી સમજાવીને કહેવું.

“બેટા ! તેં આજે બહેનને માર માર્યો છે. તે અપરાધ થયો. તેના નિવારણ માટે આજે અમે ઉપવાસ કરશું.”

(એલ) માતા, પિતા કે બંને કોઈ બાધા રાખે. જ્યાં સુધી અમારો દીકરો અમારી દીકરીને મારશે ત્યાં સુધી અમે દુધ, ઘી, સાકર કે એવી કોઈ વસ્તુ ગ્રહણ નહિ કરીએ, તેવો સંકલ્પ કરી શકાય.

(એમ) શાળામાં શિક્ષકો વિધાર્થીઓને વારંવાર સમજાવે કે કોઈ પણ ભાઈલાએ પોતાની બહેન પર કદી હાથ ઉપાડવો ન જોઈએ.

બાળકો પર માતાપિતા કરતાં પણ તેમના શિક્ષકોની અસર વધુ થાય છે. અને આપણી શાળાઓનાં પાઠ્યપુસ્તકોમાં કોઈક રીતે આ વાત વણી લેવી જોઈએ કે કોઈ ભાઈલો પોતાની બહેન પર કદી હાથ ન જ ઉપાડે.

સમાપન

આ બધી પ્રક્રિયા આપણે શા માટે કરીએ છીએ ? સૌના કલ્યાણ માટે ! ભાઈલાના મારને આપણે શા માટે અટકાવવો છે ? સૌના કલ્યાણ માટે ! માત્ર બહેનોના હિતની જ નહિ, ભાઈલાઓના હિતની પણ આપણે રખવાળી કરવાની છે માટે !

આપણે ભાઈલાઓ પ્રત્યે પણ પ્રેમ જ રાખવાનો છે. આપણે ભાઈલાઓના કલ્યાણની કાળજી રાખવાની છે. આપણે તેમના ચિત્તને કે જીવનને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તેની પણ કાળજી રાખવાની છે.

ॐ सर्वे भवन्तु सुखिनः
सर्वे सन्तु निरामयाः ।
सर्वे भद्राणि पश्यन्तु
मा कश्चिद्दुःखभाग्भवेत् ।
ॐ शान्तिः शान्तिः शान्तिः ॥

[ભાણદેવ લિખિત “તમારા બાળકને શું શીખવશો” માંથી સાભાર. પ્રકાશક : પ્રવિણ પ્રકાશન, ઢેબર રોડ, રાજકોટ]