ભારતની મહાન નારી – ઇન્દિરા ગાંધી

ડૉ.આર.જી.પંડયા

| 3 Minute Read

જોગ સંજોગ ૩૧ ઓક્ટોબર સરદાર પટેલની જન્મ જયંતી અને ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ.

૩૧મી ઓક્ટોબર ભારતના એક મહાન વ્યક્તિનો જન્મદિવસ છે. તો બીજી ભારતની મહાન નારીની પૂણ્યતિથિ છે. બંને દૃઢ ઈચ્છાશક્તિવાળા તેમજ લોખંડી મનોબળ ધરાવતાં હતા. તેમાં એક વલ્લભભાઈ પટેલ તો બીજા શ્રીમતી ઈન્દિરા ગાંધી છે. વલ્લભભાઈ પટેલે આઝાદીની ચળવળ દરમ્યાન તેમજ ત્યારબાદ તેમની દ્રઢતાનો અને લોખંડી મનોબળનો આપણનો પરિચય કરાવ્યો હતો. તે જ રીતે ઈન્દિરાજીએ પોતાના શાસનકાળ દરમ્યાન દ્રઢ મનોબળનો પરિચય કરાવ્યો હતો.

ઈન્દિરાજીનો જન્મ ૧૯મી નવેમ્બર ૧૯૧૭ના રોજ અલ્હાબાદમાં થયો હતો. આ સમયે સરોજીની નાયડુએ આ નવજાત કન્યાના જન્મને નવભારતનો આત્મા કહી શુભેચ્છા આપેલી. પિતાની દેશભક્તિ તેમના બાલ્યાવસ્થા દરમ્યાન જ આપણને જોવા મળે છે. વિદેશી કાપડનો ત્યાગ કર્યો ત્યારે તેમની પાસેની ઢીંગલી તે વિદેશની, તેવો કટાક્ષ એક મહેમાને કરતા મકાનની અગાસી ઉપર જઈને તેમણે ઢીંગલી બાળી નાખી ત્યારે જ મન શાંત થયેલું. માતાનું મૃત્યુ અને પિતાની જેલ આવી વિકટ પરિરિથિતીમાં ઝઝુમીને ઈન્દિરાજી પોતાનું ઘડતર કેળવતા ગયા. ૨૧ વર્ષના ઉંમરે કોંગ્રેસના સભ્ય બન્યા.

૧૯૪૨ની હિંદ છોડો ચળવળમાં ભાગ લઈને ૧૩ મહિનાનો જેલવાસ ભોગવ્યો. આ પહેલા પાંચ મહિના પહેલા ફિરોઝ ગાંધી સાથે લગ્ન કર્યાં. ઈ.સ. ૧૯૫૯માં કોંગ્રેસના પ્રમુખ બન્યા. નહેરૂના અવસાન બાદ શાસ્ત્રીજીના પ્રધાન મંડળમાં સભ્ય તરીકે અને ત્યારબાદ તેમના અવસાન પછી ભારતના પ્રધાનમંત્રી બન્યા.

પોતાના શાસનકાળ દમ્યાન કોંગ્રેસના વડિલ નેતાઓ સાથે તેમને પડેલા મતભેદો અને તેમાંથી કોંગ્રેસના ભાગલા થયા ત્યારે પોતાની દંઢ ઈચ્છાશક્તિનો પરિચય આપ્યો. બેંકોનું રાષ્ટ્રીયકરણ, દેશી રજવાડાનાં સાલીયાણા બંધ કરવા, ૧૯૭૧ના યુધ્ધમાં પાક્સ્તાનને હાર અને બાંગ્લાદેશનો જન્મ. આ ઉપરાંત સિક્કિમનું ભારતીય સંઘમાં જોડાણ વગેરે બાબતોમાં તેમની દેશભક્તિ અને દંઢ સંકલ્પ બળ તેમજ જુદા જુદા પ્રસંગે અપનાવેલી કુટનીતિના દર્શન જોવા મળે છે. અસાધારણ સાહસપૂર્ણ નિર્ણયશક્તિ, અસાધારણ ધૈર્ય, સંજોગોનો પુરેપુરો લાભ ઉઠાવવાની તેમની ચાણક્યબુદ્ધિ અને ઊંચા નિશાન સર કરવાની તેમની સતત ટકી રહેલી મહત્વાકાંક્ષા એ તેમના વ્યક્તિત્વના મુખ્ય લક્ષણો હતા. જો કે તેમના શાસનકાળ દરમ્યાન તેમણે કટોકટીની જાહેરાત કરી એ પાછળથી ભૂલ સાબિત થતાં ચુંટણીમાં તેમનો પરાજય થયો. પણ તે પછી આવેલ પક્ષ પ્રજાની આકાંક્ષા સંતોષવામાં નિષ્ફળ જતાં ઇન્દિરાજી થોડા સમય પછી ફરી સત્તા ઉપર આવ્યા. પંજાબમાં ઊભી થયેલી ત્રાસવાદી પ્રવૃતિને અંકુશમાં રાખવા માટે તેમણે કરેલ ઓપરેશન બ્લુસ્ટાર એ ત્રાસવાદના નાશ માટે લીધેલાં પગલાઓમાં તેમની હિંમતના દર્શન થયા. આનાથી જ અસંતોષ પામેલ તેમના જ એક શીખ રક્ષકે ૩૧મી ઓક્ટોબર ૧૯૮૪ના રોજ ગોળી મારીને હત્યા કરી.

“મને દીર્ધાયુષ્યમાં રસ નથી. મેં મારૂ જીવન રાષ્ટ્રની સેવામાં સમર્પિત કર્યું છે તેનું મને ગૌરવ છે. આજે જ મારૂં મૃત્યુ થાય તો મને ખાતરીછે કે મારા લોહીનું એકે - એક બુંદ આ રાષ્ટ્રનાવિકાસમાં પ્રદાન કરશે અને તેને મજબુત તથા ગતિશીલ બનાવશે.” – શ્રીમતી ઈન્દિરા ગાંધી (૩૦ ઓકટો. ૧૯૮૪-ભુવનેશ્વર)

“શક્તિઓ કંઈ કાયમ પરીક્ષાઓથી જ મપાતી નથી” – શ્રીમતી ઈન્દિરા ગાંધી

૧૯૩૨માં પૂના ખાતે ગાંધીજીએ ઉપવાસના પારણા કર્યા ત્યારે રવીન્દ્રનાથ ટાગોર હાજર હતા. આ પારણા કરાવવા માટે નારંગીનો રસ કાઢવાનું કામ એક પંદર વર્ષની છોકરીને કહેવામાં આવ્યું, જેનું નામ “ઈન્દિરા’ હતું. – પુપુલ જયકર

[સાભાર : સ્વતંત્રતાનું સરવૈયું અને અન્ય લેખો, ડૉ. આર.જી.પંડયા, ગઢડા(સ્વા.)]