ભીતરનું સામર્થ્ય

બાર્બરા હેન્સન

| 8 Minute Read

એક અંગ્રેજી વાર્તા “ધ રોકિંગ હોર્સ વીનર” માં લેખક ડી.એચ.લોરેન્સે એક એવી સ્ત્રીનું પાત્ર સર્જ્યું છે જેના શોખ ખુબ ખર્ચાળ છે, તેથી પરિવારના દરેક સભ્યના મોં પર એક જ વાત હોય છે, “પૈસા, વધુ પૈસા, હજી વધુ પૈસા.”

આ વાર્તા સાંભળનાર તરત સમજણસુચયક “હા” પાડશે. કેમ કે મોટાભાગના આ જ ભમ્રના શિકાર છે કે પૈસા આવશે તો સુખ આવશે, આનંદ આવશે. વાર્તામાં બને છે તેમ પાત્રો મરી પરવાર્યા પછી પણ ઘરમાં “પૈસા… પૈસા” ના ભણકારા વાગતા રહેશે.

આનંદ જોઈએ છે, આ જ ક્ષણે. પ્રતીક્ષા કરવા કોઈ તૈયાર નથી. ઘરમાં એક ચક્કર મારી જુઓ. આનંદ મેળવવાની ઉતાવળની કેટલીયે નિશાનીઓ આપણાં કબાટોમાં, છાજલીઓમાં, ખાનાંઓમાં મળી આવશે. તે વખતે તે બધું ખરીદ્યું હતું કેમ કે “આનંદ” જોઈતો હતો. અત્યારે એ બધું છે, છતાં આનંદ નથી અને હવે એ ચીજોનો ઉપયોગ પણ નથી. નવીનતા ચાલી ગઈ, કિંમત ચાલી ગઈ! રમકડું ન મળ્યું હોય ત્યાં સુધી એને માટે ધમાલ મચાવતા બાળકને રમકડું મળી જાય એટલે તેને છોડી નવા રમકડાની પાછળ લાગે છે તેવું જ આપણું પણ છે. નવાં નવાં ઉપકરણો ઘરમાં ખડકાતાં જાય છે. “આ લઈ લઉં તો મને આનંદ મળશે” એમ કરીને જે વસાવ્યું હોય તે થોડા જ વખતમાં જૂનું થઈ જાય છે. બજારમાં નવાં મોડેલો આવતાં જાય છે ને મન ત્યાં દોડી જાય છે. વસ્તુઓમાંથી સુખ મળશે એવી ભ્રમણામાં મન એટલી હદે હોય છે કે વસ્તુઓમાં સુખ નથી એ વાતની વારંવાર પ્રતીતિ થવા છતાં એ ભ્રમણા મુક્ત થઈ શકતું નથી. જો વસ્તુઓ સુખ આપતી હોય તો દરેક સદીમાં સુખનું પ્રમાણ વધતું જ ગયું હોત.

દુનિયાના વિકસિત દેશોમાં પચાસના દાયકામાં પ્રત્યેક પરિવારમાં એક કાર, એક ટેલિવિઝન, એક ફોન હતા. આજે ઘરના પ્રત્યેક સભ્યદીઠ એક કાર, એક ટી.વી., એક ફોન જોઈએ છે. ઉપરાંત ઓવન, ડ્રાયર, એરકન્ડિશનર અને કંઈ કેટલુંય. પણ આ બધાં સાધનો જે તેમની જરૂરિયાત છે તેના વિના ત્રીજા વિશ્વના કેટલાય પરિવારો સુખી જીવન વિતાવી શકે છે.

એટલે કે સાધનો વધવા સાથે આનંદ વધે છે એવો નિયમ બનતો નથી તેથી સાધનો આંતરિક શક્તિ વધારે તેવું પણ બિલકુલ સાબિત નથી થતું. ઉલટું પચાસના દાયકા કરતાં આજે વિશ્વભરમાં હિંસા, આત્મહત્યા, વ્યસનો, હતાશા વધ્યાં છે. જેઓ આ ભ્રમમાંથી મુક્ત થઈ શક્યા છે તેમને જ શાંતિ અને આનંદ મળ્યાં છે, તેમનું જ આંતરિક સામર્થ્ય વધ્યું છે. આ માટે જરૂર છે શિસ્તની, આત્મનિયંત્રણની.

પૈસો પોતે ખરાબ નથી પણ તેનું જીવનમાં શું સ્થાન છે, તે શું આપી શકે છે ને શું નહીં તેનો હંમેશા ખ્યાલ રહેવો જોઈએ. તે આપણી જરૂરિયાતોની પૂર્તિ કરી શકે છે, ઈચ્છાઓની નહિં; કેમ કે જરૂરિયાત સીમિત હોય છે. ઈચ્છાઓ અમર્યાદિત, અનંત. જરૂરિયાત અને ઈચ્છા વચ્ચેનો તફાવત સમજાય તો જીવનમાં આનંદ અને સંતોષ ઉમેરાય. ક્રેડિટ કાર્ડની સુવિધાએ આપણી અનેક ઈચ્છાઓને જરૂરિયાતમાં પલટી નાખી છે અને બિનજરૂરી, ન પોષાય તેવી ચીજોની ઘેલછા આપણને દોડાવ્યા કરે છે.

૧૯મી સદીમાં વર્ડઝવર્થે લખેલું કે “દુનિયા અનંત ચીજોથી ભરેલી છે. બધું જ મેળવી લેવાની હાયવોયમાં શક્તિઓ ખર્ચાઈ રહી છે.” તે આજે પણ એટલું જ સાચું છે. અંતર ખાલીખમ થઈ રહ્યાં છે. ઘરો ઊભરાઈ રહ્યાં છે. જે વસ્તુઓ ખરીદ્યા કરીએ છીએ તેને સાચવી પણ શકતા નથી. જે લોકો ખરીદી નથી શકતા તેને તેમની વંચિતતાં પીડે છે. બંને પક્ષે “આધ્યાત્મિક આત્મહત્યા”ની સ્થિતિ છે.

આપણે શું છીએ તે, આપણી પાસે શું છે તે કરતાં વધારે મહત્ત્વનું છે. આ સમજાય તો વસ્તુઓ પર આધાર રાખવાનું ઓછું થાય, શિસ્તની આવશ્યકતા સમજાય, સાદગી ગમવા લાગે, જીવનના પ્રવાહને અવરોધનાર પ્રત્યેક ચીજ, પ્રત્યેક વિચારને ફેંકી દેવાનું સહેલું બને. સંવાદિતા આવે, લય આવે અને “ઓછો સંગ્રહ, વધારે મુક્તિ” એ સત્ય સમજાય.

ફ્રાન્સિસ બેકને કહ્યું છે, “તમે કેટલું કમાઈ શકો છો તે નહિં, પણ તેમ કેટલું બચાવી શકો છો તે તમને સમૃદ્ધ કરે છે.” સત્તરમી સદીનું આ વિધાન આજે પણ એટલું જ અર્થપૂર્ણ છે. પૈસા નહિં, આપણે પોતે જ આપણને દરિદ્ર બનાવીએ છીએ.

દરેક ભૌતિક પ્રાપ્તિઓ માટે વિવેક રાખતાં શીખો. આ વિવેક, શિસ્ત કેળવતાં થોડીવાર લાગે છે પણ જો યોગ્ય દષ્ટિકોણ હોય તો આ રીતે પોતાને કેળવવામાં એક આનંદ પણ છે, કારણ જેમ જેમ આ દષ્ટિ કેળવાતી જાય છે, મન હળવું થતું જાય છે, સાફ થતું જાય છે, શું મહત્ત્વનું ને શું નહિં તે આપોઆપ સમજાતું જાય છે. જેટલી નાની ઉંમરથી આ ઘડતર શરૂ થાય તેટલું વધારે સારું. અર્થહીન જીવલેણ સ્પર્ધા, કાતિલ ઝડપ અને ભયાનક ભૌતિકવાદના આ યુગમાં ટકવાની શક્તિ તો જ મળશે.

આ સમજ બાળપણથી કેળવાય તે માટે માતાપિતા અમુક પ્રયત્નો કરી શકે. જેમ કે ફક્ત બટાટાને બદલે લીલાં શાકભાજી ખાવા પ્રેરે, સાદી ચીજોમાંથી સ્વાદ લેતાં શીખવે, બીજાં બાળકો સાથે હળતાંભળતાં શીખવે, રમવા જતાં પહેલાં હોમવર્ક કરી લેવાની ટેવ પાડે, મળેલા પૈસા ખર્ચી નાખવાને બદલે થોડી બચત કરવા સમજાવે, બહાર ફરવા જતાં પહેલાં પોતાની ચીજો વ્યવસ્થિત મુકીને જવાનું કહે, ભેટો મળે ત્યારે “થેન્ક્સ”સંદેશો આપતા ન ભૂલે તેવી કાળજી રાખે તો આ બાળકો મોટાં થઈને શિસ્તબદ્ધ, આત્મનિયંત્રિત વ્યક્તિ બનશે. જિંદગીમાં સંઘર્ષ છે, અણગમતી હજારો બાબતો છે, તેમાં થઈને તેને પાર કરીને પોતાની શાંતિ અને આનંદ સર્જતાં તેને આવડશે. ગમતી પ્રવૃતિઓનું આકર્ષણ તેને અણગમતાં કર્તવ્યોથી વિમુખ નહિં કરે. ઊલટું તે પહેલાં કર્તવ્યોને ન્યાય આપી પછી હળવાફુલ ચિત્તે ગમતાં કામોના આનંદ માણવા મુક્ત થતાં શીખશે.

બાળક માગે તે વસ્તુ તેને તરત જ મળે તેના બદલે તેને વસ્તુ મેળવવા માટે અમુક યોજના બનાવતા, પ્રતીક્ષા કરતા શિખવવામાં આવે તો તે વસ્તુના મહત્ત્વને સમજશે, સાચવીને વાપરતા શીખશે અને ઈચ્છાઓને નિયંત્રિત કરતાં શિખશે. આજે મનોવિજ્ઞાન આઈ.ક્યુ. કરતા ઈ.ક્યુ. ને વધુ મહત્ત્વ આપે છે, કારણ કે બૌદ્ધિક વિકાસ સાથે સમજનો, સંવેદનાનો વિકાસ થાય તો જ વિકાસ અર્થપૂર્ણ અને સમગ્રતાપૂર્ણ બને.

આ કેળવણી લેવામાં એક મહત્ત્વની વાત એ પણ છે કે માણસે નુક્સાનને, હારને પણ પચાવતાં શિખવાનું છે. બાળક રમકડું તોડે ત્યારે તેને તરત નવું રમકડું આપવાને બદલે બે-ચાર દિવસ એ રમકડા વિના રહેવા દો. આનાથી તે ગુમાવેલી અને તે પછી મેળવેલી બંને ચીજોની કિંમત તો શિખશે જ, સાથે જિંદગીમાં ઘણું ચાલ્યું જાય છે, ખોવું પડે છે અને છતાં એના વિના જીવતાં શિખી લેવું પડે છે તે સત્ય સમજશે. આવાં બાળકો પુખ્ત થાય છે ત્યારે આવતી અનેક મુશ્કેલીઓ સામે વ્યવસ્થિ ટકે છે અને રસ્તો પણ શોધી કાઢે છે, રસ્તો ન પણ નીકળે તો યે હારી જતા નથી. આત્મ વિશ્વાસપૂર્વક કંઈ નવું કરી લે છે.

આત્મવિશ્વાસ જગાડવા માટે બાળકને નિયમો અને નિયંત્રણોમાં જકડી દેવાની જરૂર નથી. પણ તેને જવાબદારીપૂર્વકની સ્વતંત્રતા તેમ જ વિશ્વાસનું વાતાવરણ આપવું જોઈએ, ધૈર્ય અને પ્રતીક્ષાનું મૂલ્ય સમજાવવું જોઈએ.

[“ભીતરનું સામર્થ્ય” માંથી સાભાર, લેખક : બાર્બરા હેન્સન, અનુવાદ : સોનલ પરીખ, પ્રકાશન : વિચારવલોણું પરિવાર પ્રકાશન અમદાવાદ - પર]