બીજાને ધ્યાનમાં રાખીને જીવવાવાળાઓ

અંકિત ત્રિવેદી

| 4 Minute Read

સામેવાળો આપણા વિશે શું વિચારતો હશે?…… એની ચિંતામાં એક આખી જિંદગી ખર્ચાઇ જાય છે. સામેવાળાને ખુશ રાખવાના પ્રયત્નોમાં આપણી જાતને નિરાશ કરતા હોઇએ છીએ. સામેવાળાની આંખમાં સાચા દેખાવાની લ્હાયમાં જિવાતા જીવનને અન્યાય કરી બેસીએ છીએ. દરેક વખતે સાબિત કરવો પડે છે સંબંધને……. એક જ પ્રશ્ન ઘુમરાયા કરે છે, “આપણે કોના માટે જીવ્યા ? શું બીજાને માટે જીવ્યા ?” કદાચ બીજાને માટે જીવીએ છીએ એવો ભ્રમ દિન - પ્રતિદિન પુખ્ત થતો જાય છે એટલું જ. આપણે બીજાને ધ્યાનમાં રાખીને જીવન જીવી રહ્યા છીએ.

સામેવાળાને ખુશ રાખવામાં અમૂલ્ય સમય વેડફાઇ જતો હોય છે. એના કરતા જાત પ્રત્યે સભાન રહીને કાર્ય કરવામાં આવે તો એનો આનંદ આપણી જાતને અને જાણે - અજાણે સામેવાળા સુધી પણ પહોંચવાનો જ. સવાલ બીજાની ચિંતા કર્યા વગર જવાબ આપવાનો છે. બધાનું બધું જ સાચવવા જઇશું તો આપણી પાસે આપણે પણ નહીં રહીએ. આને સ્વા્થવૃત્તિ કહેવાતી હોય તો ભલે, કારણ કે તમે બીજાને ધ્યાનમાં રાખીને કે બીજાને માટે જ જીવ્યા કરો છો ત્યારે એક અવસ્થા એવી પણ આવે છે કે બીજાઓ આપણા ઉપર આપણને છે એના કરતાં વધારે અપેક્ષાઓ રાખવા માંડે છે. એવા લોકો પછીથી બધું જ આપણા ઉપર છોડો દેતા હોય છે. એનો મતલબ એવો પણ નથી કે તમારે બીજાઓ પ્રત્યે લાગણીશૂન્ય થઇ જવાનું. એનો મતલબ એટલો જ કે બીજાઓ પ્રત્યે જાતને વફાદાર રહીને લાગણીને વહેતી રાખવી. “સપ્રમાણ” શબ્દનો અર્થ સંબંધનો દાખલો માંડતી વખતે ધ્યાનમાં રાખવો. આપણે “સપ્રમાણ”નો અર્થ દાખલો ગણાઇ ગયા પછી તાળો મેળવતી વખતે ધ્યાનમાં રાખતા હોઇએ છીએ.

તમે સામેવાળાની ચિંતા ઓછી કરશો તેનાથી બીજો ફાયદો એ પણ થશે કે સામેવાળો તમારી ચિંતા કરતો થઇ જશે. વધુ પડતો વ્યવહાર સાચવવાથી પણ નુક્સાન થતું હોય છે. છોડને પાણી સપ્રમાણ જોઇએ છે. વધુ પડતું પાણી છોડના અસ્તિત્વ માટે જોખમકારક નીવડે છે. બંને પક્ષે વ્યવહાર માપી તોળીને નહીં, પરંતુ સમજી વિચારીને થવો જોઇએ.

આખો દિવસ ફરિયાદો કરનાર માણસો પોતાનાથી રિસાસેલા માણસો હોય છે. એમને માટે સંબંધ એ “લીઝ” પર લીધેલા ફ્લેટ જેવો હોય છે. એમને બિલાડીની જેમ ઘર બદલવા જ પડતા હોય છે. એમણે એમની ઉંમરને નિંદા - કુથલીના સમાગમમાં જ વેડફી નાખી હોય છે. એવા લોકો આપણા કાર્યક્ષેત્રને પણ હાનિ પહોંચાડતા હોય છે.

સામેવાળાને ધ્યાનમાં રાખીને જીવવું એના કરતા સામેવાળાને સાથે રાખીને જીવવામાં જિવાતા જીવનની મઝા છે. દરેક જણ પોત પોતાની રીતે સાચો હોય છે અને એ કેટલો સાચો છે એની ખબર તેને એકલાને જ હોય છે. માટે એનું ધ્યાન રાખ્યા વગર આપણી નિસબત પ્રત્યે સભાન થવું જોઇએ.

આવું કરવાથી આસપાસ બનતી ઘટનાઓ હાનિ નથી પહોંચાડી શકતી. કરવાના કાર્યને એક નવો જોમ, જુસ્સો મળે છે. એણે આપી છે એના કરતા મોટી પાર્ટી આપવાનો અભરખો ઓગળી જાય છે. દેખાડો કરવામાં વેડફાતા સમયને જીવનનું ધ્યેય નક્કી કરવા માટેનું એકાંત મળે છે. પછી આપણું મન સામેવાળાના અસ્તિત્વને સ્વીકારતું થઇ જાય છે. આગળ આવવાનો અભરખો કે દેખાડો સાબિત કરવાનો દબદબો દુર થઇ જાય છે. સ્પર્ધાભાવ ઓગળી જાય છે.

આપણું કામ કઢાવી લેવા માટે બીજાની નિંદા કરીને એને નુકશાન કરવામાંથી બચવા માટેના રસ્તાઓ છે આ. જો આવું નહીં કરીએ તો કાલે ઉઠીને કોઇક આપણી સાથે પણ આ જ રમત રમી શકે છે. આપણને આપણા કામ ઉપર ભરોસો હોવો જોઇએ. આપણી જાત ઉપર વિશ્વાસ હોવો જોઇએ. સામેવાળાની ચિંતા કર્યા વગર આપણે આપણી મસ્તીમાં રહેવુ જોઇએ.

પર્વતમાંથી નીકળતુ ઝરણું સાગરને મળે છે ત્યારે સાગર ઝરણાની ચિંતા નથી કરતું. બંને જણા એકબીજાના મિલનને ઉજવે છે. પોતાના વ્યક્તિત્વને ઓગાળીને અસ્તિત્વને આરાધે છે. ફૂલ અને સુગંધ એકમેકના પર્યાય છે. બંનેને એકબીજાની ચિંતા થાય તે સ્વાભાવિક છે, પણ ફૂલ ક્યારેય સુગંધ પોતાના વિશે શું વિચારે છે એની ચિંતામાં પડ્યું નથી.

આપણે સામેવાળા વિશે સારૂં વિચારીશું તો સામેવાળા આવતી કાલે “સાથેવાળો” બની જશે. પોતાનાથી શરૂ થયેલી વાત પોતાનાથી જ પૂરી થવી જોઇએ.

[સાભાર:ઓફબીટ, લેખક: અંકિત ત્રિવેદી]