બોધ કથા

સુરેશ પ્રા. ભટ્ટ

| 6 Minute Read

આજના યુગમાં જાણે-અજાણે આપણે બાળકોમાં ભ્રષ્ટાચાર, લાંચના સંસ્કાર નાખતા રહીએ છીએ. કંઈ કામે મોકલવો હોય તો પૈસા કે એને ભાવતી ખાધવસ્તુ લેવાની રજા, વાહન આપવાની લાલચ, ભેટ આપવી. આટલા ટકા આવશે તો…. વગેરે પ્રોત્સાહન અને લાલચની ભેદરેખા ઘણા વાલીઓ ખુદ નથી સમજતાં.

એક કથાકાર કથા વાંચતા, માંડ દસ-બાર વ્યકિત સાંભળવા આવતી. એમાં એક પ્રભાવશાળી દાદાને પૌત્ર લઈ આવતો. પણ દાદાની ખાસિયત એ કે કથામાં આવે ને ઝોકાં તો ખાય પણ થોડી થોડી વારે નસકોરાં બોલાવે.

કથાકારે પૌત્રને રૂપિયો આપી સમજ પાડી. દાદા ઝોકે ચઢે એટલે ધીમેકથી હલાવી અને જગાડતો રહેજે. એકાદ-બે દિવસ આ યુક્તિ સફળ રહી. ત્રીજે દિવસે પાછા દાદા ઝોકે ચઢયા અને નસરોકાં શરૂ. કથા પૂરી થઈ. કથાકારે પૌત્રને બોલાવ્યો. પૂછ્યું “કેમ આજે દાદા પાછા…” પૌત્ર વચ્ચે જ બોલ્યો, “દાદાએ ન ઉઠાડવાના પાંચ રૂપિયા આપ્યા છે.

૦-૦-૦-૦-૦-૦-૦-૦

બિહારમાં એક સત્યવાદી ઈજનેરે આત્મહત્યા કરી. સાચું પૂછો તો હવે આવા માણસોને - આ દુનિયામાં આ વાતાવરણમાં જીવવાનો જાણે અધિકારજ રહ્યો નથી. તેમાંય બાંધકામ ખાતું તો હદ…

સંબંધો સુધર્યા એટલે પ્રતિનિધિમંડળની અભ્યાસ યાત્રા શરૂ થઈ. ભારતનુ એક પ્રતિનિધિ મંડળ પાકિસ્તાન ગયું. નવા નવા સંબંધ હતા તેથી આગતા-સ્વાગતા બધી રીતે સારી થઈ. ભારતનુ પ્રતિનિધિ મંડલ ખુશ થઈ ગયું. ચાર-પાંચ દિવસ સાથે રહ્યા એટલે સંબંધોમાં ‘અંગત’ પણું આવી ગયું એટલે પ્રધાનશ્રીએ પાકિસ્તાનના પ્રધાનશ્રીને પૂછ્યું, “તમે અમારા પર ખૂબ ખર્ચ કર્યો જેમાં કેટલોક તો ‘અનઓફિસિયલ’ જેવો હતો. તમે કેવી રીતે પહોંચો, ટાંટિયા કેમ મળે ?”

પ્રધાનશ્રી તેને પંચતારકના પાંચમે માળે લઈ ગયા. દુર દેખાતો પુલ બતાવ્યો ને આંખ મારી કહ્યું “દસ ટકા.”

વર્ષો પછી એ જ પ્રધાનશ્રીનુ પ્રતિનિધિમંડળ ભારત આવ્યું. એવી જ આગતા- સ્વાગતા થઈ. હવે સંબંધો તો સ્થપાઈ ગયા હતા એટલે એણે પણ પૂછી લીધું. આપણા પ્રધાનશ્રી હોટલના ધાબે લઈ ગયા. પૂછ્યું “પેલી નદી દેખાય છે.? એના પર પુલ ?” પ્રધાનશ્રી કહે “નદી તો દેખાય છે પણ પુલ નથી દેખાતો.”

આપણા પ્રધાનશ્રી ખળખળાટ હસીને કહે, “સો ટકા…” બન્નેએ તાળીની આપ-લે કરી.

૦-૦-૦-૦-૦-૦-૦-૦

કચ્છમાં સજા પામેલા અધિકારીઓને કારણે કૌભાંડો અને છેતરપિંડીના કિસ્સા વધવા લાગ્યા. આ જોઈ ભગવાન શંકર ગુસ્સે થયા. કહેવાય છે કે ભગવાન શંખ વગાડે પછી જ ઇંદ્ર ભગવાન વરસાદનો કોટા રિલીઝ કરે… ભગવાન શંકરે ગુસ્સામાં ત્રણ ત્રણ વર્ષથી કચ્છ માટે શંખ વગાડવાનું મોકુફ જ રાખ્યું.

હવે એક ભક્ત - કણબી ચતુર અને હોશિયાર હતો. વરસાદ આવે ન આવે. પોતાનું ખેતર શંકરદાદાને યાદ કરી કરી ખેડયા કરતો.

શંકર-પાર્વતી ફરવા નીકળ્યાં. આ ખેડૂતને ત્રણ-ત્રણ વર્ષથી ખોટી મહેનત કરતો જોઈ તેની મૂર્ખાઈ પર હસવું આવ્યું. પાર્વતીજી કહે, “આપણે તેને મળી કારણ પૂછીએ.”

રૂબરૂ મળ્યાં. ખેડુત કહે “વરસાદ ન આવે, હળ ચલાવવાનું હું ભૂલી ન જાઉં એટલે ખેડયા કરું છું. જુઓ ભગવાન શંકરે ત્રણ ત્રણ વર્ષથી શંખ વગાડ્યો નથી એટલે હવે એ શંખ વગાડવાનું સાવ ભૂલી જ ગયા હશે.”

ભોળાશંભુને ચિંતા થઈ. ટ્રાયલ માટે વગાડ્યો ને કચ્છમાં ત્રણ ત્રણ વર્ષનો કવોટા એક સાથે રિલીઝ થઈ ગયો.

આ છે કચ્છીની આવડત.

૦-૦-૦-૦-૦-૦-૦-૦

હાલમાં પક્ષના વડાઓ પોતાના દુશ્મન જેવાં જુથો સાથે પણ મૈત્રીપૂર્ણ સંબંધો બાંધી ચુંટણી જીતવાના સ્વપ્નમાં રાયે છે. આવા સ્વાર્થના સંબંધોમાં કોઈને લાભ થતો. જ્યારે ઊલટું આવી વાતોમાં આવી જનારને નુકસાન થાય છે.

એક ભૂખી વાઘણ નાના શિયાળ પાછળ દોડી. શિયાળ સમજી ગયું વાઘણ ખાઈ જાય એના પહેલાં જ સાષ્ટાંગ પ્રણામ કર્યા, “માસી હું તો તમારો સંબંધી છું.”

વાઘણ કહે, “મને ભુખ લાગી છે. (સત્તાની ખુરશીની) હું હવે રહી શકું તેમ નથી.”

શિયાળ કહે, “આપણે ગઠબંઘન કરીએ. નજીકમાં જ તળાવમાં એક અલમસ્ત પાડો છે. તેનો તમે શિકાર કરો પછી આપણે સંપીને આરોગશું…”

કાદવ-કીચડ ભરેલા (રાજકારણના તળાવમાં) એક અલમસ્ત (સત્તારૂપી) પાડો જોઈ વાઘણને બધા દાંતમાંથી પાણી છૂટયું. શિયાળે હિંમત અને (ખોટા સર્વેના અહેવાલોથી) પ્રોત્સાહન આપ્યું.

વાઘણ કૂદી પડી. પાડો તો દુર રહ્યો પણ પોતે કાદવ-કીચડમાં ખૂંપી ગઈ, પાડો તો દુરનો દુર કહ્યો. લુચ્યું શિયાળ (ચુંટણીના પરિણામો પછી) ફરી બીજા જુથમાં જોડાઈ ભાગબટાઈ માટે નીકળી પડ્યું અને ગઠબંધન માટે મૈત્રી - બેઠકો થવા લાગી.

૦-૦-૦-૦-૦-૦-૦-૦

આજકાલ મહાત્માઓ, સંતો પણ મીડિયા દ્વારા જોરદાર પ્રચાર કરે છે અને પછી સંતમાંથી “ભગવાન!” થઈ જાય છે. એમના ચૈલકાઓ ચમત્કારની વાતો ફેલાવતા રહે છે. સંત તો અભિમાન, પ્રચારથી વિમુક્ત હોય.

મહાત્મા ઈશુ પોતાના દસ-પંદર શિષ્યો સાથે પ્રવાસમાં હતા. બપોરનો સમય. બધાનો જમવાનો સમય થયો હતો. કકળીને ભૂખ લાગી હતી. વ્યવસ્થાપક જોયું તો ભથ્થામાં માત્ર પાંચ જ રોટલી બચી હતી.

સમસ્યા મહાત્મા ઈશુને કહી. સંત ઈશુએ કહ્યું, “બધી રોટલીના બે-ત્રણ સરખા ટુકડા કરી નાખો અને બધાને એક-એક લેવાનું કહો. દરેકને સમાન રીતે ભોજન મળી જશે.”

દરેકે ગુરૂ આજ્ઞાનું પાલન કરી એક-એક ટુકડો શાંતિથી ખાધો અને પાણી પીધું. આશ્ચર્યની વાત એ હતી કે બધાને ભોજનની તૃપ્તિ મળી અને ઓડકાર પણ આવ્યો. એકાદ-બે શિષ્યોએ કહ્યું, “ગુરૂદેવ, ખરેખર આ તો આપનો ચમત્કાર જ કહેવાય ! નહીં તો પાંચ રોટલીના ટુકડામાંથી બધાનું પેટ શી રીતે ભરાય ?”

પરંતુ ઈસુએ જવાબ આપ્યો, “ના, ભાઈ, ના, આ તો તમારા સદ્ભાવભર્યા શાંત સહકારનું જ પરિણામ છે. સ્વાર્થ ભરી લૂંટફાટ કરતા જ્યાં પારિવારિક સહકાર અને સદ્ભાવ હોય ત્યાં ચમત્કારિક રીતે સંતોષ આવે છે અને ત્યાં પ્રભુને અયાયિત સહયોગ પણ મળે છે.”

[સાભાર: અક્ષત, સંપાદક: સુરેશ પ્રા. ભટ્ટ]