ચાલો, માણસ બનીએ

મહેન્દ્ર મેઘાણી

| 1 Minute Read

ઊનાળાના દિવસો હતા. ભયંકર ગરમી પડી રહી હતી. સૂર્યદેવતા ભયંકર કોપાયમાન હતા. એક મુસાફર રસ્તા પર ચાલ્યો જતો હતો. અસહય ગરમી અને થાકથી અકળાતો હતો. રોકાઈ શકાય તેમ હતું નહીં. તેણે વિચાર્યું ક્યાંકથી પાણી મળે તો તરસ છિપાય અને સ્ફૂર્તિ પણ આવે.

થોડુંક આગળ ચાલતા એણે દૂર એક ઘર જોયું. પાણી મળશે એવી આશાએ તે ઘર પાસે ગયો. એક શેઠ ઓસરીમાં ખુરશીમાં પંખા નીચે બેઠા હતા. ખુણામાં પાણીનું એક માટલું પણ હતું. મુસાફરને હાશ થઈ. મુસાફરે શેઠ પાસે પાણીની માગણી કરી. શેઠે જવાબ આપ્યો, “થોડી રાહ જુઓ, હમણાં મારો માણસ આવી તમને પાણી આપશે.”

મુસાફરે થોડી રાહ જોઈ, પણ તરસે તેના પ્રાણ જતા હતા. તેનાથી રહેવાયું નહીં. તેણે શેઠ પાસે ફરી પાણીની માગણી કરી. શેઠે એનો એ જ જવાબ આપતા કહયું, “થોડી વાર રાહ જુઓ, મારા માણસને આવામાં હવે ઝાઝી વાર નહીં લાગે.”

મુસાફર થોડીવાર શાંતિથી ઊભો રહયો, પણ પછીથી તેનાથી રહેવાયું નહીં, ધીરજ ખુટી. અંતે થાકીને મુસાફરે બે હાથ જોડીને શેઠને કહી દીધું, “શેઠ, બે મિનિટ માટે આપ જ માણસ બની જઈ મને પાણી આપો ને! ભગવાન આપનું ભલુ કરશે.”

મોટા માણસોની સંવેદન શૂન્યતાને શું કહેવું !

[સાભાર: અરધી સદીની વાચનયાત્રા, સંકલન: મહેન્દ્ર મેઘાણી]