ચણોઠી જેવું ઉપરથી રળિયામણું

ભીખુદાન ગઢવી

| 6 Minute Read

મેં એવું સાંભળ્યું છે કે સત્ય શબ્દ સંસ્કૃતનાં ધાતુ ‘સત્’‌ એટલે હોવું કે થવું તેના ઉપરથી બન્યો છે. એનો અર્થ એ થયો કે આ સકળ બ્રહ્માંડમાં જે કાંઈ હોય છે કે થાય છે તેનું અસ્તિત્વ એટલે સત્ય.

આ વ્યાખ્યા પ્રમાણે જગતના તમામ પદાર્થો સત્ય થયા પરંતુ હકીકતમાં તો પદાર્થો સત્ય નથી. એ અસત્ય છે અથવા અનિત્ય છે.

જેમ કે આપણને સૂરજ સત્ય લાગે છે, પરંતુ ખરેખર તો વિજ્ઞાન કહે છે તેમ સૂરજ પાંચ અબજ વર્ષ પહેલાં ન હતો. અત્યારે છે અને હજુ પાંચ અબજ વર્ષ પસાર થશે ત્યારે એ નાશ પામશે એટલે એ “સત્ય” ન ગણાય. તો સૂરજમાંથી પ્રકાશ કે અગ્નિ, પાણી, વાયુ, પૃથ્વી વગેરે પ્રગટયાં છે તેથી સૂર્ય નહીં હોય તો આ એ પણ નહીં હોય એટલે એ પણ સત્ય નથી. આ જ રીતે અણુથી માંડીને મોટામાં મોટા તારા સુધી અસત્ય છે તો પછી સત્ય કોને કહીશું ?

આપણા પ્રાચીન ભજને સંતવાણીમાં એનો સરસ ઉત્તર આપ્યો છે.

ચાંદોયે નહોતો ને સૂરજ પણ નહોતો રે,
નહોતાં નહોતાં ધરણી ને આકાશ,
એ વખતે જે હતા તે અખિલ બ્રહ્માંડના અધિપતિ

પરમ ધણી પરમાત્મા જ સત્ય છે, કારણ કે તે અનાદિ અનંત છે. આ જ કારણે મહાત્મા ગાંધી સત્યને જ પરમેશ્વર કહે છે અને સત્યની ઉપાસનાને જ ઈશ્વરનો સાક્ષાત્કાર માને છે અને પરમાર્થી જીવનને સત્યના પ્રયોગો ગણાવે છે. કારણ કે સત્યનો શાબ્દિક અર્થ અસ્તિત્વ થાય છે. તેથી સત્ય શબ્દના અનેક પ્રકારો થયા.

(૧) પરમ સત્ય અથવા સનાતન સત્ય :

જે સત્ય દેશ કે કાળની સીમાઓથી પર હોય અને જે અનાદિ અને અનંત છે તે સનાતન સત્ય. પરબ્રહ્મ કે પરમાત્મા એટલે આવું શાશ્વત સત્ય

(૨) ધાર્મિક સત્ય :

આ જગતમાં ત્રણ હજાર ધર્મો છે. એનાં પોતપોતાનાં સત્યો છે. એટલે એક ધર્મનું આવું સત્ય બીજા ધર્મને માન્ય ન હોય. બીજા શબ્દમાં કહેવું હોય તો એમ કહી શકાય કે એક ધર્મનું સત્ય બીજા ધર્મમાં અસત્ય ગણાય છે. જેમકે જૈન ધર્મમા યુદ્ધ કરવું કે હિંસા કરવી તે અસત્ય છે તો ગીતામાં કહ્યું છે, “ક્ષત્રિયોને માટે ધર્મયુધ્ધ જેવું બીજું કશું કલ્યાણકરક નથી”. એટલે વ્રતો, ઉપવાસો, પૂજા, નિશ્ચિત પહેરવેશ, વિવિધ પ્રકાનાં ટીલાંટપકાં આ બધાં ધાર્મિક સત્યો આંશિક સત્યો છે.

(૩) વ્યવહારસત્ય :

લોકોની સુવિધા, સુરક્ષા જીવનધોરણ અને વ્યવહાર માટે કરાતા નિયમો એ વ્યવહારસત્ય છે. તેમાં દેશકાળ પ્રમાણે પરિવર્તનો થતાં હોય છે, જેમ કે શિખા રાખવી તે એક જમાનામાં હિદું ધર્મનું આવશ્ય અંગ હતું. આજે એ વાત સ્વીકાર્ય નથી.

(૪) મારું સત્ય અથવા અંગત સત્ય :

પ્રત્યેક વ્યક્તિને પોતાના ગમા - અણગમા હોય છે એ પ્રમાણે પોતાને ગમતા સિદ્ધાંતો એ ઘડી કાઢે તેને અંગત સત્ય કહેવાય. ખરેખર તો એ સત્ય નથી, પરંતુ સત્યનો સાભાસ છે. સંસારમાં અબજો મનુષ્યો છે એ બધા જ જો પોતાને ઠીક લાગે કે અનુકૂળ પડે એવા વ્યવહારને મારું સત્ય કહીને એને સત્યના વાઘા પહેરાવે તો ભયંકર અરાજકતા સર્જાય. કારણ કે તો તો શરાબીને શરાબપાન સત્ય લાગવાનું, ચોરને ચોરી સત્ય લાગશે અને ગુંડાઓને કુકર્મો સાચાં લાગવાનાં અને જુગારીને જુગારમાં કાંઈ દોષ નહીં દેખાય. એટલે ખરેખર “અંગત સત્ય” એ સત્ય જ નથી. તેથી “અંગત સત્ય” માં જો સ્વાર્થની બદબૂ આવતી હોય તો તેને સત્ય ન કહી શકાય. પરંતુ એ “અંગત સત્ય”માં જો પરમાર્થની સુગંધ મહેકતી હોય તો તેને જરૂર સત્ય કહી શકાય.

આથી જ મહાત્મા ગાંધીજીએ પોતાના જીવનનાં બધાં જ કર્મોને સત્યના પ્રયોગો કહ્યા છે. એ બધાને પ્રયોગોની સ્થિતિમાં જણાવ્યાં છે. જો આવાં સત્કર્મો પણ અત્યારે સમસ્ત માનવજાતિના કલ્યાણમાં પરિણમે તો જ એને “સત્ય”ની છાપ મારી શકાય. બાકીતો અંગત સત્ય ઘણીવાર એ પાળનારને સ્વાર્થ સિદ્ધ કરી આપે, પણ અન્યનું અહિત કરનારું થાય.

લોકસાહિત્યમાં :

ચોખા જેના ચિત્ત એના વરણ હાઉ વખાણીએ,
પ્રહૂલાદેય પવિત્ર, ઈ તો દાનવ હુતો દાદવા.

જેનું મન પવિત્ર હોય એ ઉત્તમ. એની જાતિ ન જોવી (સનાતન સત્ય) જે અશુદ્ધ છે કે દાનવ છે તે અપવિત્ર (આ કોઈ ઉચ્ચવર્ણનું અંગત સત્ય તેથી એને પારમાર્થિક સત્ય ન કહેવાય).

આભમાં ઝીણી ઝબુકે વીજળી,
ઝીણા ઝરમર વરસે મેહ, ગુલાબી નહિ જાવા દઉં ચાકરી.

નાયિકા એના પતિને નોકરીએ જતાં રોકે અને કહે છે કે આવી પ્રિયમિલનની વર્ષાઋતુ હોય ત્યારે નોકરીએ જવું એ અયોગ્ય છે. તે નાયિકા માટે તેનું અંગત સત્ય છે. પરંતુ ચાકરીએ જવું એ નાયકનો ધર્મ છે. તેથી એ એનું સત્ય છે. એમાં નાયકનું સત્ય નાયિકાના સત્ય કરતાં વધારે શ્રેષ્ઠ છે કારણ કે એ ધર્મની કક્ષાએ પહોંચે છે.

આ રીતે મારું સત્ય ચણોઠી જેવું ઉપરથી રળિયામણું લાગે છે, પણ આવા ચણોઠી જેવાં કરોડ સત્યોનો ઢગલો કરવામાં આવે તો પણ એને સત્યના ગિરિવર સાથે કેમ સરખાવી શકાય ?

આપણે ત્યાં મહાભારતમાં કહ્યું છે કે

જે સભામાં વૃદ્ધો ન હોય તે સભા ન કહેવાય તથા
જેમાં સત્ય ન હોય તે ધર્મ નથી.

આમ વિશુદ્ધ નિર્મળ સત્ય એ જ ધર્મ છે અને જે મનુષ્યો ધર્મ ઉચ્ચારે અને આચરે તે વૃદ્ધો છે. આવા વૃદ્ધો, જે સભામાં વિરાજતા હોય તેને જ રાજસભા કહેવાય. બસ એ જ…

- ભીખુદાન ગઢવી

[સાભાર : મારું સત્ય સંપાદક: અંકિત ત્રિવેદી]