ચિત્તને પિડિત કરે એવી એક અવસ્થા

દિનકર જોષી

| 17 Minute Read

કુરક્ષેત્રનું યુદ્ધ પૂરું થયું અને મહારાજ યુધિષ્ઠરે આદરેલો અશ્વમેઘયજ્ઞ પણ સંપન્‍ન થઈ ગયો. એ પછી શ્રીકૃષ્ણ હસ્તિનાપુર છોડીને દ્વારકા ગયા છે.

કુરુક્ષેત્રની ઘટના પછી પુરાં છત્રીસ વર્ષે યાદવાસ્થળી થઈ અને શ્રીકૃષ્ણનો દેહોત્સર્ગ થયો. છત્રીસ વર્ષનો આ કાળ શ્રીકૃષ્ણે એક નિવૃત વડીલની જેમ દ્વારકામાં જ વ્યતીત કર્યો છે. આ ગાળામાં એમના પુત્રો-પૌત્રોએ પેટે તાંસળી બાંધીને ૠષિની મશ્કરી કરી અને શાપિત થયા. શ્રીકૃષ્ણે દ્વારકામાં મદ્યનિષેધ કર્યો પણ આ મદ્યનિષેધ વહેવારમાં સાવ નિષ્ફળ ગયો હતો (ગુજરાતની દારૂબંધીની જેમ જ). એમની નજર સામે જ યાદવો પરસ્પર લડીને કાગડા-કુતરાના મોતે મુઆ. શ્રીકૃષ્ણે આ જોયું પણ કશું કરી શક્યા નહિ. એકાકી અવસ્થામાં જરા પારધીએ એમને પશુ સમજીને તીર માર્યું અને એમની લીલા સંકેલાઈ ગઈ.

છત્રીસ વરસના આ નિવૃત્તિકાળમાં એક વાર શ્રીકૃષ્ણે નારદને એકાંતમાં પૂછ્યું કે “હે દેવર્ષિ! મેં જે કંઈ પ્રાપ્ત કર્યું એ બધું જ મારાં પરિવારજનોને જ આપ્યું છે. મારી પાસે મેં કશું નથી રાખ્યું. આમ છતાં મારાં આ આપ્તજનો મારાથી અસંતુષ્ટ કેમ રહે છે? તેઓ મને મહેણાં મારે છે અને મારા ગમાઅણગમાને લક્ષમાં લેતા નથી. આવું કેમ?”

આના જવાબમાં નારદે ક્યું કે “હે અચ્યુત, એનું કારણ માત્ર એટલું જ છે કે તમે તમારી પાસે કશું રાખ્યું નથી એટલું જ નહિ, જે કંઈ મેળવ્યું એ બધું પરિવારજનોની ક્ષમતા જોયા વિના જ એમને વહેંચી આપ્યું છે. આ કારણે તેઓની અપેક્ષાઓ વધી ગઈ હોય છે.”

નારદનો આ જવાબ સાંભળીને ચોકી ઊઠેલા કૃષ્ણે કહ્યું, “જો એમ જ હોય તો હે નારદ! હું હજુય મેં જે કંઈ એમને આપ્યું છે એ બધું પાછું મેળવી શકું એમ છું.”

આના જવાબમાં નારદ બોલ્યા છે, “કૃષ્ણ તમે એમ નહિં કરી શકો. જો એવું કંઈ કરશો તો જે પરિવારજનો તમારાથી અત્યારે અસંતુષ્ટ છે તેઓનો અસંતોષ ખુબ વધી જશે.”

શ્રીકૃષ્ણ અને નારદ વચ્ચેનો આ સંવાદ પ્રત્યેક સીનિયર સિટિઝને લક્ષમાં લેવા જેવો છે. સાંઇઠ કે પાંસઠ વરસની ઉંમર સુધી સરેરાશ માણસ પોતાના અર્થોપાર્જન-કાળમાં જે કંઈ બચત કરે છે અથવા જે કંઈ સંપન્ન કરે છે એ અંતે તો એની વિદાય પછી એના સંતાનો માટે જ હોય છે એ પરંપરા છે. આમાં કશું ખોટું પણ નથી. પોતાના જીવનકાળ દરમિયાન પોતાની બચતમાંથી એને જે કંઈ ઉચિત લાગે એ સામાજિક કે ધાર્મિક ફરજો અદા કરે એ સારી વાત છે. પ્રત્યેક માણસે પોતાના ગજા પ્રમાણે આવો ૠણસ્વીકાર કરવો પણ જોઈએ.

પણ કેટલીક વાર એવું બને છે કે માણસ પરિવારજનો પ્રત્યેના સ્નેહને કારણે અથવા ક્યારેક જવાબદારીઓ અદા કરવાની ખોટી ગણતરીના કારણે પોતાની મુઠ્ઠીને ખુલ્લી કરી નાખે છે. પોતાની પાસે જે કંઈ છે એ અંતે તો આમનું જ છે એમ માનીને પોતાના હયાતીકાળમાં જ તેની વહેંચણી કરી નાખે છે. ક્યારેક પુત્રોના ધંધાધાપા માટે કે ક્યારેક કહેવાતાં વહેવારિક કામો માટે એ પોતાની પાસે જે કંઈ હોય એ વહેંચી દે છે. આમાં એના પક્ષે તો નર્યો વિશ્વાસ જ છે કે હવે આ પૈસાની પળોજણમાં મારે શું કામ પડવું જોઈએ? અને મારા સંતાનો મારી સંભાળ ન લે એવું કદી ન બને!

ઘડીભર કલ્પના કરો કે આવું થયા પછી કોઈક ધર્મકાર્ય માટે, સામજિક કાર્ય માટે કે પોતાના રોજિંદા વહેવાર માટે સંતાનો પાસેથી રકમ મેળવવી પડે ત્યારે ચાર કે સાડાચાર દાયકા સુધી આર્થિક સ્વાતંત્ર્ય ભોગવી ચુકેલા માણસને કેવું લાગે? સંતાનો માવતરની આ જરૂરિયાત હોંશેહોંશે માગ્યા વિના જ પૂરી કરે એ સુખદ પરિસ્થિતિ છે, પણ વહેવારિક જગતમાં આ એક નર્યો આદર્શ છે. કોઈ વાર બે કે ત્રણ પુત્રો વચ્ચે મનમેળ ન હોય ત્યારે તેઓનાં ચિત્તમાં માતા કે પિતાની આવી કોઈ જરૂરિયાત પુરી કરવી એ ટાળવા જેવું સ્પર્ધાત્મક લક્ષણ બની જતું હોય છે. એક પુત્ર એની સાચેસાચી મર્યાદાને કારણે ક્યારેક પોતાની જવાબદારી અદા ન કરી શકે ત્યારે બીજા પુત્રને માતાપિતાનું હોવું સુધ્ધાં વધારાની જવાબદારી લાગવા માંડે એવું બને છે.

આમાં સંતાનો પ્રત્યે ઓછો સ્નેહ હોવાની કે વિશ્વાસ નહિ હોવાની કોઈ વાત નથી. જે નઠોર વાસ્તવિકતાઓ વચ્ચે આપણે જીવી રહ્યાં છીએ એમાં સહુ કોઈનું જીવન વધુ સુખમય અને શાંતિપૂર્ણ થાય એવા માર્ગ લેવામાં જ શાણપણ છે. કેટલી વાર નબળા સંતાનને વધુ સહાયભુત થવું એ માતાપિતાની પણ ફરજ છે. કોઈ વાર એક પુત્ર સમર્થ હોય પણ ઉચ્છૃંખલતાના કારણે જો એ પોતાની જવાબદારીઓ અદા ન કરતો હોય તો માતાપિતાએ “અમારે મન તો બધા સંતાનો સરખા” એ સુવર્ણાંકિત સિદ્ધાંતને કઠોરતાથી ઘડીકવાર વિસરાવી દેવો જોઈએ. ગોળ અને ખોળનું મૂલ્ય એક ન આંકી શકાય. જો આ બંનેનું મૂલ્ય એક જ આંકવામાં આવશે તો કોઈ ગોળ શા માટે વેચે? આ ન્યાય તો અંધેરીનગરીમાં ગંડુરાજા જેવો જ થાય. જે પુત્રે પોતાની મર્યાદાઓ છતાં જે કંઈ બની શક્યું એ બધું જ કર્યું છે અને જે પુત્રે કોઈ મર્યાદા ન હોવા છતાં ઉચ્છૃંખલતાપૂર્વક હાથ ખંખેરી નાખ્યા છે એ બંનેને જો વહેવારિક વહેંચણી વખતે સમકક્ષ ગણવામાં આવે તો ભવિષ્યિમાં એક ખોટી પરંપરા પેદા થવાનો ભય રહે છે.

માણસમાં નબળું પાસું બળવાન હોય છે અને સબળું પાસું નબળું હોય છે. આમ હોવાને કારણે વખત જતાં કોઈ ગોળ નહિ થાય, બધા ખોળ થવાનો ભય રહે છે.

વડીલોએ આ સંદર્ભમાં એક વધુ વાત પણ ધ્યાનમાં રાખવા જેવી છે. જો એક કરતાં વધુ સંતાનો હોય ત્યારે અથવા એક જ પુત્ર હોય તોપણ પોતાને માટે આ સંતાનોએ અવારનવાર જે કંઈ ખર્ચ કર્યો હોય એ બને ત્યાં સુધી એમને આપી દેવો જોઈએ. દા.ત. એક વડીલ પાસે પૂરતી બચત છે અને એમની તબીબ સારવારનો ખર્ચ લાખેક રૂપિયા થાય છે(કેટલી વાર તો સો રૂપિયા થતા હોય તોપણ). આ ખર્ચ જો પુત્રે કર્યો હોય તો પિતાએ એને આપી દેવો જોઈએ. અમારું ઘર તો એક જ છે એવી ચાંપલાશ કરનારાઓ ખરેખર માનવસ્વભાવને જાણતા નથી.

મોટા ભાગે માતાપિતા માટે કરેલો આવો ખર્ચ જ્યારે પાછો આપવામાં આવે છે ત્યારે પુત્રને ઘડીક સંકોચ થાય છે. પણ પછી એ એનો સ્વીકાર કરી લે છે, કારણ કે મનોમન તો એને પણ ગમે જ છે. આમ કરવાથી એક બીજો પણ લાભ થાય છે. પોતે ખર્ચેલી રકમ પાછી મળી જ જવાની છે એવો વિશ્વાસ પેદા થવાથી આવો ખર્ચ ટાળવાની પુત્રો વચ્ચે માંહોમાંહે અદીઠ સ્પર્ધા થતી નથી. આવી સ્પર્ધા ટાળવી એ પણ પિતાનું કર્તવ્ય છે. આ એક શુભ લક્ષણ છે.

અહીં એક પ્રસંગ યાદ આવે છે.

સમાજજીવનમાં જેમને અત્યંત વરિષ્ઠ કહી શકાય એવા એક વડીલ મિત્રના દીવાનખંડમાં બેસીને અમે ગપસપ કરી રહ્યા હતા. આ વડીલના પરિવારમાં પુત્રી સાસરવાસે સુખી હતી અને બે પુત્રો નિકટમાં જ ક્યાંક પોતપોતાના પરિવારો સાથે અલગ રહેતા હતા. ઘર અભરે ભર્યું હતું. ઘરમાં નોકરચાકર પણ હતા. આ વડીલ પતિ-પત્ની એકલાં જ પસ્પરના સાથ- સહકારમાં આયુનો શેષ સમય સંતોષપૂર્વક વ્યતીત કરી રહ્યાં હતાં.

અમારી વચ્ચે વાતો ચાલતી હતી ત્યાં જ એમનો એક પુત્ર માતાપિતાને મળવા આવ્યો. બંને પુત્રો આ રીતે રોજ માતાપિતાને મળી જતા અને કંઈ કામકાજ હોય તો કરી આપતા. આજે આ પુત્રે ઔપચારિક વાતો પત્યા પછી પિતાને કેટલીક દવાઓ આપી. આ દવાઓ પિતાએ જ ગઈ કાલે આ પુત્ર પાસે મંગાવી હતી. દવાઓ લીધા પછી પિતાએ પેલા પુત્રને એની કિંમત જેટલા પૈસા આપ્યા. પુત્રે એ પૈસા લઈ પણ લીધા. થોડો વાર પછી આ પુત્રે રજા લીધી એટલે મેં મારા આ વડીલ મિત્રને પૂછી કાઢ્યું, “દવા જેવી ચીજની આટલી મામૂલી કિંમત તમે એને આપી એ મને જરા નવાઈભર્યું લાગે છે. તમે આવું કેમ કર્યું?”

એમણે હસીને મને એક મોટો પદાર્થપાઠ શીખવ્યો, “જુઓ ભાઈ મારા આ બંને પુત્રો રોજ મારાં ખબરઅંતર પૂછવા આવે છે. આમ તો હું મારું બધું કામકાજ કરી લઉં છું, પણ કયારેક જરૂર પૂરતું કામ હું એમનેય સોપું છું. બંને દીકરા ભુલ્યા વિના મેં સોપેલું કામ અચુક કરી આવે છે. હવે જો હું એમણે મારા માટે કરેલો ખર્ચ ચૂકવી ન આપું તો વહેલામોડા ક્યારેક મનમાં એવો ભાવ પણ પેદા થાય ખરો કે દર વખતે પપ્પા મને જ કામ સોંપે છે અને મારે જ ખર્ચ કરવો પડે છે. બીજા ભાઈએ પણ પપ્પાના ખર્ચનો આવો ભાર ઉપાડવો જોઈએ એવો ભેદભાવ એના મનમાં પ્રગટે. મારી પાસે પૂરતા પૈસા છે એટલે જો હું એને એણે ખર્ચેલી રકમ પાછી આપું તો દર વખતે મારું સોપેલું કામ કરવામાં બંનેમાંથી એકેયના મનમાં કોઈ પ્રકારનો આવો ભાવ પેદા જ ન થાય. બંને હોંશપૂર્વક મારું કામ કરે અને અંતે હું એમને જે કંઈ આપું છું એ મારી હયાતી પછી એમનું જ છે ને! એ રકમ એમને પહેલાં આપું છું. એમાં ખોટું શું છે?”

આ વડીલ મિત્રે પોતાના વહેવારિક વર્તનથી જે પદાર્થપાઠ શીખવ્યો છે એ એમના વર્ગમાં આવતા તમામ વરિષ્ઠ નાગરિકોએ ધ્યાનમાં લેવા જેવો છે. એમણે જે વિચારણાથી પ્રેરિત થઈને આવો વહેવાર ગોઠવ્યો હતો એ વિચારણા પૂરેપૂરી માનસશાસ્રીય છે. સદભાવ, પૂજ્યભાવ, સખ્ય, સ્નેહ - આ બધા સદગુણોની ઉપરવટ જતી હોય એવું લાગે તોય આ વિચારણા માણસમાં રહેલાં પ્રાકૃતિક સંયોજનોને પૂરેપૂરી સમજે છે એ સ્વીકાર્યા વિના ચાલે નહિ. સદભાવના સમયે જે બધું સારું લાગતું હોય છે એ બધું દુર્ભાવનો સમય આવી પડે છે ત્યારે રૂપિયા - આના - પાઈના નક્કર માપદંડથી જ મપાતું હોય છે. આવો સમય કયારેય ન આવે એટલા માટે પેલા સદ્ભાવને સતત જાળવી રાખવા માટે વડીલની વિચારણા ભારે ઉપયોગી છે.

આપણને ગમે કે ન ગમે, પરિવારમાં હોવું એક વાત છે અને માનવ પ્રકૃતિની મર્યાદા સમજવી એ બીજી વાત છે. એવા સંખ્યાબંધ કિસ્સાઓ આપણે જાણીએ છીએ કે જે આપ્તજનો વચ્ચે આજે દેખીતી રીતે અત્યંત સ્નેહ પ્રવર્તતો હોય, પુષ્કળ એક્ય પ્રવર્તતું હોય અને લોકબોલીમાં કહીએ તો એક ભાણે જમતાં હોય એવાં અપ્તજનો વચ્ચે પણ કાળાંતરે એવાં પ્રચંડ અંતરો પેદા થઈ જતાં હોય છે કે પરસ્પરનાં મોં જોવા પણ પસંદ કરે નહિ. આવી વિષમ વેળાએ બધા જ પક્ષો જુના સુસંવાદિતનાં કાળમાં પોતે કેટલું જતું કર્યું હતું, પોતે કેટલું સહન કર્યું હતું — આવી અનેક નાની મોટી વાતો હક્કદાવાપૂર્વક સંભારી આપતાં હોય છે. આનો અર્થ એવો જ થયો કે સુસંવાદિતાના કાળમાં પણ આવું જતું કરવાની કે સહન કરવાની કહેવાતી પ્રક્રિયાની બધાં જ પૂરતી નોંધ રાખતાં હોય છે. આવી ગંદી નોંધો ઉપર ચળકાટભર્યો ઢોળ ચડાવેલો હોય છે એટલું જ! અહિં કોઈ નિરાશાજનક વાત નથી કરવી, પણ માત્ર વાસ્તવિક્તાનો સ્વીકાર કરવો છે. આપણે સહુએ અંતે તો જે વાસ્તવિકતાઓ આપણે બદલી શકતા નથી એમની વચ્ચે જીવવાનું હોય છે. આમ હોવાથી સહુકોઈનું જીવન ઓછામાં ઓછું બેસૂરું થાય એવું વર્તન કરવું એ જ ડહાપણ છે. પતિ અને પત્ની બંનેને તો આવા ઉત્તરકાળમાં એક એકમ તરીકે જ આપણે જોતા હોઈએ છીએ પણ આ કહેવાતા એકમની મર્યાદાઓ પણ યાદ રાખી લેવા જેવી છે.

પરિવારજીવનમાં પરસ્પર વચ્ચે અવિશ્વાસ કરવો એવું કહેવાનો મુદ્લ આશય નથી. વિશ્વાસ અને સ્નેહ જીવનને હળવું બનાવે છે. ઉત્તરાવસ્થામાં તો એની વિશેષ આવશ્યકતા હોય છે. પણ જે છે એનો ઈન્કાર કરવાથી કોઈ લાભ થતો નથી, નર્યું નુકસાન જ થાય છે. શ્રીકૃષ્ણ જેવા પરમપુરુષને પણ આ અનુભવ થયો હોય અને આવા અનુભવ પછી એમના ચિત્તમાં પણ જો વિષાદની લાગણી પ્રવર્તતી હોય તો આપણા જેવા સરેરાશ માણસની તો વાત જ શી કરવી? શ્રીકૃષ્ણને હૈયું ઠાલવવા માટે નારદ જેવા દેવર્ષિ પ્રાપ્ત થાય હતા, આપણી પાસે તો કોઈ નારદ પણ નથી. શ્રીકૃષ્ણે જે પ્રશ્ન નારદને પૂછ્યો એ પ્રશ્ને એમના જેવા પરમપુરુષના ચિત્તને પણ કેટલાં વર્ષો સુધી પીડા દીધી હશે!

વૃદ્ધોનાં ચિત્તને પીડિત કરે એવી બીજી એક અવસ્થા એમની નવરાશ છે. “તમારે હવે શું કામ છે ?” આવો પ્રશ્ર જ્યારે કોઈ નિવૃત્ત થયેલા વરિષ્ઠ નાગરિકને પૂછવામાં આવે છે ત્યારે એનો ઈંગિત અર્થ તો એટલો જ થતો હોય છે કે તમારી પાસે હવે કશું કામ નથી. તમારી પાસે કરવા જેવું કંઈ કામ નથી. એનો એક સૂચિતાર્થ એવો પણ થાય છે કે જેને કામ કહી શકાય એવું કશુંય કરી શકવાની ક્ષમતા તમે ગુમાવી દીધી છે. આ ધ્વનિ સાચો નથી.

કામની વિભાવના વિશેની આપણી આ ગેરસમજ છે. જેમાં કશુંક આર્થિક વળતર મળે એને જ આપણે કામ માનતા થઈ ગયા છીએ. સાચી વાત તો એ છે કે આર્થિક વળતરની અપેક્ષા વિનાના કેટલાંય કામો કરવા જેવાં છે. એની આપણને કશી ખબર જ નથી. આર્થિક વળતર આપણને એક જાતનો સંતોષ પ્રેરે છે. જો સંતોષ કે આનંદ એ જ અંતિમ ઉદ્દેશ હોય તો આર્થિક વળતરની અપેક્ષા વિના પણ એ મેળવી શકાય છે. અને ખરૂં કહીએ તો અહીંથી જ કામની શરૂઆત થાય છે.

મારા સદ્ગત પિતાશ્રી ૮૧ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા ત્યારે લગભગ છેલ્લા શ્વાસ સુધી તેઓ કાર્યરત હતા. એમની જિંદીગીનાં છેલ્લાં દશેક વર્ષમાં અમે એમને નિવૃત થવાનો આગ્રહ કરતા ત્યારે તેઓ સામેથી પૂછતા, “નિવૃત્ત થઈને હું શું કરું? પછી મારે શું કામ કરવું?”

આના જવાબમાં અમે એમને કહેતાં, “તમે આરામ કરો અને સવારસાંજ બે વાર અહીં મંદિરે કે હવેલીઓમાં જે સત્સંગ થાય છે એમાં જાઓ.”

આના પ્રત્યુત્તરમાં પિતાજી કહેતાં, “આ સત્સંગોમાં જે ડોસાડગરાઓ જમા થાય છે એમની પાસે બીજો કોઈ કામધંધો નથી માટે વખત ખુટાડવા ત્યાં આવે છે. એમને સાચા અર્થમાં સત્સંગમાં કોઈ રસ નથી. અધ્યાત્મમાર્ગની એમનામાં કોઈ સુઝ પણ નથી.”

પિતાજીનું આ નિરીક્ષણ જલદ લાગે એવું હોય તોપણ સાચું તો છે જ. નિવૃત્તિ-કાળમાં અધ્યાત્મમાર્ગે કે સત્સંગ ભણી વળવું એમાં કશું ખોટું નથી. આપણી આશ્રમધર્મવ્યવસ્થામાં શાસ્રોએ આવો આદેશ પણ આપ્યો છે. પણ એને માટે પ્રત્યેક માણસે પોતપોતાના તુંબડે તરવાનું હોય છે અને માનસિક રીતે પૂરતી પૂર્વતૈયારી કરવાની હોય છે. માત્ર ટોળું વળીને સમય ખુટાડવા મંદિરના ઓટલે બેસી જવાથી સત્સંગ બનતો નથી.

સ્વામી વિવેકાનંદે જીવનનો મોટો ભાગ પ્રવાસ અને વ્યાખ્યાનોમાં વ્યતીત કર્યો હતો. આ એમનું કામ હતું. એમના ગુરૂ સ્વામી રામકૃષ્ણ પરમહંસે દક્ષિણેશ્વર છોડીને ક્યાંય પ્રવાસ કર્યા નહોતા કે વ્યાખ્યાનો પણ આપ્યાં નહોતાં આમ છતાં એમને કોઈ કામ નહોતું એમ કહી શકાય ખરું? સ્વામી રામકૃષ્ણ પરમહંસે પોતાના સ્વ-ધર્મ અનુસાર કામ મેળવી લીધું હતું અને જીવનના છેલ્લા શ્વાસ સુધી કર્યું હતું. એ જ રીતે સ્વામી વિવેકાનંદે પણ જીવનના છેલ્લા શ્વાસ સુધી પોતાનું કામ કર્યું.

આપણે સહુ રામકૃષ્ણ પરમહંસ કે વિવેકાનંદ ન બની શકીએ પણ સાઠ વર્ષની ઉંમર સુધી આર્થિક ઉપાર્જનની કામગીરી નાછુટકે કર્યા પછી શેષ વર્ષોમાં પોતાની કામગીરી સાચા અર્થમાં શોધી શકીએ તો કામ ઘણું છે. અને સમય ઓછો છે.

[સાભાર : સોહામણો સૂર્યાસ્ત, લેખક: દિનકર જોષી, પ્રકાશક : પ્રવિણ પ્રકાશન, રાજકોટ]