દાનનો ધર્મ — ખલિલ જિબ્રાન વાણી

ખલિલ જિબ્રાન

| 5 Minute Read

તે પછી એક ધનવાને કહ્યું, દાનનો ધર્મ સમજાવો.

ત્યારે તેમણે જવાબ દીધો :

એ દાન અતિ અલ્પ છે જે કેવળ તમારા સંગ્રહમાંથી તમે કાઢી આપો છો. જ્યારે તમે તમારા જીવનમાંથી કાઢીને આપો, ત્યારે જ સાચું દાન થાય છે.

આવતી કાલે કદાય તંગી પડે એ ધાસ્તીથી રાખેલી અને સાચવેલી ચીજો - એ સિવાય સંગ્રહનો બીજો શો અર્થ છે?

અને આવતી કાલે ! - આવતી કાલે કામ લાગશે એ વિચાથી યાત્રાળુઓના સંઘ જોડે રેતીના રણમાંથી જનારો કોઈ અતિ શાણો કૂતરો રસ્તામાં હાડકાંને દાટતો જાય તેને એ આવતી કાલ શું આપશે વારૂ ?

અને, તંગીની ધાસ્તી એ જાતે જ તંગી નથી શું ?

ભરેલે કૂવે જેને તૃષ્ણાની ધાસ્તી લાગે છે, તેજ અતૃપ્ય તૃષ્ણા નથી શું ? (કહેવાનો આશય એ છે કે દરિદ્રતાની ધાસ્તી રાખવી એ જ મનની દરિદ્રતા છે. ભરેલે કૂવે જેને તરસ્યા મરવાની બીક રહે તેની તરસ કેમ છીપે?)

કેટલાક પોતાના મોટા સંગ્રહમાંથી થોડુંક દાન કરે છે, અને તેની કદર થાય એમ ઈચ્છે છે, તેમના મનમાં છુપાયેલી આ ઈચ્છાને લીધે તે દાનો અનર્થકારી થાય છે.

અને કેટલાક પાસે થોડું જ હોય છે, પણ તે સઘળું તે દઈ દે છે. તેઓ આત્મામાં અને આત્માના ભંડારમાં શ્રદ્ધા રાખવાવાળા છે, અને તેમની થેલી કદી ખાલી થતી નથી.

અને કેટલાક હર્ષભેર આપે છે, અને તે હર્ષ જ તેમને બદલારૂપે છે.

અને કેટલાક દુઃખ માનીને આપે છે, અને તે દુઃખ જ તેમની દીક્ષા થાય છે.

અને કેટલાક આપે છે, અને તે આપવામાં નથી દુ:ખ માનતા અને નથી હર્ષને શોધતા, તેમ જ નથી કાંઈ પુણ્ય કર્યાનો ખ્યાલ ધરાવતા. તેઓ, જેમ પેલી કુંજમાંની પુષ્પલત્તાઓ દશે દિશાઓમાં પોતાની સુવાસ પાથરી દે છે, તે પ્રમાણે આપે છે. આવાઓના હાથ દ્વારા ઈશ્વર ઉચ્ચારે છે, અને એમની આંખોની પાછળ રહી પૃથ્વી પર તે પોતાનું સ્મિત વરસાવે છે.

માગે ત્યારે આપવું એ સારૂં તો છે પણ વગર માગ્યે મનથી જાણી જઈને, આપવું એ વધારે સારું છે.

અને જે હાથ ના છુટા છે તેને તો દાન આપવાના આનંદ કરતાં દાનનો લેનારો મળે એ જ વસ્તુ વધારે આનંદ ઉપજાવે છે.

અને એવું શું છે જે તમે રાખી મુકો ?

બધુંયે કોઈ દિવસ આપવાનું જ છે, ત્યારે આજે જ આપો જેથી દાનની તક તમારી થાય, તમારા વારસોની નહીં.

તમે ઘણી વાર કહો છો, “હું આપું ખરો પણ માત્ર પાત્રને જ.”

તમારા વાડીનાં વૃક્ષો એમ કહેતાં નથી, નથી કહેતા એમ તમારા નેસમાંનાં ઘેટાં. તેઓ આપે છે કેમ કે તે જીવવા ઈચ્છે છે, કારણ કે રાખી મુક્વું એટલે મરવું.

જે એના દિવસો અને એની રાત્રિઓ મેળવવા પાત્ર થયો છે, તે તમારી પાસે થી બીજાં બધું મેળવવા અવશ્ય પાત્ર જ ગણાવો જોઈએ અને જે જીવનસાગરનું જળ પીવા લાયક લેખાયો છે, તે તમારા નાનકડા ઝરણામાંથી પોતાનો પ્યાલો ભરી લેવાને લાયક જ છે. (એટલે કે જેને પરમેશ્વરે આયુષ્ય અને જીવનનું દાન મેળવવા પાત્ર ગણ્યો છે, તે આયુષ્ય અને જીવન કરતાં ઓછા મૂલ્યની વર્તુઓ મેળવવાને પાત્ર હોય એમાં શું કહેવું?)

અને જે સ્વીકારવાની હિંમત અને આત્મવિશ્વાસ નહીં - ઉદારતા દેખાડે છે, તેના કરતાં વિશેષ પાત્રતા શી હોઈ શકે?

અને એવા તે તમે કોણ મોટા છો, જે લોકો તમારી આગળ આવી પોતાની છાતી ખુલ્લી કરે અને પોતાના સ્વાભિમાન પરનો પડદો ખસેડી લે, કે જેથી તમે તેમની પાત્રતાને નવસ્ત્રી અને તેમના અભિમાનને નિર્લજ્જ સ્થિતિમાં જોઈ શકો ?

પહેલાં એ તપાસો કે તમે જ દાતા થવાને, અને દાનનું સાધન થવાનો લાયક છો કે?

કારણ, સત્ય તો એ છે કે ચૈતન્ય જ ચૈતન્યને આપે છે, અને તમે જે પોતાને દાતા માનો છો, તે તો કેવળ સાક્ષી જ છો.

અને હે દાન સ્વીકારનારાઓ - અને તમે બધાયે દાનો સ્વીકારો છો - તમે કૃતજ્ઞતાનો ભાર માની પોતા પર તેમ જ દેનાર પર ધુંસરી ન લાદશો.

પણ દાતાની સાથે જાણે પાંખો મળી હોય તેમ તેના દાન પર ચડી ઊંચા ઊડજો, કારણ ઋણનો અતિ ખ્યાલ કર્યા કરવો એ તો જેની વસુંધરા સમી ઉદાર માતા અને ઈશ્વર સમા પિતા છે, તેની ઉદારતા પર શંકા આણવી ગણાય. (એટલે કે પાત્ર માણસ પોતે પાત્ર છે એમ બતાવવા માટે પોતાની દરિદ્રતા પ્રગટ કરે અને સ્વાભિમાનને રાખીને રહ્લો હોય તે ઉતારી નાખે એવી તમારી શી લાયકાત છે?)

[સાભાર : ખલિલ જિબ્રાન લિખિત “વિદાયની વેળાએ(ધી પ્રોફેટ)” માંથી સાભાર, અનુવાદક : કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા, પ્રકાશક : નવજીવન ટ્રસ્ટ, અમદાવાદ]