દરેક બાબતે કૃતજ્ઞતા અનુભવો

એઇલીન કેડી

| 3 Minute Read

તમારા આધ્યાત્મિક જીવનનું પ્રારંભનું પગલું ગમે તેટલું નાનું હોય, અચકાઓ નહીં. દરેક સારી વસ્તુનો આરંભ નાની ઘટનાથી જ થાય છે. ઑકનું પ્રચંડ વૃક્ષ નાનકડા અંકુર રૂપે જન્મે છે. સૂક્ષ્મ બીજમાંથી અદ્ભૂત ફુલછોડ ખીલે છે.

પ્રેમનાં નાનકડાં બીજ જિંદગીઓ બદલી નાખે છે. શ્રદ્ધાના અને વિશ્વાસના નાના વિચારમાંથી ચમત્કારો સર્જાય છે. નાની બાબતો મોટી ઘટનાઓનું નિમિત્ત બને છે. જીવનની દરેક નાની બાબત પ્રત્યે કૃતજ્ઞતા અનુભવો. પછી જેમ જેમ જીવન વિકસતું જશે તેમ તમે દરેક પ્રત્યે આભારનો ભાવ અનુભવશો. આ ભાવ તમારા શબ્દોમાં અને કાર્યોમાં પ્રતિબિંબિત થશે.

તમારી અંદર જે છે તેને બહાર આવવા દો. હંમેશાં યાદ રાખો કે આભારથી ભરેલું હૃદય ખુલ્લું, મોકળું હોય છે અને તેમાં કામ કરવાનું મારા માટે સરળ હોય છે. આભાર માનો, દરેક બાબત પ્રત્યે કૃતજ્ઞતા અનુભવો જે થી હું તમારામાં તમારા દ્વારા કામ કરી શકું અને મારા ચમત્કારો અને તેજને બધાંની નજર સમક્ષ મુકી શકું.

અન્ય પ્રેરક સૂચનો વાંચો:
👉 પ્રેમ કરો સાચા હૃદયથી
👉 શ્રધ્ધાથી નાના મક્કમ પગલાં ભરો
👉 સર્વ શ્રેષ્ઠ શોધો
👉 ખાલી થાવ
👉 ઝુકી ન પડો, બળવાન બનો
👉 અન્ય લોકોના આધ્યાત્મિક પ્રગતિની ઇર્ષ્યા ન અનુભવો


નોંધ: ઉપરનો લેખ એઇલીન કેડી લિખિત ‘ઓપનીંગ ડોર્સ વીધીન(Opening Doors Within)’ લેવામાં આવ્યો છે જે એક વાર્ષિક ડાયરી/રોજનીશી સ્વરૂપના પુસ્તકમાંનું એક પાનું છે.

પુસ્તકમાં તમારા રોજિંદા આધ્યાત્મિક વિકાસ અને ઉન્નતિ માટે સરળ અને સચોટ શૈલીમાં અપાયેલાં વ્યાવહારિક અને પ્રેરક માર્ગદર્શનનાં વિશેષ સૂચનોનો સંગ્રહ છે.

તમે ઇચ્છો તો દિવસની શરૂઆત તે દિવસ માટેનું સૂચન વાંચીને કરી શકો અને તે રીતે તમારા આવનારા દિવસ માટેનું સર્વાંગી માર્ગદર્શન મેળવી શકો કે પછી સવારે ચા-નાસ્તો કરતી વખતે પરિવારના સભ્યો વારાફરતી તેને વાંચે તેવું ગોઠવી શકો અથવા રોજ સવારના નિયમિત ધ્યાનના પાયા તરીકે જે તે દિવસના સૂચનનું વાચન કરી શકો અને રાત્રે વીતેલા દિવસનું મૂલ્યાંકન કરવા ફરી તે જ સૂચનની મદદ લઈ શકો.

તમે તમારી પસંદગી અને ઇચ્છા મુજબ આ સૂચનોનો ઉપયોગ ભલે કરો, પણ એ સૂચનોને તમારી ચેતના સાથે વણતા જાઓ. આજે, કાલે અને દરરોજ. આ વર્ષે, આવતા વર્ષે, હંમેશાં - જ્યાં સુધી તે સૂચનો તમારા અસ્તિત્વનો અંશ બની તમારામાં આત્મસાત્‌ ન બની જાય. જ્યાં સુધી તે અંતરના દ્વાર ખોલવાનું મૌન, મૃદુ અને પ્રેમપૂર્ણ કાર્ય પૂરું ન કરી લે ત્યાં સુધી.

[ભાવાનુવાદ : ઉઘડયાં દ્રાર અંતરના - સોનલ પરીખ, પ્રકાશક : આર.આર.શેઠ એન્ડ કંપની પ્રા.લી., ખાનપુર, અમદાવાદ]