દવાઓ લેવાથી બુદ્ધિમાં વધારો થાય?

ડૉ. સી. કે. સિનોજીયા

| 4 Minute Read

માનવની ઉત્પત્તિ વાનરમાંથી થઈ. વાનરમાં બુદ્ધિ આવી એટલે તે માનવ થયો. આ બંને તારણોનો સરવાળો એવો થાય કે બુદ્ધિ પશુને માનવમાં રૂપાંતરિત કરે છે. પરંતુ વત્તે-ઓછે અંશે જેનામાં બુદ્ધિ છે એવા માનવની બુદ્ધિમાં ઈજાફો થાય તો તે શું બને ? મહામાનવ બને ? આઈન્સ્ટાઈન બને ? “આઈન્ટસ્ટાઈન બનવું છે ?” એવો સવાલ અમદાવાદના ઓછવલાલને પૂછવામાં આવે કે રાજકોટના રમણિકભાઈને પૂછવામાં આવે તો તે હકારમાં માથું હલાવે. પરંતુ સવાલ સવા લાખનો એ આવે કે બુદ્ધિ આવે ક્યાંથી ? દવાઓ લેવાથી બુદ્ધિમાં વધારો થઈ શકે ?

જી ના. દવાઓ લેવાથી બુદ્ધિમાં લગીરેય વધારો ન થઈ શકે. મગજને શક્તિ અને તંદુસ્તી આપતા ઔષધો અને દવાઓ શોધાયા જરૂર છે પણ તેની કાર્યશક્તિ અને પરિણામ વિશે મગજમાં ઊતરે એવાં તારણો મેળવવાં બાકી છે. બુદ્ધિશક્તિ વધારનાર દવાઓ લઈ કોઈ વિધાર્થી બોર્ડમાં પ્રથમ આવ્યો હોય એવું ક્યાંય સાંભળ્યું નથી. જો દવાઓ લેવાથી બુદ્ધિ વધતી હોય તો માત્ર શ્રીમંત નબીરાઓ જ મોંઘામાં મોંઘી દવાઓનું સેવન કરી બુદ્ધિનો ઈજારો લઈ બેસે. પરંતુ આવું નથી, આપણા સાંભળવા, વાંચવામાં તો એવું પણ આવે છે કે મીલ મજૂરનો પુત્ર કે શાકવાળીની દીકરી પણ અભ્યાસમાં સારા પરિણામો લાવી શકે છે.

કહે છે કે બદામ ખાવાથી બુદ્ધિ વધે છે. પણ અનુભવ એવો છે કે બદામના ભાવ જરૂર વધતા જાય છે પણ બુદ્ધિમાં કોઈ ઊભરો આવતો નથી. કેટલાક ભાગ્યશાળી આખી જિંદગી બદામ આરોગે છે પણ એમાંના કેટલાકને બુદ્ધિ સાથે બાર ગાઉનું છેટું રહે છે. બદામપાક ખાનાર વ્યક્તિ તે આરોગતી વખતે સ્વાદ ઉપરાંત શ્રીમંતાઈને પણ વાગોળે છે અને બુદ્ધિ જરૂર વધશે એવાં દીવાસ્વપ્નોમાં પણ ક્યારેક રાચે છે. ખીસાંને પરવડે તો બદામપાક જરૂર ખાવો અને ખવડાવવો. પણ બુદ્ધિ વધ્યાનો દાવો ન કરવો.

બદામ ઉપરાંત આયુર્વેદમાં બ્રાહ્મી અને શંખપુષ્પીને મગજની કાર્યશક્તિ, યાદશક્તિ અને બુદ્ધિ વધારનાર ઔષધો તરીકે મૂલવવામાં આવે છે. બજારમાં છુટથી વેચાય પણ છે. એલોપથી માં પણ કેટલાંક તત્ત્વો ધરાવનાર દવાઓને બુદ્ધિ વધારનાર દવાઓ તરીકે ઓળખમાં આવે છે, પણ એ વાતમાં કાંઈ માલ નથી. જો દવાઓથી બુદ્ધિ વધતી હોય તો આપણી સરકાર સસ્તા અનાજની દુકાનમાંથી ઘઉં, ખાંડની વહેંચણી સાથે આવી દવાઓનું વિતરણ શા માટે ન કરે ?

તો પછી બુદ્ધિશાળીઓમાં બુદ્ધિ આવી ક્યાંથી ? શા માટે અમુક તમુક વિધાર્થીઓ જ I.A.S., M.B.A કે C.A. થાય છે. હજુ યુવાનીમાં પ્રથમ કદમ મૂકનાર આંતરરાષ્ટ્રીય-ચેસ ગ્રાન્ડ માસ્ટર-વિશ્વનાથન આનંદમાં આટલી બધી બુદ્ધિ ક્યાંથી આવી હશે ? શા માટે અમુક કમનસીબ વિધાર્થીઓ પાંચ પાંચ પ્રયત્નો પછી પણ S.S.C ની વાડ કુદી શક્તા નથી ?

મહદ્‌અંશે બુદ્ધિ દાદા, પરદાદા, માતા- પિતા તરફથી વારસામાં મળે છે. એટલે તો કહેવત પડી હશે કે બાપ તેવા બેટા અને વડ તેવા ટેટા. બુદ્ધિના બારદાન કહી પુત્રને વગોવનાર માતા-પિતાએ પોતાની બુદ્ધિનું માપ પણ કઢાવી લેવું જોઈએ. એમ સમજોને કે આશરે ૭૦% બુદ્ધિ વારસામાં મળે છે. અને બાકીની ખોટ વાતાવરણ દ્વારા મગજનું ઘડતર કરી ભરપાઈ કરી શકાય છે. આમ, બુદ્ધિ એ વારસો અને વાતાવરણનું સંયુક્ત પરિણામ છે.

બુદ્ધિને દવાઓના ડોઝથી વધારી ન શકાય પરંતુ વાંચન, લેખન, શ્રવણ, મનન જેવા કાર્યો દ્વારા એને કસોટીની એરણ પર ચઢાવી ધારદાર જરૂર બનાવી શકાય.

અને હા, તમે જાણતા હશો તો પણ જાણી લો કે બુદ્ધિ માપવાના આંકને I.Q.(આઈ .ક્યુ.) કહે છે.

[સાભાર : આરોગ્યની આસપાસ, ડૉ.સી.કે.સિનોજીયા-મોરબી]