ધર્મ અને વિજ્ઞાન

બી.એમ.દવે

| 8 Minute Read

બર્ટ્રાન્ડ રસેલે ધર્મ અને વિજ્ઞાનની વ્યાખ્યા આપતાં કહ્યું છે કે,

વિજ્ઞાન એ વસ્તુ છે, જે તમે જાણો છો. ધર્મ એ વસ્તુ છે જેને તમે નથી જાણતા.

વિજ્ઞાન ક્યારેય કહેતું નથી કે આ જ સત્ય છે, ધર્મ હંમેશા કહે છે કે આ જ સત્ય છે.

૧૯૧૪માં મહાન વિજ્ઞાની ડૉ. આલ્બર્ટ આઈનસ્ટાઈને ન્યુયોર્કમાં આપેલાં પોતાનાં એક પ્રવચનમાં ઉચ્ચારેલું વાક્ય એક ગૃહિત બની ગયું છે,

ધર્મ વિનાનું વિજ્ઞાન લંગડું છે, અને વિજ્ઞાન વગરનો ધર્મ આંધળો છે.

ધાર્મિક એ વિચારક છે, જ્યારે વૈજ્ઞાનિક એ કારક છે.

વિજ્ઞાન અને ધર્મની માન્યતાઓ સ્પષ્ટ કરતું એક ઉદાહરણ જોઈએ. રાતના અંધારામાં એક વિમાન ઉડી રહ્યું છે. જમીન ઉપરથી સર્ચ લાઈટના શેરડામાં તેને શોધવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.

આકાશમાં વિમાન ઊડી રહ્યું છે તે સાબિત કરવા માટે બે બાબતો અનિવાર્ય છે. પહેલી બાબત એ કે વિમાન હોવું જોઈએ અને બીજી બાબત એ કે જ્યાં પ્રકાશ ફેંકાય તેના તેજલિસોટામાં જ વિમાન હોવું જોઈએ. વિજ્ઞાન આ સૃષ્ટિનું રહસ્ય પામવા મથે છે તે લગભગ આવું જ છે. જે બાબતો માપી શકાય તેવી નથી તે વિજ્ઞાનની શોધમાંથી છટકી જાય છે. જે દ્રશ્યમાન જગત છે તે પણ અદ્રશ્ય જગતને અનુસરે છે. પ્રોટોન રોકડી બાબત ગણાય, પણ પ્રોટોન ફોટોનમાંથી પેદા થાય છે અને ફોટોન અદ્રવ્ય (નોન-મેટર) છે જે અદ્રશ્ય છે.

હ્યુસ્ટન સ્મિથ કહે છે,

ભગવાન એક એવો ગોળો છે, જેનું કેન્દ્ર બધે છે, પણ પરિધ કયાંય નથી .

ન્યુયોર્ક એકેડમી ઓફ સાયન્સના ભૂતપૂર્વ અધ્યક્ષ એ ક્રેસી મોરિસને જિંદગીભર વિજ્ઞાનની ઉચ્ચ કોટીની સંશોધનપ્રવૃત્તિ કર્યા બાદ ઈશ્વરનાં અસ્તિત્વ વિષે તાર્કિક અને વૈજ્ઞાનિક સાબિતીઓ સાથેની થિયરી રજુ કરી છે. જેનાથી વિજ્ઞાન અને અધ્યાત્મ વચ્ચે અસમંજસ અનુભવતું વિશ્વ ચોંકી ઊઠયુ છે. મોરિસન કહે છે કે ગણિતના નિયમોથી આપણે એ સાબિત કરી શકીએ છીએ કે આપણાં બ્રહ્માંડની ડિઝાઈન કોઈ મહાન ઈજનેરી બુદ્ધિ દ્વારા જ કરવામાં આવી છે. માત્ર યોગાનુયોગથી જ સમગ્ર બ્રહ્માંડની ગતિવિધિઓ આટલી ચોકસાઈથી ચાલી શકે નહીં.

પશુ, પ્રાણીઓની ન સમજાય તેવી જીવનશૈલી કોણ નિયંત્રિત કરે છે. તે પ્રશ્નો જવાબ વિજ્ઞાન પાસે નથી. આપણું સૂક્ષ્મ આનુવંશિક વૈજ્ઞાનિક ઘટક (DNA) જેમાં જીવનની સમગ્ર જાણકારી છુપાયેલ હોય છે તેનો પાર પામી શકાય તેમ નથી. કુદરતમાં જે સુવ્યવસ્થા છે તે જોતાં વિજ્ઞાન પણ તેમ માનવા લાચાર થઈ ગયું છે કે કોઈ પ્રખર પ્રજ્ઞા દ્વારા જ આવી કુશળ અને ગૂઢ રચનાની કલ્પના તથા નિર્માણ થઈ શકે.

વિજ્ઞાન પ્રયોગો દ્વારા આ ગૂઢ રહસ્યો ઉકેલવા મથે છે, જ્યારે ધર્મ પ્રજ્ઞા દ્વારા આ રહસ્ય ઉકેલવા મથે છે. બન્ને એકબીજાના પૂરક થઈને મથામણ ચાલુ રાખે તો વધુ ને વધુ રહસ્યો બન્ને ક્ષેત્રો ઉકેલતા જશે તેમાં કોઈ શંકા નથી. વિજ્ઞાન ક્ષેત્રની સરખામણીમાં ધાર્મિક પ્રગતિ ઓછી થયેલ છે, કારણ કે ધર્મમાં વિજ્ઞાન જેટલું ખુલ્લાપણું નથી. શોધ થાય અને જુના ખ્યાલો ખોટા સાબિત થાય ત્યારે નવા શોધાયેલા ખ્યાલોને સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો સ્વીકારી લે છે અને કોઈ વિવાદ થતો નથી. જ્યારે ધાર્મિક ક્ષેત્રે આમ થઇ શકાતું નથી.

પોત-પોતાનાં શાસ્ત્રોમાં લખાયેલ તથ્યોમાં ફેરવિચારણાને બિલકુલ અવકાશ નથી. પરિણામે ધાર્મિક દુનિયામાં જડપણું વધારે દેખાય છે. તેમ જ અલગ અલગ ધર્મોમાં વિસંગતતા અને વિરોધાભાસ પણ જણાય છે. ધાર્મિક ક્ષેત્રના ધુરંધરો રામાયણમાં ઉલ્લેખિત પુષ્પક વિમાનની કથાઓ ગાવામાં મશગૂલ રહ્યાં જ્યારે રાઈટ બ્રધર્સ નામના વિજ્ઞાનીઓએ ખરેખર વિમાનની શોધ કરી દુનિયાને આકાશમાં ઊડતી કરી દીધી છે. ધર્મ અને વિજ્ઞાનનો આ મોટો તફાવત છે.

ટુંકમાં કહી શકાય કે વિજ્ઞાન જડજગતની રચના અને ક્રિયાપદ્ધતિ ઉપર સંશોધન કરી આગળ વધે છે, જ્યારે ધર્મ ચેતન જગતનાં રહસ્યો પામવા મથામણ કરે છે. આપણું શરીર પણ જડ અને ચેતનનો સમન્વય છે. વિજ્ઞાન એ શોધવાની દિશામાં અગ્રેસર છે કે માણસનું મૃત્યુ શાથી થાય છે અને તેને કેવી રીતે અટકાવી શકાય ? જ્યારે આધ્યાત્મ એ દિશામાં દોરી જાય છે કે ભૌતિક શરીરના ત્યાગ પછી સૂક્ષ્મ શરીરની ગતિ કેવી થાય છે ? મહાન દાર્શનિક એચ. કેશેલિંગે પોતાના પુસ્તક સાયન્સ એન્ડ રિલીજીયનમાં ભવિષ્યવાણી કરી છે કે આગામી સદીમાં ધર્મ અને વિજ્ઞાનને એકબીજાનાં અભિન્ન અંગ માનવામાં આવશે.

આઈનસ્ટાઈન, ન્યુટન અને ગેલિલિયો જેવા મહાન વૈજ્ઞાનિકોને પણ સ્વીકારવું પડ્યું છે કૈ આ બ્રહ્માંડમાં ફક્ત પદાર્થનું જ અસ્તિત્વ નથી કૈટલાક ભાવનાત્મક અને માનસિક સત્યોનું પણ અસ્તિત્વ છે અને વૈજ્ઞાનિક દષ્ટિકોણથી આ તથ્યોની સ્પષ્ટતા થવી જરૂરી છે. મહાન વિજ્ઞાની ને પ્રિસ્ટન યુનિવર્સિટીમાં પોતાના એક પોતાનો અનુભવ રજુ કરતાં જણાવ્યું કે,

સંસારમાં જ્ઞાન અને વિશ્વાસ એમ બે વસ્તુઓ છે, જ્ઞાનને વિજ્ઞાન કહીશું અને વિશ્વાસને ધર્મ કહીશું.

બ્રિટિશ વૈજ્ઞાનિક સર જેમ્સ જીન્સ પોતાના પુસ્તક ફિઝીક્સ એન્ડ ફિલોસોફી છાતી ઠોકીને જાહેર ક્યું છે કે,

વિજ્ઞાન અને ધર્મના પરસ્પરનો ઝઘડો હવે મરી ચૂક્યો છે. જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારીને બન્નેની સીમારેખાઓ મિટાવી દીધી છે.

મેડિકલ સાયન્સમાં એટલી પ્રગતિ થયેલ છે કે લોકો એમ કહેતાં ફરે છે કે ડૉક્ટર મનુષ્યમાં જીવ નાખી શક્તા નથી, બાકી પૂરી મહેનત શક્ય બની છે. એક ઉદાહરણ દદ્વારા મેડિકલ સાયન્સની પ્રગતિ અને મર્યાદા સમજીએ.

કોઈ શહેરની મોટી હોસ્પિટલમાં હૃદયરોગ વિભાગના આઈ.સી.સી.યુ. વિભાગમાં ર૪ કલાકમાં ૧૦ હૃદયરોગના હુમલાનો ભોગ બનેલા દર્દીઓ દાખલ થાય છે. તમામ દર્દીઓ એક સરખી ગંભીર હાલતમાં હોય છે. તમામને એક જ સરખી સારવાર આપવામાં આવે છે. છતાં આ પૈકીના આઠ દર્દી ધારો કે બચી જાય છે અને બે દર્દી મરી જાય છે આ સંજોગોમાં આઠ દર્દી કેવી રીતે બચી શક્યા અને બે દર્દી કેમ ન બચી શક્યા તેનાં કારણો મેડિલ સાયન્સ પાસે નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યાં વિજ્ઞાનની હદ પૂરી થાય છે ત્યાંથી આધ્યાત્મની હદ શરૂ થાય છે.

ધર્મં અને વિજ્ઞાન વિષે ઓશો શ્રી રજનીશજીના વિચારો ધ્યાનાકર્ષક છે. તેઓ કહે છે, “વિશ્વમાં થયેલ મહાન વૈજ્ઞાનિકોની શોધખોળ એ સામૂહિક અને સર્વસ્વીકાર્ય છે. વિજ્ઞાન પ્રગતિ કરી શક્યું છે કારણ કે દરેક વૈજ્ઞાનિકોની માન્યતા અનુસરનાર અલગ-અલગ ટોળીઓ નથી બની આવી ટોળીઓ બની હોત અને એક બીજા વૈજ્ઞાનિકોની શોધોનો અસ્વીકાર કર્યો હોત તો વિજ્ઞાનની શી હાલત થઈ હોત ? પણ તેમ થયું નથી. વૈજ્ઞાનિકોએ જે કાંઈ પ્રદાન કર્યું છે તે સહુની સહિયારી માલિકી છે અને સર્વસ્વીકાર્ય છે. ધર્મની બાબતમાં કમનસીબે આવું ન બની શક્યું. કારણ કે ધાર્મિક મહાપુરુષોની અલગ-અલગ ટોળીઓ બની ગઈ જે એકબીજાની માન્યતાઓનો સ્વીકાર કરવાને બદલે વિરોધ કરવા લાગી. દુનિયામાં આવી ત્રણસો જેટલી ટોળીઓ હયાત છે, તેથી સાચો ધર્મ કેવી રીતે પેદા થઈ શકે ? કાશ! આ બધી ટોળીઓ વિખેરાઈ જાય !”

શ્રી ઓશોનો બળાપો કેટલો પ્રસ્તુત અને વ્યાજબી છે. વિજ્ઞાનની સરખામણીમાં ધર્મનો વિકાસ ઓછો થઈ શક્યો અને વિજ્ઞાન જેટલી માન્યતા તથા અધિકૃતતા ન મળી શકી તેનું કારણ આ જ છે. ધાર્મિકતાનો વિકાસ પણ વૈજ્ઞાનિક રીતે થવો જોઈતો હતો પણ તેમ ન થઈ શક્યું કારણ કે વિજ્ઞાનનાં ક્ષેત્રમાં જેવી સૈદ્ધાંતિક સ્વીકૃતિ મળી શકી તેટલી ધાર્મિક ક્ષેત્રમાં ન મળી શકી, ઉપરાંત અલગ-અલગ ધર્મોની માન્યતાઓ અને સિદ્ધાંતો વચ્ચે ટકરાવ થતો રહ્યો અને ખેંચતાણ તથા એકબીજા વચ્ચે વિરોધાભાસનું વાતાવરણ સ્થપાય ગયું.

[સાભાર: અંધશ્રધ્યાની આંધી, લેખક: બી.એમ.દવે]