ધરમીને ઘેર ધાડ

મહેશ દવે

| 2 Minute Read

બાંગ્લાદેશમાં બે-ત્રણ જાણીતાં નામોમાં યૂનુસ મોહમ્મદનું નામ. ડૉ. મોહમ્મદ યૂનુસ બહુ ગરીબીમાં ઉછર્યા. ભણવામાં પહેલેથી જ તેજસ્વી. અભ્યાસ પૂરો કરી પી.એચ.ડી. થયા. બાંગ્લાદેશની ગરીબીએ તેમને અકળાવી મૂક્યા. કેટલીય સ્ત્રીઓ રોજના પચાસ પૈસા જ કમાતી. એમની સંવેદના સળવળી ઊઠી : મારા યુનિવર્સિટીના અભ્યાક્રમમાં હું લાખો અને અબજો રૂપિયાની વાતો કરું છું. પરંતુ અહીં મારી આંખો સામે જીવન ને મોતનો પ્રશ્ર પયાસ પૈસાની આસપારા ફરે છે.

પચાસ પૈસે કામ કરતી બહેનોને યૂનુસે સૌ પહેલાં ૮૫ર રૂપિયાની લોન અપાવી. સ્વરોજગારમાં વાળી. પછી ધિરાણ કરવા કૃષિબેન્ક સ્થાપી. સરકારે ધિરાણ આપવા મૂડીની મદદ કરી. ધિરાણથી મહિલાઓની આમદની વધી. તેઓ લીધેલું ધિરાણ ચુકવવામાં બહુ નિષ્ઠાવાન હોય છે. મહિલા ધિરાણમાંથી ૯૮.૮૫ જેટલી વસુલાત થતી હતી. આપણે ત્યાં તો મોટી મોટી કંપનીઓ કરોડો રૂપિયાનું ધિરાણ લઈ ડૂબી જાય છે, ધિરાણ લેનારા તરી જાય છે.

યૂનુસની ગ્રામીણ બેન્કોની યોજના વિકસી. અત્યારે ત્રણ હજારથી વધુ ગ્રામીણ બેન્કો બોત્તેર હજારથી વધુ ગામોમાં ચાલે છે. એ બેન્ક આઠ લાખથી વધુ ગરીબ ગ્રામજનો અને મહિલાઓને ધિરાણ આપે છે. લઘુ ઉધોગો અને સ્વરોજગારનો સારો વિકાસ થયો છે.

દોઢસોથી વધુ દેશોએ યૂનુસનો પ્રયોગ સ્વીકાર્યો છે. યૂનુસને શાંતિ માટેનું નોબેલ ઈનામ મળ્યું. બાંગ્લાદેશમાં નોબેલ પુરસ્તકાર મેળવનાર કદાચ એ એકલા જ હશે. પુરસ્કારના પૈસા એમણે ગરીબો મોટેની યોજનામાં વાપર્યા. એ વંચિતોના વાણોતર કહેવાયા.

બાંગ્લાદેશની સરકારે કદર કરવાને બદલે યૂનુસને ગ્રામીણ બેન્કના મેનેજિંગ ડિરેકટરના પદ પરથી બરતફ કર્યા છે ! કોઈ ગેરરીતિ કે ભ્રષ્ટાચાર માટે તેમને બરતરફ નથી કર્યા. દેશમાં ખુબ ભ્રષ્ટાચાર હતો તેથી યુનૂસે ૨૦૦૭માં એક નવો પક્ષ સ્થાપવાની વાત છેડેલી. જોકે પછી બે-ચાર મહિનામા જ એમણે વાત સંકેલી દીધેલી. પરંતુ બાંગ્લાદેશનાં વડાશેખ હસીના (વડા પ્રધાન) અને ખાલીદા ઝિયા (વિરોધ પક્ષના નેતા) બંનેને યૂનુસની કદાચ બીક પણ લાગી હશે. એટલે યૂનુસની નિમણૂક વખતે કેન્દ્રીય બેન્કની મંજુરી લીધી નહોતી એવા ટેક્નિકલ કારણે તેમને બરતરફ કર્યા ! બરતરફી સામેની યૂનુસની અપીલ પણ કોર્ટોએ કાઢી નાખી છે.

આમ દરેક દેશનુ પ્રસ્‍થાપિત શાસન (establihment) સ્વતંત્ર વિચારકોને સાંખી શકતુ નથી, એ ચીનના લીયુ હોય, બર્માના સાન કુઈ હોય કે ભારતના વિનાયક સેન હોય.

[“પાંદડે પાંદડે પ્રકાશ” માંથી સાભાર, સંક્ષેપ અને સંકલન: મહેશ દવે, પ્રકાશક : ગુર્જર સાહિત્ય પ્રકાશન, અમદાવાદ]