દીકરી વિદાય એ કરુણમંગલ ઘટના છે

ભીખુદાન ગઢવી

| 11 Minute Read

એક કવિ એક ગામના પાદરથી નીકળે છે ત્યારે એક ઘેઘુર વડલાની વડવાઈઓ પકડીને થોડી દીકરીયું હીંચકે છે… હવે મારો વારો… હવે મારો વારો… એમ વઢવેડ કરે છે. તે ચિત્ર જોઈને કવિને આનંદ આવે છે. વાહ ! કેવી નિર્દોષ દીકરીયું રમે છે.

પણ થોડાં વરસો પછી તે કવિ એ જ રસ્તેથી ફરી વાર નીકળે છે તો એ ચિત્ર માંયલું કાંઈ નથી. નથી દીકરી દેખાતી કે નથી વઢવેડ દેખાતી… ઘેઘૂર લાગતો વડલો આજ સૂનો લાગે છે, સાવ ઝાંખો લાગે છે એટલે કવિ વડલાને પૂછે છે કે

હે વડલા, વારાકાજ વઢતીયું, જે દીમાં દશ વારડ કીસે ગયું કે વાર, ઈ નીલા નાગલા વાળીયું ?

હે વડલા, તારા છાયે રમતી હતી તે બધી દીકરીયું કઈ દિશામાં ગઈ એ તો કહે ?

વડલો શું જવાબ આપે. એને પણ અવસ્થા આવી ગઈ છે.

આપણી ભારતી સંસ્કૃતિમાં સમર્પણ છે, ત્યાગ છે. અને એવું જો કોઈ ત્યાગનું પાત્ર હોય તો તે દીકરી છે…

આપણે ત્યાં એમ કહેવાય છે કે પોતાના ઘરમાં દીવો કરે એને દીકરો કહેવાય અને બીજાના ઘરે જઈ દિવો કરે એને દીકરી કહેવાય.

દીકરો બે કુળને તારે છે - બાપના કુળને અને મોસાળના કુળને… અને દીકરી ત્રણ કુળને તારે છે - બાપના, સાસરાના અને મોસાળના.

જેનું જીવન જ સંપૂર્ણ ત્યાગથી શોભતું હોય છે એને ત્યાગમાં આનંદ આવે છે. અને આનંદ આવે એને જ ત્યાગ કહેવાય. એટલે તો કીધું છે કે દીકરીવિદાયનો પ્રસંગ એ મંગલ કરુણ પ્રસંગ છે. એ કરુણામાં મંગલ છે.

એટલે તો દિકરીવિદાયનો પ્રસંગ તો ભલભલાને રડાવે એવો છે. જેની મૂછે લીંબુ લટકતાં હોય, તલવારની અણીએ જેની આંખનો ખૂણો ભીનો ન થાય એવા મર્દો દીકરીવિદાયના પ્રસંગે ભાંગીને ભૂકો થઈ જાય છે. અને એ પ્રસંગો આપણે જોયા છે. ઈતિહાસના અસંખ્ય દાખલા છે.

“ઈશરા સો પરમેશ્વરા” એ ઈસરદાનજી, જેણે “હરિરસ” ગ્રંથ લખ્યો, જેના પાઠ કરવાથી ભવોભવનાં પાપ નાશ પામે એવા ભક્તકવિ, એમના જીવનમાં જ્યારે દીકરીવિદાયનો પ્રસંગ આવ્યો ત્યારે તે હલી ગયા, ડગી ગયા. એટલું જ નહિં પણ વિદાય થતી વખતે દીકરીબા એક દુહો બોલ્યાં કે -

વડ જૂનો વાડી તણો, વળુક હશે કે વાવ
હૈયડા કરમાં હડકયો, કે ફીર સચાણ આવ.

દીકરીબાને મારવાડમાં દીધેલાં, પણ સચાણાના પાદરમાં આ શબ્દો સાંભળીને દીકરીને ગાડામાંથી નીચે ઉતારી લીધાં અને ગરાસ આપ્યો. અને બોલ્યા કે જો દીકરી વિદાય થાશે તો હું જીવી નહીં શકું.

જુઓ, આ દીકરી વહાલનો દરિયો કહેવાય અને ભાઈ, દીકરીને જેટલું અપાય એટલું આપજો. ન આપી શકો તો આસું પાડીને આંસુનો કરિયાવર કરજો. પણ દીકરીનો પૈસો લેવાય નહીં.

અરે ! ભારતના કણ્વઋષિ પણ શકૂંતલાની વિદાય વખતે રોઈ પડ્યા હતા. એમણે તો સંસારના ત્રાગડા તોડી નાખ્યા હતા અને એ તો પાલક પિતા હતા, વૈરાગી હતા. છતાં શંકુતલાની વિદાય વખતે એમનું હૈયું હાથ રહ્યું નથી. તે ધ્રુસકે રોઈ પડ્યા છે. કારણ કે દિકરી તેમના માટે વહાલનો દરિયો હતી.

કહેવાય છે કે પિતાનો અઢળક પ્રેમ અને માતાનું નિર્મળ વહાલ એ ભેળું થઈને આકાશમાં ચડે અને એની વાદળી બંધાય અને એ વાદળી અનરાધાર વરસે એનું નામ દીકરી.

જેના જીવનમાં ઊંડે ઊંડે - સાતમે પાતાળ પણ અપેક્ષા નથી. અને જેના જીવનમાં સમર્પણના અને ત્યાગના તરંગો ઊછળે છે, ગમે તેવી મૂશ્કે્લીમાં અને પ્રલય જેવા દુઃખમાં પણ જે મર્યાદા મૂકતી નથી એવો વહાલનો દરિયો એટલે દીકરી…

બાપને દીકરા વહાલા જ હોય પણ દીકરી ઉપર વધારે પ્રેમ હોય છે તેનું કારણ હોય, તો એ કે એનો ત્યાગ…

મારે એક પુત્ર ભરત અને ત્રણ દીકરીઓ : અંજના, મીના અને હીરલ.

દીકરીઓ પ્રત્યેની લાગણીઓનું વર્ણન કેમ કરવું ? મોટી બે દીકરીઓ સાસરે છે. સુખી છે. પણ તેઓને સાસરે વળાવી નહોતી એ પહેલાં અમારાથી એક દિવસ પણ અળગી નથી રહી. એકપણ દિવસ અમારાથી ક્યાંય જુદી રહી નથી. અમારે ઘરે થી બહારગામ જઈને રાત રોકાઈ હોઈ એવો એક દિવસ મને યાદ આવતો નથી. મારે કાર્યક્રમો માટે દેશ - પરદેશ જવું પડે દુબઈ, અબુધાબી, મસ્ક્ત વગેરે સ્થળોએ ચાર વખત ગયો છું. પણ આઠ દિવસથી વધારે ક્યાંય રોકાયો નથી. મને તુરંત ઘર અને દીકરીઓ જ યાદ આવે. મારા આ સ્વભાવની મને ખબર પડી પછી લંડન કે અમેરિકા હું ક્યારેય ગયો નથી. ઘણા ઓર્ગેનાઈઝરો કહે કે લંડન આવો, અમેરિકા આવો. લ્યો આ કોરા ચેકમાં તમે રકમ ભરી લ્યો. પણ મારી શરત એ હોય કે પાસપોર્ટ અને ટિકિટ મારી પાસે રહેવા દો તો જ આવું. મારા માટે આઠ દિવસ બાળકોથી દુર રહેવાનું બહુ થઈ પડે. એક વખત દુબઈમાં આઠ દિવસ થઈ ગયા. ત્યાં દિનેશભાઈ કરીને મારા એક મિત્ર હતા. મેં એમને કહ્યું મને ટિકિટ લાવી આપો. મારે હવે કાર્યક્રમો નથી કરવા. ટિકિટ નહીં લાવી આપો તો હું બાળકની માફક રડી પડીશ.

જે દિકરીઓ માટે હું ભાગીને ઘરે આવતો હતો, એ દિકરીઓને સાસરે વળાવી છે. સદ્નસીબે એક દીકરી હમણાં મારા જ ગામ જૂનાગઢમાં રહેવા આવી છે, અને બીજી દીકરી જામનગરમાં છે. પણ દીકરીઓને સાસરે વળાવ્યા પછી હું સ્ટેજ પર કાળજા કેરો… ગાઈ શક્તો નથી.

આ કરુણા છે અને કરુણાની પાછળ મંગળ છે. દીકરીઓના સૌભાગ્યનું મંગળ. દીકરીઓનાં સાસરિયાંમાંથી મને કોઈ જ્યારે કહે કે દીકરીઓને ખૂબ સંસ્કાર આપ્યા છે, ત્યારે હું ખૂબ રાજી થાઉં. એ દીકરીઓ હવે સાસરેથી આવે ત્યારે ખૂણામાં સુટકેસ મૂકે અને મારું મન થોડા વિષાદ સાથે વિચારે ચડે, જે દીકરીઓ આ ઘરથી બે ઘડી દૂર જાય તો અકળાઈ જતી હતી તે હવે મહેમાન તરીકે આવે છે. પણ જગતનો આ નિયમ છે. દીકરીઓ એમના ઘરે સુખી હોય તો માવતરને એનાથી મોટું સુખ બીજું ક્યું હોઈ શકે ? છતાં આજે હું દીકરીઓના ઘરે જાઉં તો દીકરીઓ માથે સાડીનો છેડો ઓઢીને ઊભેલી હોય તે હું જોઈ નથી શક્તો. હું એના ઘરેથી વિદાય થાઉં ત્યારે એ આવજો… એમ બોલી ન શકે, દીકરી આવજે… એમ હું બોલી ન શકું. મારી દીકરી પછી એની રૂમમાં જઈને રડે…

મને એક ગામડાંના એંસી વરસના બુઢ્ઢા બાપાએ કીધું કે ભાઈ, દીકરી વિદાયને વખતે બાપના ઘરમાં લાજ શું કામ કાઢે છે ? હજી તો એના બાપનું ઘર છે, તો લાજનો ઘૂંઘટો કાઢવાનું કારણ શું ?

મેં કીધું કે મને ખબર નથી. અને પછી તે વૃદ્ધ બાપાએ જવાબ આપ્યો. આ મારા અનુભવની વાત કરું છું.

બાપાએ જવાબ આપ્યો કે જુઓ ભાઈ, એક તો દીકરી જીવનમાં પહેલી વાર ગણેશની પાસે લાજનો ઘૂંઘટો તાણે છે. અને ગણેશને પ્રાર્થના કરે છે કે, હે ગણેશ, હે સૂંઢાળા હું તારી પાસે પહેલી વાર લાજનો ઘૂંઘટો તાણું છું હવે તું એ ઘુંઘટાની લાજ રાખજે. આ કાયામાંથી જીવ જાશે, પણ મારા કુળની લાજ નહિં જાવા દઉં.

અને પછી બાપા બોલ્યા પણ રોઈ પડ્યા. ભાઈ દિકરીને હવે બાપનું ઘર છોડવું અને વિદાય વખતે, ઘર છોડતી વખતે, બાપના ઘરમાં, ભાઈના ભર્યાભાદર્યા ઘરમાં એની ક્યાંય નજર ન લાગી જાય એટલે તે લાજનો ઘૂમટો તાણે છે.

આવું જેનું ત્યાગભરેલું જીવન છે - અને એ દીકરી જ્યારે વિદાય થાય ત્યારે રૂડાં-રૂડાં લગ્નગીતો ગવાય છે -

ઊંચી પડથારેથી કેસર ઊમટયાં
રથ વેલ્યુ હાલ રે ઉતાવળી
વેલ્યમાં બેસીને બેનીબા હાલ્યાં
દાદાજી આવ્યા છે. વળાવવા.

આખું વાતાવરણ કરુણ થઈ જાય છે.

બેને મેલ્યા ઢીંગલા, મેલ્યા પોતીયા,
બેને મેલ્યો છે સૈયરું નો સાથ,
પરણીને હાલ્યાં સાસરે…

બેન તું ઘરના રખોલા રૂડા રાખજે
બેન તું વધારજે તારાં સાસરિયાંનાં માન
પરણીને હાલ્યાં સાસરે…

દીકરી વિદાય વખતે ખૂબ જ રડે છે. અને આપણને એમ થાય કે આંખનાં આંસુ સુખનાં છે કે દુઃખનાં ? પણ આંસુ સુખનાં નથી અને દુઃખનાં પણ નથી. તો એ આંસુડાં ક્યાં છે ?

તમે જોજે આપણી ઓસરીમાં કોઈ રંગારો રંગ પૂરતો હોય તે ચિત્ર જોજો. તે એક ઝાડનું થડ કરે, પછી ડાળીઓ કરે, અને પછી પાંદડાં કરે. તમે જોજો રંગ બદલતી વખતે વાટકો ને પીંછી બેય ધોઈ નાખે છે. એમ દીકરીને પણ આજ રંગ બદલવાનો વખત આવ્યો છે. રંગારો જો રંગ બદલતી વખતે વાટકો ને પીંછી બેય જો ધોતો હોય તો દીકરીને પણ આજ રંગ બદલાવવાનો વખત આવ્યો છે. રંગારો રંગ બદલતી વખતે વાટકો ને પીંછી બેય ધોતો હોય તો દીકરી એની જિંદગીનો રંગ બદલતી વખતે કાળજું કેમ ન ધુએ ? આંસુડે તે કાળજાં વીછળી નાખે છે. અત્યાર સુધી એને પિયરના રંગ પુરાણા છે. મારો બાપ.. મારી મા… મારો ભાઈ… મારી બહેન… જે પિયરના રંગ પુરાણા છે તેને આંસુડાથી ધોઈ નાખે છે.

એ દિકરી વહાલનો દરિયો કહેવાય. જે દરિયો ભેદભાવ નથી રાખતો. જેમ દરિયો કોઈ અપેક્ષા નથી રાખતો એમ દીકરીના વહાલનો દરિયો પણ અપેક્ષા નથી રાખતો. જેમ દરિયો મર્યાદા નથી મૂક્તો તેમ દીકરીના વહાલનો દરિયો પણ મર્યાદા નથી મૂકતો.

દીકરીના વહાલનો દરિયો દુનિયાના દરિયાથી વધારે ચડિયાતો છે, કારણ કે જળભર્યા દરિયામાં ભરતી-ઓટ આવે છે, જ્યારે દીકરીના વહાલના દરિયામાં ભરતી આવે છે, પણ ઓટ નથી આવતી.

દિકરી નાની હોય કે મોટી, પિયરમાં હોય કે સાસરામાં હોય, બધી અવસ્થામાં બધા સંજોગોમાં - જેના જીવનમાં કોઈ ફરક પડે નહિં તેને વહાલ કહેવાય કહેવાય છે. અને આવું વહાલ દીકરીમાં છલોછલ ભર્યું હોય તેથી તેને વહાલનો દરિયો કહેવામાં આવે છે.

[દિકરી વહાલનો દરિયો, લેખક: ભીખુદાન ગઢવી]