દીકરીનું લગ્ન એટલે નદીને પાનેતર પહેરાવવાની ક્ષણો

અંકિત ત્રિવેદી

| 5 Minute Read

ત્રણ પ્રકારની મોસમનો મિજાજ હવામાં વર્તાય છે. એક લગ્નથી ગાળો રાખનારાઓની મોસમ! બીજી લગ્નને ગાળો દેનારાઓની મોસમ અને ત્રીજી ખરેખર લગ્નવાળાની મોસમ! લગ્ન હવે તો કોર્પોરેટ ઈવેન્ટ કક્ષાનાં બની ગયાં છે. બધું જ હાઈ-ફાઈ અને હાઈ-ટેક પર્સનાલિટીનું લગ્નને ખપે છે. સાદાઈથી કરવાનાં લગ્નનો આંકડો પણ લાખોના આંકડાને ઓળંગે છે. લગ્નસમયે બધાનું બધામાં ધ્યાન હોય છે, પણ દીકરીની મનઃસ્થિતિની ખબર કોઈને પડતી નથી.

ઘરનો ઊંબરો ઓળંગવો જેના માટે રમત વાત હતી, આજે એ જ ઊંબરો દીકરી પાસે હિસાબ માગે છે. સારું ઘર મળ્યાનું સુખ ચોક્ક્સ છે એની પાસે, પણ એની પાનીમાં જે રમતું’તું એ ઘર છોડવાનો પ્રસંગ છે. સંબંધમાં અને સગપણમાં ફેર હોય છે. સંબંધ અપેક્ષા રાખે છે અને સગપણ ઉપરથી લખાઈને આવેલું હોય છે. સગપણમાં કશું જ હોતું નથી, સિવાય કે અન્નજળ! અનાયાસે બંધાતી મિત્રતા અન્નજળના સંતોષનો મુકામ છે. સંબંધ અને સગપણનો સેતુ છે ઋણાનુબંધ! લગ્નનો પ્રસંગ દીકરી માટે ઋણાનુબંધના ત્રકણસ્વીકારનો પ્રસંગ છે. એક ઘરના ઋણાનુબંધને અકબંધ રાખવાનું છે. અને બીજા ઘરના ઋણાનુબંધને અપનાવવાનું છે.

કંકોતરીમાં પોતાનાં નામ પછીના કૌંસમાં લખેલું નામ કદાચ છેલ્લી જ વાર પોતાની આઇડેન્ટીટી બતાવી રહ્યું છે. હવે નામની પાછળ બદલાતાં નામ અને બદલાતી અટક સાથે વાતાવરણ બદલાવવાનું છે. દીકરીઓ એટલે જ મોટી ના થવી જોઈએ. દીકરીઓ કુંડામાં ઊગેલો છોડ નથી, આખેઆખો હરતો-ફરતો બગીચો છે. એની સુગંધનું સરનામું પિતાની આંખોમાં વંચાય છે અને એનો પિનકોડ નંબર લાગણી છે. કાલ સુધી એણે જે ફળિયામાં રંગોળી પૂરી હતી, તોરણ બાંધ્યાં હતાં, પપ્પાના ચંપલમાં પોતાના પગ નાખીને ફરતી હતી, દોરડા કૂદતી હતી… કદાચ આ બધી જ ઘટનાઓના કારણે ફળિયું - ફળિયું લાગતું હતું. દીકરી ખબર ન પડે એમ એને પગની પાનીમાં સંતાડીને લઈ જાય છે. આંખ સામે મેચ્યોર થતી દીકરીને ખબર છે કે જે ઘરમાં મારો જન્મ થયો છે તે ઘર પણ મારું નથી એટલે જ એ અધિકારપૂર્વક બધું માગતી ફરે છે અને એનો પ્રિયતમ એને જાન સાથે લેવા આવ્યો છે એ પણ એનું નથી એટલે જ એ કશું પણ માગતા સંકોયાય છે. સંબંધોના આ ગણિતને કોણ સમજાવી શક્યું છે? ગઈ કાલ સુધી ઘરમાં આવેલા મહેમાનને પાણી આપતી દીકરી એક દિવસ ઘરના મહેમાનની જેમ આવે છે. પપ્પાનું પાણી આંખોનું પાણી ન બને તો બીજું શું થાય?

દીકરી કોઈને કશું જ કહેવા માગતી ત્યારે પહેલા ઘરના પાણિયારે જાતે જઈને સ્ટીલના જુના ગ્લાસમાં પાણી પીવે છે. હજુ પણ એને ઘરના કોઈક ખૂણેથી બાળપણ મળી આવે છે. હજુ પણ એને પપ્પાની આંગળી ઝાલીને ફરવાનું મન થતું હોય છે. સી.ડી. પ્લેયરના મોટા અવાજમાં હીંચકા ખાવાનું મન એને આજે પણ થાય છે, પણ હવે એ દિકરીની સાથે સાથે પત્ની બની છે. ગઈ કાલ સુધી જે દરેક ઈચ્છાઓ પુરી કરાવીને ઝંપતી હતી, આજે એ ઈચ્છાઓ પર કાબુ મેળવતા શીખી ગઈ છે, કારણ કે દીકરી કોઈને કશું જ કહેવા માગતી નથી!

લગ્નના દિવસોમાં ચાલી રહેલી તડામાર તૈયારીઓની વચ્ચે ઘરઝુરાપાનો વિરહ દીકરીના સૂક્ષ્મ સંવેદનમાં ઘુંટાતો રહે છે. રસોડામાં હવેથી મમ્મીને વારેઘડીએ હેરાન કરવા નથી જઈ શકાતું કારણ કે રસોડામાં સાસુ હોય છે. પ્રત્યેક ડૂમો ડૂસકું બનવાની રેસમાં ઊતરે છે. સુકાઈ ગયેલા આંસુનું માપ લિટરમાં નથી નીકળતું! પિતા પાસેથી નાની નાની હથેળીઓ પર હાથ મુકીને નસીબ અજમાવવાના દિવસો છુ થઈ જાય છે! પોતાના જ ઘરમાં મહેમાન બનીને આવવાનું જેટલું દીકરી માટે અઘરું છે એટલું જ મહેમાન બનીને આવતી દીકરીને પોતાની સગી આંખોએ જોવાનું પણ અઘરું છે. ધબકારા બોલી નથી શકતાં ત્યારે રડી પડે છે. લગ્ન પછી રોજ એક વાર દીકરીનો અવાજ સાંભળવાની આદત એમનેમ થોડી પડે છે?

ભૂતકાળને ભુલી જવા માટે બીજાને વિનંતી કરવાની હોય છે, પણ પોતાની જાતને સમજાવા જતાં કરગરવું જ પડે છે. દીકરીનો ભુતકાળ સાસરામાં સંસ્કારોનું જતન કરતો વારસો બની જાય છે.

દીકરીની ઉંમર વધતી જાય છે એની ચર્ચા કરીએ છીએ, પણ એનું બાળપણ ગુમાઈ રહ્યું છે એનો ગમ નથી કરતાં. દીકરી ગોર કે વ્રતપૂજા કરે છે એટલા દિવસો જ એના પોતાના દિવસો છે, પછી તો પરંપરાને આગળ વધારવામાં જીવન ખર્ચી નાખવાનું હોય છે! એટલે જ દીકરી પાસે પતિની આબરૂ અને પિતાની ઈજ્જત હોય છે.

દીકરો ખુબ થાકીને ઘરે આવ્યો હશે અને ગમે તેટલો મોટો હશે પણ એનો બાપ એને અડધી રાત્રે ઉઠાડીને કામે મોકલશે… એ જ આશયથી કે દીકરો તો કાલે ફરીથી નિરાંતે ઊંઘી જશે, પણ દીકરી ઊંઘતી હશે તો પિતા એને ઉઠાડવાની હિંમત નહીં કરે! કદાય આ ઊંઘ ફરી ક્યારેય ન આવે તો? દીકરો પરણાવતી વખતે બાપ હોય એના કરતાં વધારે જુવાન બની જાય છે… પણ દીકરી પરણાવતી વખતે એ અચાનક જ ઘરડો લાગવા માંડે છે. દીકરીનું લગ્ન એટલે નદીને પાનેતર પહેરાવવાની ક્ષણો….

[સાભાર: ઓફબીટ - અંકિત ત્રિવેદી]