ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્‌

ચંન્દ્રમૌલી વિધાલંકાર

| 2 Minute Read

એક પ્રીતિ ભોજન વખતે અંગ્રેજોની પ્રશંસા કરતા એક અંગ્રેજે કહ્યું : “પરમાત્મા અંગ્રેજો પ્રત્યે પ્રેમ રાખે છે. આથી ઈશ્વરે અમારું નિર્માણ યત્નપૂર્વક અને સ્નેહથી કરેલ છે, આથી અમે લોકો ગોરા છીએ.”

આ પ્રીતિ ભોજનમાં ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન્‌ ઉપસ્થિત હતા. એમને આવી વાત ન ગમી. આથી એમણે ઉપસ્થિત મિત્રોને સંબોધી એક મનમાં ઘડી કાઢેલ કિસ્સો કહ્યો.

“મિત્રો, એકવાર ઈશ્વરને રોટલી બનાવવાનું મન થયું. એણે પ્રથમ જે રોટલી બનાવી એ બરાબર શેકાઈ નહિં. આ રોટલી એટલે આ અંગ્રેજો છે. બીજી રોટલી કાચી ન રહી જાય માટે ભગવાને એને વધારે વાર શેકી તો વધારે પડતી શેકાઈ ગઈ, કાળી પડી ગઈ. આ કાળી રોટલી એટલે નીગ્રો છે, પણ પછી ભગવાને સાવચેત બની ગયા અને સારી રીતે રોટલી પકાવવા લાગ્યા. એ વખતે જે રોટલી પાકી એ ન તો કાચી હતી, ન તો પાકી-સખત હતી. બરાબર પ્રમાણસર શેકાઈ હતી. આપણે ભારતીયો આ પ્રમાણસર શેકાયેલી રોટલી છીએ.”

આ કિસ્સો સાંભળી પેલા અંગ્રેજનું માથું શરમથી નમી પડ્યું અને બાકીના લોકો ખડખડાટ હસવા લાગ્યા.

૦-૦-૦-૦-૦-૦-૦-૦

રાજ્યસભામાં પ્રશ્નોત્તરકાળ દરમ્યાન પ્રથમ સવાલ પૂછ્યો સીતા પરમાનંદે, બીજો સવાલ પૂછ્યો સાવિત્રીદેવીએ અને ત્રીજો સવાલ પૂછ્યો પાર્વતીદેવીએ.

રાજ્યસભાના અધ્યક્ષ ડૉ.રાધાકૃષ્ણન્‌ ને વિનોદ કરવાનું મન થયું. સ્મિત કરીને એ બોલ્યા : “વાહ ! આજે આપણી વચ્ચે સીતા, સાવિત્રી, પાર્વતી ઉપસ્થિત છે. રાજયસભા ધન્ય બની ગઈ!”

“હા, જી, અધ્યક્ષ મહોધ્ય !”, મહાવીર ત્યાગી ઊભા થઈ બોલ્યા : “માત્ર આટલું જ નહિં, સાક્ષાત રાધાકૃષ્ણ પણ આપણી વચ્ચે વિધમાન છે.”

ત્યાગીજીના આ કટાક્ષથી સ્વયં રાધાકૃષ્ણન્‌ પણ હસી પડ્યા.

[“૧૦૧ પ્રેરણાદાયી પ્રસંગો” માંથી સાભાર, લેખક : ચંન્દ્રમૌલી વિધાલંકાર]

જીવન ઉપયોગી પ્રેરણાદાયી પ્રસંગોનું દષ્ટાંત સાથે વિગત…

[પ્રકાશક : પ્રવિણ પ્રકાશન, ઢેબર રોડ, રાજકોટ]