દુ:ખ એ માણસના મનની ઊપજ છે

રાજ ભાસ્કર

| 2 Minute Read

એક ભાઈને મનમાં એવો વહેમ પેસી ગયેલો કે એ બિલાડી ગળી ગયા છે. પરિવારજનોએ એમને ખૂબ સમજાવ્યા કે, એ રીતે બિલાડી ગળાય જ નહીં. આ તમારો માનસિક રોગ છે. પણ ભાઈ કોઈ કાળે માનવા તૈયાર નહોતા. આખો દિવસ બૂમો પાડ્યા કરતાં કે હું બિલાડી ગળી ગયો છું. અને મને ખૂબ પેટમાં દુઃખે છે.

કંટાળીને સ્વજનો એમને એક મનોચિકિત્સક પાસે લઈ ગયા. મનોચિકિત્સકે એમના મનનો વહેમ કાઢવા માટે ખૂબ પ્રયત્ન કર્યો. રોજ કલાકો સુધી સિટિંગ કરતા પણ ભાઈનો વહેમ કોઈ રીતે નીકળતો નહીં. બિલાડી ગળી જવાની એમની બૂમો ચાલુ જ હતી.

છેવટે સ્વજનોએ એક યોજના કરી અને એમને સમજાવ્યા કે તમે ચિંતા ના કરો આપણે એક સારા સર્જન પાસે જઈને તમારૂં ઓપરેશન કરાવીને બિલાડી કઢાવી નાખીશું.

બીજા દિવસે સર્જન પાસે પહોંચ્યા. સર્જન એમને ઓપરેશન રૂમમાં લઈ ગયા. એનેસ્થેસિયા આપી બેભાન બનાવ્યા. ત્રણ ક્લાક પછી એ ભાનમાં આવ્યા એટલે ડોકટરે કહ્યું, “અભિનંદન ભાઈ, તમારૂં ઓપરેશન સફળ થયું છે.” પછી એમને એક બિલાડી બતાવી અને બોલ્યા, “જુઓ આ બિલાડી અમે તમારા પેટમાંથી કાઢી છે. હવે તમને પેટમાં કોઈ દુખાવો નહીં થાય. આનંદથી જિંદગી જીવો.”

પેલા ભાઈ થોડીવાર તો ખુશ થઈ ગયા.

પણ પછી ડોકટરના હાથમાં રહેલી બિલાડીને તાકીને જોઈ રહ્યા. થોડીવારે કાંઈક યાદ આવતા એ રાડ પાડીને બોલી ઊઠ્યા, “ડોકટરસાહેબ, તમારી ભૂલ થાય છે. હું તો કાળી બિલાડી ગળી ગયો હતો આ તો ધોળી બિલાડી છે.” અને પોક મૂકીને રડી પડ્યા.

અંતે ડોકટરે પણ સ્વજનોને કહી દીધું, “આમને ઘેર લઈ જાવ. આમના દુ:ખનો કોઈ ઈલાજ નથી.”

આપણું પણ આવું જ છે. આપણે જયારે દુઃખી જ થવું હોય છે ત્યારે એનો કોઈ ઈલાજ નથી હોતો. માણસ જયારે દુ:ખી થવાની હઠ પકડીને બેસી જાય છે ત્યારે ઈશ્વર પણ એને બચાવી શક્તો નથી.

દુ:ખ એ માણસના મનની ઊપજ છે.

[રાજ ભાસ્કર લિખિત “દુઃખ - મુકામપોસ્ટ અસંતોષ” માંથી સાભાર. પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર, ગાંધીરોડ, જૈન દેરાસર સામે, અમદાવાદ]