દુઃખમાંથી સુખ શોધવાની કાળા

રાજ ભાસ્કર

| 2 Minute Read

એક મોટા મંદિરમાં રોજ સત્સંગ ભરાતો. ઠેરઠેરથી મહિલાઓ આવતી. દરરરોજ આવતી એક મહિલા થોડા દિવસથી બહુ દુઃખી જણાતી હતી. સ્વામીજીએ એની ઉદાસી પારખી લઈ પૂછ્યુ, “બહેન કેમ હમણાં હમણાંથી બહુ દુઃખી અને ઉદાસ રહો છો?”

મહિલાએ ઢીલા અવાજે કહું, “સ્વામીજી હું મારા પતિથી ખૂબ દુઃખી છું.”

“કેમ કોઈ આડા અવળા રસ્તે ચડી ગયા છે ?”

“ના, એવું નથી. પણ એ કોઈ દિવસ મંદિરે નથી જતા કે કોઈ સત્સંગમાં પણ નથી બેસતા એટલા માટે હું દુઃખી છું. એ રોજ મને મંદિરે મૂક્વા આવે છે. હું રોજ એમને કહું છું કે ચાલો ભગવાનના દર્શન કરી લો, સત્સંગ સાંભળી લો. તો કહે છે કે ના મને એમાં રસ નથી. હું અહીંયાં જ ઊભો છું!”

“કાંઈ વાંધો નહીં બહેન. એમની ઈચ્છા નહીં હોય એટલે નહીં આવતા હોય. એમાં દુઃખી નહીં થવાનું.”

“દુ:ખની વાત છે અને દુખી નહીં થવાનું એ તો કેમ બને ? એમની આ હરકતોથી મારૂં જીવન બગડી ગયું છે. આવું કરશે તો ભગવાન રૂઠી જશે.”

એ સ્રી વાત કરતા કરતા રડવા લાગી એટલે સ્વામીજીએ એને સમજાવ્યું, “બહેન સાચું કહું તો જેને તું દુઃખ કહે છે એ દુઃખ છે જ નહીં. તું તારી વિચારવાની રીત બદલી દે. પોઝિટિવ વિચાર કર. પતિ મંદિરે નથી આવતો, સત્સંગમાં નથી બેસતો એ વાતનું દુઃખ લગાડવાને બદલે તું એ વિચાર કે એને મંદિરમાં નથી ગમતું, સત્સંગ નથી ગમતો છતાં એ તને આ બધું કરવા દે છે. એટલું જ નહીં પણ એ રોજ તને સ્કુટર લઈને મૂકવા પણ આવે છે. તારે તો ખુશ થવું જોઈએ. તું સત્સંગ કરી આરામથી જાય ત્યાં સુધી એ બિચારો ટાઢ, તાપ અને વરસાદમાં પણ તારી રાહ જોઈને ઊભો રહે છે. આ જ તો છે દુઃખમાંથી સુખ શોધવાની કલા. તમે કોઈ પણ દુ:ખને પોઝિટિવલી લેશો તો આપોઆપ દુઃખ માંથી સુખ ઊછળી પડશે.”

દુઃખ આપણી અક્ષમતાનું પરિણામ હોય છે.

[રાજ ભાસ્કર લિખિત “દુઃખ - મુકામપોસ્ટ અસંતોષ” માંથી સાભાર. પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર, ગાંધીરોડ, જૈન દેરાસર સામે, અમદાવાદ]