એક ગરીબ બાળકની પ્રાર્થનાચિઠ્ઠી

ડૉ. આઈ. કે. વીજળીવાળા

| 5 Minute Read

પ્રતિ,
શ્રી ભગવાનભાઈ ઈશ્વરભાઈ પરમાત્મા (શંખચક્રવાળા),
સ્વર્ગલોક, વાદળાની વચ્ચે,
મુ. આકાશ.

પ્રિય ભગવાન,
જયભારત સાથે જણાવવાનું કે, હું તારા ભવ્ય મંદિરથી થોડેક દુર આવેલી એક સરકારી શાળાના સાતમા ધોરણમાં ભણું છું. મારા પિતાજી દાણાપીઠમાં મજુરી કરે છે અને મારી મા રોજ પારકા ઘરનાં કામ કરવા જાય છે. હું શું કામ ભણું છું એની મારાં મા-બાપને કે મને પણ ખબર નથી. કદાચ શિષ્યવૃત્તિના પૈસા અને એક ટંકનું મફત જમવાનું નિશાળમાંથી મળે છે એટલે જ મારાં મા-બાપ મને રોજ નિશાળે ધકેલે છે. ભગવાન ! તને બે-ચાર સવાલો પૂછવા માટે જ આ પત્ર હું લખી રહયો છું. મારા સાહેબે કીધું હતું કે તું સાચી વાત જરૂર સાંભળે છે એટલે તને આ બધું પૂછી રહ્યો છું. તું જરૂર જવાબ આપજે.

પ્રશ્ન : ૧ હું રોજ સાંજે તારા મંદિરે આવું છું અને સવારે નિયમિત નિશાળે જાઉં છું. અમે તો તારા વહાલાં બાલુડાં છીએ. તો પણ હે ભગવાન, તારી ઉપર આરસપહાણનું મંદિર છે, એ.સી.છે અને મારી નિશાળમાં ઉપર છાપરું પણ કેમ નથી ? દર ચોમાસે પાણી પણ ટપકે છે. આ મને સમજાતું નથી. તું સમજાવજે.

પ્રશ્ન : ૨ હે ભગવાન ! તને રોજ બત્રીસ ભાતનાં પકવાન પીરસાય છે. ને તું તો એ ખાતોય નથી અને હું દરરોજ બપોરે મધ્યાહ્ન ભોજનના એક મુઠ્ઠી ભાતથી અડધો ભુખ્યો ઘરે જાઉં છું આવું કેમ ?

પ્રશ્ન : ૩ મારી નાની બહેનના ફાટેલા ફરાક પર કોઈ થીંગડુંય નથી મારતું અને તારે રોજ રોજ પચરંગી નવા નવા વાઘા ! સાચું કહું ભગવાન ? હું રોજ તને નહિં, તારા નવાં કપડાં જોવા જ તારા મંદિરે આવું છું !

પ્રશ્ન : ૪ તારા કોઈ પણ પ્રસંગે લાખો માણસો મંદિરે સમાતા નથી અને ૨૬ જાન્યુઆરી અને ૧૫મી ઓગસ્ટે જયારે હું બે મહિનાની મહેનતે તૈયાર કરેલું દેશભક્તિનું ગીત રજુ કરું છું ત્યારે સામે હોય છે માત્ર શિક્ષકો અને થોડાંક બાળકો ! હૈ પ્રભુ ! તારા મંદિરે જે સમાતાં નથી ઈ બધાય મારા મંદિરે કેમ ડોકાતાંય નથી ?

પ્રશ્ન : પ તને ખોટું લાગે તો ભલે લાગે, પણ મારા ગામમાં એક ફાઈવસ્ટાર હોટલ જેવું મંદિર છે, તે તારે ખરેખર એટલી બધી સગવડતા જોઈએ છે ? અને તારા મંદિર જેવી એક પ્રાથમિક શાળા પણ છે, પણ એમાં અમને ગરીબોનાં બાળકોને ભણવા ન મળે એમ બધા કહે છે. એવું શા માટે ? પ્રભુ ! મેં સાંભળ્યું છે કે તું તો અમારી બનાવેલી મૂર્તિ છો તોય આવી જળહળાટ છે અને અમે તો તારી બનાવેલી મૂર્તિઓ છીએ, તોય અમારા ચહેરા પર નૂર કેમ નથી ?

બસ, શક્ય હોય તો પાંચેય પ્રશ્નના જવાબ આપજે. મને વાર્ષિક પરીક્ષામાં ક્યાંક કામ લાગે !

ભગવાન, મારે ખુબ ભણવું છે. ડોક્ટર બનવું છે. પણ મારાં મા-બાપ પાસે ફી કે ટ્યુશનના પૈસા નથી. તું જો તારી એકાદ દિવસની દાનપેટી મને મોક્લેને તો હું આખી જિંદગી ભણી શકું. જોજે, આ વાત પર જરા વિચાર કરીને કહેજે. જોકે હું જાણું છું કે તારે પણ ઘણાયને પૂછવું પડે એમ છે! પરંતું આ વર્ષે સાતમા ધોરણની વાર્ષિક પરીક્ષા વખતે જો તું મારા પર ધ્યાન નહીં આપે તો મારા બાપુ મને સામેના ચા વાળાની હોટલે રોજના પાંચ રૂપિયાના ભવ્ય પગારથી નોકરીએ રાખી દેશે ! ને પછી આખી જિંદગી હું તારા શ્રીમંત ભક્તોને ચા પાઈશ, પણ હા ! તારી હારે તો કીટ્ટા જ કરી નાખીશ ! માટે જલદી કરજે ભગવાન, સમય બહુ ઓછો છે, તારી પાસે અને મારી પાસે પણ !

લિ.
સરકારી શાળાનો એક ગરીબ વિઘાર્થી અથવા ભારતના એક ભાવિ મજુરના વંદે માતરમ્‌ !

(એક ઈ-મેલ પરથી - થોડાક ફેરફારો સાથે)

[ડૉ. આઈ. કે. વીજળીવાળા સંપાદિત “પ્રેમનો પગરવ” માંથી સાભાર]


ઈશ્વર એ પ્રેમનું સ્વરૂપ છે. સારા વિચારો, ઘટનાઓ તેમજ પ્રસંગો એ આવા, પ્રેમના અવતરણના પ્રતીકરૂપ હોય છે. એ અદ્દભુત પ્રેમના પગલાં આપણા દિલમાં થાય એ તો આપણા જીવનની ધન્ય ક્ષણો કહેવાય. પ્રેમના આગમન પૂર્વે સંભળાતો એના આવવાનો અવાજ - પગરવ આપણને ઈશ્વરના આગમનનો સંકેત આપે છે. “પ્રેમનો પગરવ” ઈશ્વર પ્રત્યે તેમજ એક માનવીની માનવી પરત્વેની ફરજ, પ્રેમ, સંવેદનાનું સાદું નિરૂપણમાત્ર છે. એનો ઉદ્દેશ દરેક હદયમાં પ્રેમનો આવો જ પગરવ સંભળાય એટલો જ છે.

અહી આલેખાયેલ પ્રસંગ ઇમેલ પરથી લીધેલ છે. હું આશા રાખું છું કે આ પ્રસંગો દરેક માનવીના મનમાં એવી જ સંવેદના જન્માવે જેવી વાતોના પાત્રોનાં હૃદયમાં ઉદ્દભવી છે અને એવી જ કોઈ સંવેદનાની સીડી, પરથી ઊતરીને ઈશ્વર આપણા દરેકના હૃદયમાં આગમન કરે ! — ડૉ. આઈ. કે. વીજળીવાળા