મને એક ક્લાક આપશો ?

શાંતીલાલ ડગલી

| 2 Minute Read

હમણાં એક પ્રસંગકથા વાંચી. એ પ્રસંગ અમેરિકાનો છે. ત્યાં વેતન ક્લાક પર હોય છે.

“ડેડી, તમને એક ક્લાકના કેટલા ડોલર મળે ?”, પપ્પા કામ પરથી રાતે ઘરે પાછા આવ્યા ત્યારે નાનકડા દીકરાએ અહોભાવથી દબાતા અવાજે પૂછ્યું.

દીકરાએ જે પૂછ્યું એથી પિતાને ઘણું આશ્ચર્ય થયું. તેમણે કડકાઈથી તેને કહ્યું, “જો, સની, તારી મમ્મીને પણ ખબર નથી કે મને શું મળે છે. મારું માથું ન ખા. હું થાકી ગયો છું.”

“પણ ડેડી મને આટલું તો કહોને ! તમને એક કલાકનું શું મળે છે ?” : દીકરાએ આગ્રહપૂર્વક આજીજી કરી.

અંતે ડેડીએ નમતું મૂક્યું, “કલાકના વીસ ડોલર.”

“ઓ. કે. ડેડી, તમે મને દસ ડોલર ઉછીના આપશો ?” : છોકરાએ પૂછ્યું.

આ સાંભળી ખરેખર પરેશાન થયેલા પિતાએ કંટાળો છુપાવ્યા વગર ઉંચા અવાજે કહ્યું : “તું આટલા માટે જ મને પૂછતો હતો ને કે મને શું મળે છે ? જા, સૂઈ જા. હવે મને વધારે હેરાન ન કર.”

પછી છોકરો તો સૂઈ જવા એની રૂમમાં ગયો.

રાતનું અંધારું ક્યારનુંય પથરાઈ ગયું હતું. પિતા સૂઈ જવા એમની રૂમમાં તો ગયા પણ એમણે છોકરાને જે કહ્યું હતું એ વિશે પડ્યા પડ્યા વિચારે ચડ્યા. છોકરાની લાગણી દુભાવ્યાનો પસ્તાવો થયો. છોકરાને કાંઈક લેવું હશે એટલે એણે પૈસા માગ્યા હશે !

પછી મનનો ભાર બળવો કરવા પિતા દિકરાની રૂમમાં ગયા અને પૂછ્યું : “બેટા, સૂઈ ગયો ?”

અરધી ઊંઘમાં છોકરાએ જવાબ આપ્યો : “ના, ડેડી. કેમ ?”

“લે આ દશ ડોલર, તારે એ જોઈતાતા ને ?” : પિતાએ કહ્યું.

“થેંકસ, ડેડી !” : આનંદમાં આવી ગયેલા છોકરાએ પછી એના ઓશીકા નીચે હાથ નાખી થોડા પૈસા કાઢયા અને પિતાને કહ્યું : “હવે મારી પાસે પૂરતા પૈસા થઈ ગયા - વીસ ડોલર”

દીકરા સામે એકીટશે જોઈ રહેલા પિતાને દીકરાનું કહેવું સમજાયું નહીં.

“ડેડી, લો આ વીસ ડોલર એના બદલામાં તમારો એક કલાક મને આપશો ?”

[શાંતીલાલ ડગલી સંપાદિત “સદ્ગુણ પ્રેરક પ્રસંગો” માંથી સાભાર]

હૃદયપ્રેરક પ્રસંગો - જે પ્રસંગોમાં સદ્ગુણ પ્રગટ થતો હોય તેવા પ્રસંગો

[પ્રકાશક : આર.આર.શેઠ એન્ડ કંપની પ્રા.લી., ખાનપુર, અમદાવાદ]