એક સાદી કસોટી

આઈ. કે. વીજળીવાળા

| 2 Minute Read

તમને હું થોડાક સવાલો પૂછવા માગું છું. તરત જ જવાબ આપવાની કોશિશ કરજો.

૧. ૧૯૮૪ની સાલના દુનિયાના ૩ સૌથી ધનવાન માણસોનાં નામ આપો.
૨. ૧૯૭૭નું નોબેલ પ્રાઈઝ મળ્યું હોય તેવી ૩ વ્યક્તિઓનાં નામ આપો.
૩. ૧૯૮૦ની ઓલિમ્પિક રમતોમાં સુવર્ણચંદ્રક જીતનાર ત્રણ એથ્લેટ્સનાં વિજેતાઓનાં નામ આપો.
૪. હિમાલયન કાર રેલીના ૩ વિજેતાઓનાં નામ આપો.
૫. ગુજરાતી સાહિત્યપરિષદનું પ્રથમ પારિતોષિક મેળવનાર પાંચ જણનાં નામ આપો.

કાં ?!! કેમ લાગ્યું ?

જુઓ, આ બધા કોઈ સામાન્ય માણસો નથી જ ! પોતપોતામા ક્ષેત્રમાં માહિર અને પ્રથમ ક્રમની વ્યક્તિઓ છે આ બધી. સર્વશ્રેષ્ઠ તેમજ ઉત્તમ ! છતાં આપણને એ લોકો આટલાં થોડા વર્ષો બાદ યાદ પણ નથી રહેતાં.

તાળીઓના ગડગડાટ તો શમી જ જતા હોય છે. ઈનામો, એવોર્ડ્ઝ કે પ્રમાણપત્રો પણ એમના મેળવનારની સાથે જ ક્યારે આપણી સ્મૃતિમાંથી અતીતમાં સરી જાય છે તેનો ખ્યાલ પણ નથી આવતો.

હવે આ કસોટીના બીજો ભાગ જોઈ એ. નીચેના પ્રશ્રો ઉકેલવાનો પ્રયત્ન કરીએ :

૧. એવા ૩ શિક્ષકોનાં નામ આપો જેણે તમને નિશાળ કે કોલેજકાળ દરમિયાન ખૂબ જ હુંફ આપી હોય કે આગળ વધવાની પ્રેરણા આપી હોય.
૨. એવા ૩ મિત્રોનાં નામ આપો જેમણે કપરા સંજોગોમાં તમને સાથ, સહારો તેમજ હૈયાધારણ આપી હોય.
૩. તમારા સાચા રાહબર બન્યા હોય તેવા ૩ વડીલોનાં નામ આપો.
૪. પ્રશંસા કે કદરના શબ્દોથી તમારું દિલ જીતી લીધું હોય તેવી ૩ વ્યક્તિઓનાં નામ આપો.
પ. જેમની સાથે સમય પસાર કરવાનું તમે પસંદ કરતા હો તેવી ૩ વ્યક્તિઓનાં નામ આપો !

કાં ?! હવે કેવું લાગ્યું ? અત્યંત સહેલું ને ?

કહેવાનું તાત્પર્ય એ જ કે આપણા જીવનમાં જેમની કાળજીથી, હૂંફથી નિખાર આવ્યો હોય તેમને આપણે અજાણપણે જ આપણા હૃદયમાં કાયમી સ્થાન આપી દીધું હોય છે. આપણા દિલ માટે તો સાચા એવોર્ડ વિનર્સ એ લોકો જ હોય છે. દુનિયા એમને જાણતી હોય કે નહિં. પરંતુ આપણું હૃદય તો જીવનપર્યત એમને યાદ રાખે છે !!!

(મુળ શીર્ષક : Little Perspective)

[ડૉ. આઈ. કે. વીજળીવાળા સંપાદિત “મોતીચારો” માંથી સાભાર]