એક સમર્પિત દંપતીની તપસ્યા

વિશ્વનીડમ્‌

| 4 Minute Read

જ્યાં પ્રકાશનું કિરણ પહોંચવાની સંભાવના ન દેખાતી હોય ત્યાં તન, મન, ધનથી ધૂણી ધખાવી, જ્ઞાનનો દીપક પ્રગટાવી, સમાજને પ્રકાશિત કરવાનું ભગીરથ કાર્ય કરી રહેલ દંપતી એટલે “રેહાના-જીતુ” ની જોડી. પૃથ્વી છે તેના કરતાં વધારે સુંદર બનાવવા માટે પ્રભુ પસંદ કરેલા ફરિસ્તાઓ મારફત આ કાર્ય કરે છે.

અશિક્ષા, અંધશ્રધ્ધા અને દારૂ જેવી અનેક બદીઓથી ખદબદતી ગોબરી, ગંધાતી ઝુંપડપટ્ટી પાસેથી પસાર થતાં આપણે નાકનું ટેરવું ચડાવવા કે ઉપદેશાત્મક બે ચાર વાક્યો બોલવાથી વિશેષ ન કરતાં હોઈએ ત્યાં પોતાના બાળકોથી પણ વિશેષ હુંફ અને વહાલનું વાવેતર કરી વિકટ-અતિવિકટ અને વિપરિત સંજોગોમાં ઝુંપડપટ્ટીના બાળકોના જીવનમાં જ્ઞાનનો દીપ પ્રગટાવી તેના જીવનને વિકાસના રાહ પર મુકવાનું કાર્ય પ્રશંસનીય અને અભિનંદનીય ગણાય. આ યુગ્મનું સમપર્ણ તો જુઓ કે આ કાર્ય માટે પોતાના સંતાનને જન્મ ન આપવાની ભીષ્મ પ્રતિજ્ઞા લીધી !!! અને સાચા અર્થમાં અનેક ભુલકાંઓના મા-બાપ બની ગયા.

કહેવત છે કે “ગામ હોય ત્યાં ઉકરડો હોય.” પરંતુ રોજ-બરોજ નજરસામે દેખાતા ઉકરડાંને દુર કરવાની ખેવના કેટલાને? ઉલ્ટાનું આપણેતો ગંદકી હોય ત્યાં વધારે ગંદકી કરવાનું વલણ ધરાવીએ છીએ. પરંતુ સમાજના ઉકરડાંને દુર કરવાનો પર્યાય એટલે વિશ્વનીડમ્‌.

બાર વર્ષથી પોતાનું જીવન સમાજને સોપી, સમાજમાટે જીવવા પોતાના આનંદને પણ સમર્પિતકરી ઝુંપડપટ્ટીમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવવા મથતું “ઋષિયુગ્મ” એટલે “રેહાના જીતુ”

રાજકોટની ૧૪ જેટલી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં બાળકોમાં જ્ઞાનરૂપી પ્રકાશનો ફેલાવો થયો છે. લગભગ ૧૦૦૦થી વધુ ઝુંપડપટ્ટીના બાળકોને રાજકોટની સારી અને અગ્રિમ શાળામાં શિક્ષણના રવાડે ચડાવી આ બાળકોના જીવનને ઝળહળતું કરવાના નમ્ર અને નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો મિત્રો, સંસ્થાઓ અને સહૃદયીના સાથ સહકારથી આ દંપતી કરી રહયું છે. સમાજમાંથી ઝુંપડપટ્ટી અને તેની સાથે અભિન્ન રીતે જોડાયેલી બદીઓ દુર થવી જોઈએ તેવી ભાવનાથી આ બાળકોના મા-બાપ સાથે પણ સંવાદ સાધી ઝુંપડપટ્ટીમાં કુટુંનિયોજન, વ્યસનમુક્તિ જેવું પાયાનું કામ પણ થયુ છે અને થાય છે. ભીખ માંગવાનું બંધ કરી ઘણાં મા-બાપ રોજી-રોટી કમાતાં થયા છે.

“રેહાના - જીતુ” ની જોડીને સમાજ માટે કંઈક કરી છુટવાની પ્રેરણા સ્વામી આનંદ અને ગાંધીજી વચ્ચેનો પત્રવ્યવહાર વાંચવાથી મળી છે.

આ પૃથ્વીને વધારે ને વધારે સુંદર બનાવવા પાત્રની પસંદગી પ્રભુ કરે છે. આ પસંદગી પ્રભુ હસ્તક છે પરંતુ પ્રભુ દ્વારા પસંદ થયેલ પાત્રને સહયોગ આપવા દરેક વ્યક્તિ સ્વતંત્ર છે, તે પોતાની પસંદગી છે. જો આપણે આપણાં રોજ-બરોજના ખર્ચાઓની સમીક્ષા કરીશું તો અહેસાસ થશે કે રીત-રિવાજ, વહેવાર અને દેખાદેખીમાં આપણે કેટલાં બિનજરૂરી ખર્ચાઓ કરીએ છીએ. આ ફિજુલ ખર્ચનો સુક્ષ્મભાગ પણ આ સંસ્થાને સહયોગરૂપે આપી એ તો કાર્ય વધારે દીપી ઉઠે… કાર્ય ક્ષેત્ર વધારી શકાય. સ્વામીનારાયણ ભગવાને કહ્યું છે કે “કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા” આપણાં ફેલમાં રોટલાં ઉપરાંત અનેક બાળકોના જીવન- વિકાસની સંભાવના રહેલીછે. માટે અવિચારી - દેખાદેખીમાં થતાં ખર્ચા બંધકરી માત્ર રૂ.૪૦૦૦/-નો આર્થિક સહયોગ સંસ્થાને આપી એક બાળકને એક્વર્ષ માટે દત્તકલઈએ તો ઝાઝા હાથ રળિયામણાં ન્યાયે કેટલાં બાળકોનાં જીવનમાં પ્રકાશ ફેલાવી શકાય !!! કેવળ શ્વાસ લેવાથી જીવન ચાલતું નથી, શ્વાસ કાઢવો પણ પડે છે. એમ સંપત્તિ પ્રાપ્ત કરવાથી ન ચાલે દાન રૂપે આપવી પણ પડે છે.

નવાવર્ષ નિમિત્તે નવું વિચારીએ કારણ કે ફટાકડા બહુ ફોડ્યાં, મીઠાઈઓ બહુ ખાધી હવે સામાજીક કાર્યમાં સહયોગ કરીએ અને ઓછામાં ઓછા એક બાળકને દત્તકલઈ “રેહાના-જીતુ”ના ઋષિકાર્યમાં સહયોગ આપીએ… આનાથી વિશેષ સારો સંકલ્પ આજના દિવસે કયો હોઈ શકે?

** સંસ્થાની માહિતી :**

વિશ્વનીડમ્‌, હેપ્પી હોમ, મોટામૌવા સ્મશાન પાસે, કાલાવાડ રોડ રાજકોટ-પ

સંપર્ક :- ૯૮૨૫૬૩૪૫૦૧ / ૯૪૨૭૭૨૮૯૧૫ / ૦૨૮૧-૨૫૬૮૮૦

Email: vishwanidam@gmail.com

Web: www.vishwanidam.org

સંસ્થાને અપાતો આર્થિક સહયોગ ૮૦જી નીચે ૫૦% બાદ મળે છે.

નોંધ :- જીતુ રેહાના દ્વારા લખાયેલ “ચીથરે વીંટેલ ચિરાગ” પુસ્તક વાચવા જેવું છે. કિંમત રૂ।.૧૫૦/)