યે ભી એક દિવાલી

પ્રજ્ઞા મહેતા

| 6 Minute Read

થોડાં વર્ષો પહેલાં બેસતા વરસની એક સબરસી સવારે અમે “પાયલાગણ ને શુભેચ્છા રાઉન્ડ” માં નીકળ્યાં. નવા ખરીદેલા મકાનનો એક રૂમ ટૂંક સમય માટે એક કુટુંબને રહેવા માટે આપેલો તે વિસ્તારમાંથી નીકળ્યાં. થયું કે ચાલો, નવા મિત્રોને પણ મળતાં જઈએ. અમારી સીધી કોઈ ઓળખાણ નહોતી. કોઈ ત્રીજી વ્યક્તિ દ્વારા તેઓ અહીં આવીને રહેતાં હતાં. જતાવેંત પગ ઓટલા પર જ સ્થિર થઈ ગયા. એક માજી ખુરશીમાં બેઠેલા. ચાલીસેકના લાગતા એક ભાઈ તેમના વાળ ઓળી રહ્યા હતા. બાજુના ખાટલામાં કદાચ તે ભાઈના પિતાજી બિમાર હોય તેમ સૂતેલા હતા. બેસતા વરસની સવારે આ દશ્ય જોવાનું તો તદ્દન અનપેક્ષિત હતું.

અમને જોઈને તે ભાઈ કામ છોડીને હાથ જોડી હસતા મુખે આવકાર આપવા લાગ્યા. પણ અંદર જઈને બેસવું ક્યાં ! એટલામાં તેમણે જૂનાં જેવાં લાગતા બે આસન પાથરી દીધાં અને બહુ ભાવથી બેસવાનું કહ્યું. સિલ્કનાં પરિધાનોની નામરજી છતાં અમે બેસી ગયાં. તે ભાઈ પણ બેઠા કહે, “હમણાં જ હું મિલમાંથી આવ્યો, ચા-પાણી કર્યાં ને બાની મદદ માં પડ્યો”. તેમનાં બા પણ સંસ્કારી ને સોહામણાં, ચીંથરે વીંટયા રતન જેવાં દેખાતાં હતાં. એક હાથે પાટો હતો. તે ભાઈ કહે, “બાપુજીને તાવ આવ્યો છે. બા પાણીની ડોલ ઊંચકવા ગયા ત્યાં પડી ગયાં ને હાથ ભાંગ્યો, બીજા હાથે મહિનાથી લકવો તો થયેલો જ છે”. શું બોલવું ?

ત્યાં તેમના બાપુજી બેઠા થઈને બોલવા લાગ્યા, “સપરમે દહાડે તમારો સત્કાર નથી કરી શકતાં અમને માફ કરજો. પણ ભગવાને બધી મુસીબતો અમને જ આપી દીધી છે. આને લકવો અને ફેક્ચર, મને તાવ.. અને આ મારો છોકરો તો ગજા ઉપરનો શ્રમ કરે છે. રાતપાળી કરીને હમણાં જ આવ્યો છે.”

મારી નજર પેલા ભાઈની પ્રવૃતિ પર હતી. ધીમેથી ઉઠીને ખૂણામાં પડેલા કાટવાળા પતરાના ડબ્બાને ખોલી રહ્યા હતા. એમાંથી એમણે પાંચ - છ પડીકીઓ કાઢી. ખોલી ખોલીને જોતાં એકમાંથી તેમને ખાંડ મળી ! પચાસેક ગ્રામ જેટલી ખાંડમાંથી તેમણે અડધી ચમચી ભરી. અમારી પાસે આવીને હસતા ચહેરે કહે, “લો નવા વરસે મોં મીઠું કરો. તમારા જ દારમાં તમારું સ્વાગત… આજે તો આમ જ…”

અમે કહ્યું, “એમાં કંઈ નહિ, કોઈનાય બધા દિવસો સરખા નથી હોતા”.

આ સાંભળીને તેમનાં બાએ ધીમે ધીમે કરીને જે વાત કરી તેણે મનને દ્રવી કાઢ્યું. તે કહે અમારો મોટો દીકરો તો અમેરિકા છે. આ નાનાએ ભણતર અધૂરું મુકીને નોકરી કરી. મોટાના ભણતરનો બધો ખર્ચો એણે કર્યો. અમેરિકા જવાની મોટાએ જીદ કરી ત્યારે આણે મિલમાંથી લોન લઈને એને અમેરિકા મોકલ્યો. આજે દસ દસ વરસ થઈ ગયા, એ તો ત્યાં પરણીને ઠરીઠામ થઈ ગ્યો. ન એકે કાગળ કે ન ફોન. આ બિચારો હજી આટલાં વરસેય એના લોનના હપ્તાય ભરે છે ને ઘરેય ચલાવે છે. કારકુનીમાં જે મળે તે બધું લોનમાં જાય છે. આનું બાપડાનું ભણવું પરણવું કશુંય નહિ… મોટાએ કોઈનો વિચાર ન કર્યો. અમારે કંઈ અમેરિકા થોડું જવું છે ? પણ પોતાની લોન જો પોતે ભરતો હોત ને તોય સારું હતું. અમે બે ટંક ખાવા ભેગાં તો થાત ! કોને કહેવાનું આવું ઘરનું દુઃખ ? પેટે પાણો પાક્યો, બીજું શું ? એ રડવા લાગ્યાં. અમે પણ સ્તબ્ધ થઈ ગયાં.

“કંઈ વાંધો નહિ બા, તમારો આ દીકરો શ્રવણ જેવો છે એમ વિચારો ને ! ભગવાનનો પાડ માનો કે એ તમારું આટલું બધું ધ્યાન રાખે છે. ભગવાન જોતો જ હશે ને ? એમણે પોતાના ભાઈ માટે ને તમારે માટે જે કંઈ કર્યું એને…”

એટલામાં એ ભાઈ રૂમની બહાર ગયા. તો બા કહે, બેન આને શું પોતાના જીવન જેવું કંઈ નહિ હોય ? કોઈ દિ’ દુ:ખનો એક અક્ષર નથી બોલતો. હસતે મુખડે આ બધું સહન કર્યે જ જાય છે એ. એ તો મારો પાણીદાર હીરો છે બેન ભગવાન દરેક જન્મે મને બસ, આ જ દીકરો આપે !

મારી આંખમાં ઝળઝળિયાં આવ્યાં. એક દીકરાથી કકળતી મા બીજા દીકરા પર અંતરમાં અમી વરસાવી રહી હતી !

“શું બા તુંય ? સપરમે દાડે કેવી વાત લઈને બેઠી છે ? આંસુ લુછી નાખ. ચાલ હું સાહેબ માટે ચા બનાવું”. અમે તરત જ ઊઠ્યાં. એવું લાગ્યું કે એ લોકોની આવતી કાલ સવારની ચા અમે આજે પી જઈશું. ઉતાવળ હોવાનું કહી અમે નીકળી ગયાં. ફરીથી હસતે ચહેરે બહાર સુધી અમને તેમણે વળાવ્યાં.

આખો દિવસ સગાંવહાલાં ને મિત્રોના ઘરે ભેટસોગાદ, વૈભવ, ઠાઠમાઠ, ખાણીપીણીનો દોર ચાલ્યો. પણ એ બધાંની વચ્ચે આખો દિવસ ઊંડી બેચેનીમાં ગયો. હસતાં ચહેરે પા ચમચી ખાંડથી મીઠું મોં કરાવતા એ ભાઈનો ચહેરો ક્ષણે ક્ષણે યાદ આવતો હતો.

રાત્રે આ વિષે અમે ચર્ચા કરતાં હતાં ત્યારે મને લાગ્યું કે ગાઢ બેચેનીમાં પણ એક ઝીણી ઘુઘરી કંઈક અકથ્ય સુખની પણ વાગતી રહી હતી ! શું હતું એ ? વિચારતાં સમજાયું કે ઘરમાં પલાંઠી મારીને બેસી ગયેલી ગરીબીનો પણ સહજ રીતે સ્વીકાર કરીને, દીન હીનભાવથી નહિ, આત્મસન્માનપૂર્વક ને હસતે ચહેરે ગૌરવપૂર્વક જીવન જીવવાની આ રીત તો મેં પહેલી વાર જોઈ. બૂમો પાડીને નહિ, ધીરજપૂર્વક ને સંયમથી સહન કરતાં કરતાં જીવવું, સામાને ગરીબીનો ખ્યાલ આવી જ જાય છતાં લાચારીને ફરકવા ન દેવી અને સુખ તો જાણે કાલે હાથમાં આવ્યું સમજો…. એવી અપાર શ્રદ્ધાથી જીવવું - ખુબ ઘડે છે કિરતાર આવા માનવીઓને પણ !

દિવાળીના દિવસો શરૂ થાય ત્યારથી અને ખાસ તો દરેક બેસતા વર્ષે અંતરથી દુઆ નીકળે છે એ મનના તવંગર ભાઈ માટે કે જ્યાં હોય ત્યાં એ ખૂબ સુખમાં રહે ને કુટુંબને પણ સુખમા રાખે. આવા માનવો જ આ ધરતીના સાચા હીરા છે. જે માત્ર દિવાળીમાં જ નહિ, હંમેશાં યમકતા ને ઝળહળતા રહે છે ! માત્ર મીઠાશને જ નહિ, જીવનના સબ રસોને ઘુંટતી એ સવાર ખરેખર સ-લૂણી બની રહી.

[સાભાર: ડાયડીમાંથી , લેખક: પ્રજ્ઞા મહેતા]