એકાગ્ર મને મહેનત

નિલેશ મહેતા

| 2 Minute Read

ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન્‌ સંસ્કૃતના એક મહાન વિદ્ધાન હતા. ભારતમાં જ નહિ, વિદેશમાં પણ કેટલીક વિશ્વવિધ્યાલયોમાં તેઓ સંસ્કૃતના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી ચૂક્યા હતા!

તેમની વિદ્યાર્થી અવસ્થાનો એક બનાવ ખૂબ પ્રેરણાદાયક છે.

તેઓ જે શાળામાં અભ્યાસ કરતા હતા તે શાળાના અભ્યાસક્રમમાં સંસ્કૃતનો વિષય બધા વિદ્યાર્થીઓ માટે ફરજિયાત વિષય હતો. પણ રાધાકૃષ્ણન્‌ને સંસ્કૃતના વિષયમાં ખુબ કંટાળો આવે! વ્યાકરણનાં રૂપો ગોખતા રહે. પણ એકેય રૂપ મોઢે યાદ રહે નહિ! રાધાકૃષ્ણનને મનમાં થયા કરે આ તે કંઈ વિષય કહેવાય!

એક દિવસ રાતના સમયે તેઓ રૂપો ગોખવા એક રૂમમાં બેઠા હતા. રૂપો યાદ કરતાં હતા, ત્યારે ત્યાં માટી ગોઠવતી ઊધઈ પર તેમની નજર પડી. પછી તો તેમનું મન રૂપો પરથી ઊઠીને ઊધઈ પર જ સ્થિર થયું!

બીજે દિવસે શાળામાં તેમને રૂપો આવડ્યાં નહિ.

આ જોઈ વર્ગ શિક્ષકે તેમને પૂછ્યું, “તેં રાતના ઘરે રૂપો તૈયાર કર્યા હોય એવું મને લાગતું નથી!”

ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણને જવાબ આપ્યો, “સાહેબ, રાતના મેં રૂપો ગોખ્યાં હતાં!”

“તો આજે કેમ આવડતાં નથી ? જો રાતના તેં રૂપો ગોખ્યાં હોય તો તને આજે રૂપો ચોક્કસ આવડવાં જ જોઈએ અથવા તો રૂપો ગોખતી વખતે જરૂર તારું ધ્યાન બીજે ક્યાંક હોવું જોઈએ!”

રાધાકૃષ્ણને કહ્યું, “હા આખી રાત ઊધઈ ખુબ મહેનત કરીને માટીથી પોતાનું ઘર બનાવી રહી હતી તેના પર મારું ધ્યાન કેન્દ્રિત થયું હતું.”

અને તરત જ શિક્ષકે રાધાકૃષ્ણનને કહ્યું, “તો તારે એના પરથી બોધ લેવો જોઈએ કે નાનામાં નાના જંતુ જેવી ઊધઈ પણ મહેનત કરીને ધ્યાન એકાગ્ર કરીને માટીનું ઘર બનાવી શકે છે. તો તું પણ એકાગ્ર મને મહેનત કરી રૂપો ગોખે તો તું અવશ્ય એક તેજસ્વી વિઘાર્થી બની શકે!”

શિક્ષકના આ શબ્દોએ રાધાકૃષ્ણનમાં એવી તો એક ચેતનાનો સંચાર કર્યો કે તે દિવસથી તેમણે એકાગ્ર મનથી અભ્યાસ શરૂ કર્યો અને સમય જતાં તેઓ સંસ્કૃતના એક મહાન વિદ્વાન બન્યા હતા.

[સાભાર : મહાન પ્રેરક પ્રસંગો, સંકલન: નિલેશ મહેતા]