ફરજપરસ્તીની દાસ્તાન

જગદીશ ત્રીવેદી

| 4 Minute Read

પ્રસંગ છે ફ્રાંસનો. પૅરિસની ખ્યાતનામ બેન્ક પર ધાડ પડી, ડાકુઓએ લૂંટ યલાવી, હત્યાઓ કરી અને નાસી ગયા. પોલીસખાતાના બાહોશ અધિકારીઓએ ઘણી મહેનત કરી, આકાશ-પાતાળ એક કર્યા, પણ ગુનેગારો ન જાણે કયાં ગાયબ થઈ ગયા કે તેમનો ક્યાંય પત્તો લાગ્યો નહી !

અંતે આ આખો કેસ એ વખતના વિખ્યાત ડિટેક્ટિવ કે જેઓ ફ્રાંસના શેરલોક હોમ્સ ગણાતા તેમને સુપરત કરવામાં આવ્યો. આ ડિટેકિટવ પોતાના કાર્યમાં નિષ્ણાત હતા, હિંમતવાન હતા અને સૌથી મોટી તેમની યોગ્યતા એ હતી કે તેઓ દેશભક્ત હતા. તેમને કેસ સુપરત થયો.

ડિટેકિટવે થોડા સમયમાં જ લૂંટના બનાવનું બારીક નિરીક્ષણ કરી, પગેરૂ મેળવી, ડાકુઓની ખતરનાક ગેંગને તેના રિંગલીડર સાથે પકડી પાડી, કેસ એવો જડબેસલાક તૈયાર ક્યો કે રિંગલીડરને ફાંસીની સજા જઈ અને બાકીના ગુનેગારોને જન્મટીપની સજા થઈ.

આ ડિટેક્ટિવે જેટલા કેસ તૈયાર કર્યા તેમાં મોટા ભાગના ડાકુઓને ફાંસીની સજા થઈ હતી.

બીજી ખાસિયત ડિટેક્ટિવની એ હતી કે જયારે-જયારે તેમણે પકડેલા ગુનેગારોને ફાંસી આપવામાં આવતી ત્યારે તે અચુક હાજર રહેતા. મૅજિસ્ટ્રેટસાહેબ, સરકારી ડૉકટરસાહેબ, અન્ય કર્મચારીઓ ફાંસીની પૂર્ણ તૈયારી સાથે જેલમાં હાજર થઈ જતા ત્યારે ડિટેક્ટિવ બરાબર સમયે જ આવતા. બે મિનિટની વાર હોય ત્યાં એ અચૂક દેખાતા. પણ આજે એ ન આવ્યા. ગુનેગારને ફાંસી આપવામાં આવી. ગમગીન ચહેરે સૌ બહાર નીકળ્યા.

મૅજિસ્ટ્રેટસાહેબના મનમાં એક પ્રશ્ન ફરીફરી ઘુંટાવા લાગ્યો, “એ કેમ હાજર નહિ રહ્યા હોય ?”

આ ઘટના પછી ફ્રાંસના આવા જગવિખ્યાત ડિટેક્ટિવ કયાંય પણ ન દેખાયા, ન જાણે કયાં ગાયબ થઈ ગયા ! શા કારણે એ અપ્રસિધ્ધિના અંધકારમાં વિલીન થયા….? તેમની કોઈ ડાકુઓએ હત્યા કરી કે તેમના અનેક દુશ્મનોમાંથી કોઈએ અપરણ કર્યું ? સમગ્ર દેશ અનેક તર્કવિતર્કના અજંપામાં જ રહ્યો. પછી તો વાત ભુલાઈ ગઈ. મૅજિસ્ટ્રેટસાહેબ પણ નિવૃત્ત થઈ ગયા. પરંતુ જ્યારે-જ્યારે આવા કોઈ બનાવ બનતા ત્યારે, આખો પ્રસંગ તેમને યાદ આવતો, કારણ, ડિટેક્ટિવ તેમના અનન્ય મિત્ર હતા.

એક વાર મૅજિસ્ટ્રેટસાહેબ સવારની ચા પીતાં-પીતાં પત્રો જોતા હતા, તેમાં એક કવર પરના અક્ષરો તેમને પરિચિત લાગતાં પ્રથમ તે કવર તેમણે ખોલ્યું અને પત્ર કાઢી વાંચ્યો, અત્યંત ઉત્સુકતાથી ધ્રુજતાં હાથે વાંચ્યો…

“વહાલા મૅજિસ્ટ્રેટસાહેબ,

વર્ષો પહેલાં પેરિસની બેન્ક પર પડેલી ધાડની વિગત આપને યાદ હશે. એ લૂંટ અને ખૂનના આરોપીઓના રિંગલીડરને આપે જ મોતની સજા ફરમાવી હતી. સમગ્ર કેસની તપાસ મેં જ કરી હતી. રિંગલીડર સહિત ગુનેગારોને પકડીને આપની સમક્ષ મેં જ રજુ કર્યા હતા. પરંતુ ફાંસીની તારીખથી હું લાપતા બન્યો છું.

આજે ફ્રાંસના એક એવા ગામડામાં એવી રીતે જિંદગી પૂરી કરૂં છું. જ્યાં મને કોઈ પણ માણસ દેશના એક વખતના ખ્યાતનામ ડિટેક્ટિવ તરીકે ઓળખતું નથી.

આપને પણ નવાઈ લાગી હશે કે જે કેસની સફળતા મારી કીર્તિમાં વધારો કરવાની હતી તેના બદલે હું સમાજમાંથી લાપતા શા માટે બન્યો ?

આજે તો હવે હું સાવ વૃદ્ધ બની ગયો છું. મારૂં મૃત્યુ પણ નજીક આવી રહ્યું છે. આપ મારા મિત્ર પણ છો, એટલે આ રહસ્ય મરતાં પહેલાં આપને જણાવતો જાઉં છું.

જે રિંગલીડરને પકડી મેં દેશના કાનૂનને સુપરત કર્યો તે મારો એકનો એક પુત્ર હતો…. મેં સમગ્ર જીવન વફાદારી પૂર્વક રાષ્ટ્રની સેવા કરી અને મારા જ પુત્રે દેશનો આવો દ્રોહ ક્યો, એ અપકીર્તિ સહેવી મારા માટે અસહ્ય થઈ પડી. રાષ્ટ્ર પ્રત્યેની છેલ્લી ફરજ બજાવી હું અપ્રસિદ્ધિના અંધકારમાં વિલીન થઈ ગયો છું.

આજે તો હવે જીવતર પૂરૂં થવામાં છે. આપને મિત્ર તરીકે આ પત્ર લખું છું.”

ધડકતા હૈયે આંખમાં આંસુ સાથે મેજિસ્ટ્રેટસાહેબ પત્ર પૂરો કર્યો. છેલ્લે સહી હતી :

આપનો,
હૈનરી લાતુર

[જગદીશ ત્રીવેદી સંપાદિત “શાહબુદીન રાઠોડનો ચિંતન-વૈભવ”, પ્રકાશક : પ્રવિણ પ્રકાશન, ઢેબર રોડ, રાજકોટ]