“ફૂડ” જે ખોરાક નથી

મહેશ દવે

| 3 Minute Read

ઇન્દિરા ગાંધી કુટુંબનાં પુત્રવધૂ મેનકા ગાંધી જાણીતાં રાજકારણી અને ભુતપૂર્વ કેન્દ્રીય મંત્રી છે. બધાં કરતાં જુદી એક વિશિષ્ટ ઓળખ પણ એમણે ઊભી કરી છે. એ ઓળખ છે પ્રકૃતિ અને પશુ-પંખીના પ્રેમી અને રક્ષણહાર તરીકેની, શુદ્ધ, સાત્વિક શાકાહારનાં ચાહક તરીકેની.

હમણાં મેનકા ગાંધીએ આપણે જંક ફુડ કહીએ છીએ તેના કેટલાંક રહસ્યો ઉઘાડાં પાડ્યાં છે. એમણે ન્યુયોર્કના કલાકાર સોલી ડેવિસનો દાખલો ટાંક્યો છે. આ કલાકારે મેક ડોનાલ્ડના સ્ટોરમાંથી ૨૦૧૦માં “હેપી મિલ’ ખરીદેલું. છ મહિના પછી પણ આજે તે તાજુ, બગડ્યા વિનાનું છે. એના પર કુગ ચડી નથી, કોઈ દુર્ગંધ આવતી નથી. તેને ખાવાથી તબિયતમાં કંઈ વાંધો પડતો નથી. હા ફક્ત એ જરા પ્લાસ્ટિક કે એક્રેલિક જેવું કઠણ થઈ ગયું છે.

લેન ફોલીનું બાયોનિક બર્ગર ૧૯૮૯માં ખરીદાયેલું પણ વીસ વર્ષથી એ બગડયું નથી.લેખિકા જોન બ્રુસ એમના પુસ્તકમાં એક વર્ષ પહેલાં ખરીદેલું મેકડોનાલ્ડનું બર્ગર એમને ત્યાં બગડ્યું નથી એની શાહેદી આપે છે. ન્યુટ્રિશન નિષ્ણાત કારેન હાન્રાહન પાસે ૧૯૯૬માં ખરીદેલું બર્ગર એવું ને એવું બગડ્યા વગરનું છે. આ બધી દંતકથાઓ નથી. નેટ પર, ટીવી પર એના ફોટોગ્રાફ્સ, નિરૂપણ વગેરે દેખાડાય છે ! મેકડોનાલ્ડના ફ્રાઈઝ, બર્ગર્સ, મિલ્કશેક,

હેમ્બર્ગર, ચીઝ ઈત્યાદિ વર્ષો સુધી બગાડતાં નથી એ દેખાડાય છે. !

પ્રાકૃતિક બટાટા બેએક સપ્તાહમાં બગડી જાય છે. જોકે ખાવાલાયક તો એ બે દિવસ જ રહે છે. આપણાં ફળ, શાક, દુધ બે-ચાર દિવસમાં બગડી જાય તેની સામે મેકડોનાલ્ડના ફુડ્સની ટક્કર તાજુબીભરી ગણાય, આવું જ હોય તો રોજેરોજ તાજુ લાવવા-બનાવવાની માથાકૂટ શા માટે ?

મેનકા ગાંધી ઘટસ્ફોટ કરે છે. મેકડોનાલ્ડ વગેરે કંપનીઓનાં ફ્રાઈઝ,બર્ગર વગેરે ફુડ છે જ નહિં. તેથી કોઈ જીવાણુઓ,બેક્ટેરિયા કે ફૂગ તેને અડતાં જ નથી. (જીવાણુ વગેરે માણસ કરતા ડાહ્યાં તો ખરાં!) જંકફૂડ એ ખોરાક નથી, તે માત્ર રાસાયણિક સંયોજન છે. દેખાવે સુગંધે કે સ્વાદે ખોરાક જેવા છે, પણ ખોરાક તરીકે એનું કોઈ પૌષ્ટિક મૂલ્ય નથી. વધારામાં એ રાસાયણિક સંયોજનો છે તેથી જઠરમાં એમનું ખોરાકની જેમ વિઘટન થતું નથી. એ પેટમાં બોજાની જેમ પડી રહે છે. એ બગડે નહીં એટલા માટે “પ્રેઝરવેટિવ’ ને નામે કે બહાને વીસથીય વધારે રસાયણો તેમાં ભેળવ્યાં હોય છે. તેમાંનાં કેટલાંક ટોઈલેટ ક્લીનર તરીકે વપરાય છે. કારણ કે ત્યાં પણ જંતુ જ મારવાનાં હોય છે ને ! આ વીસથી વધારે રસાયણો ઉમેર્યાની વાત મેકડોનાલ્ડની વેબ- સાઈટ પર ખુલ્લેઆમ કબુલેલી છે. રસાયણોથી જ નહીં કેટલાક કિસ્સામાં રેડિયેશનથી પણ ખોરાકના ઘટકો બદલવામાં આવે છે ! સરકારો, કહેવાતા નિષ્ણાંતો અને સંશોધકો જંક્ફુડ ના જાહેરાતિયા ગુણગાન ગાવામાં અટેલા બધા તન્મય છે કે તેમને વૈયક્તિ

અર્થલાભ સિવાય કશું દેખાતું નથી. પરિણામે નવા-નવા રોગોથી બાળકો અને યુવાનોનો ભોગ લેવાનું ચાલુ રહે છે.

[“પાંદડે પાંદડે પ્રકાશ” માંથી સાભાર, સંક્ષેપ અને સંકલન: મહેશ દવે, પ્રકાશક : ગુર્જર સાહિત્ય પ્રકાશન, અમદાવાદ]