ગાંધીવાણી

| 3 Minute Read

ગાંધીજીએ ભારતના પ્રધાનોને આપેલી કેટલીક શિખામણના અંશો શાશ્વત ગાંધી મેગઝિનમાંથી:

સ્વતંત્ર ભારતના પ્રધાનોને

૧૫-૮-૪૭ને દિવસે બંગાળના પ્રાધાનો ગાંધીજીને પ્રણામ કરવા આવ્યા તેમને ઉદેશીને ગાંધીજીએ કહયું, “આજથી તમે કાંટાળો તાજ પહેરો છો. સત્તાની ખુરશી ખરાબ છે. એમાં બેસીને તમે સતત જાગ્રત રહેજો. તમારે વધુને વધુ સત્ય-પરાયણ, અહિંસા-પરાયણ, નમ્રતા અને સહનશીલતાપરાયણ થવાનું છે. અંગ્રેજોના જમાનામાં તમારી કસોટી હતી, છતાં એક રીતે ન પણ હતી. પણ હવે તો તમારી પરીક્ષા જ પરીક્ષા છે. તમે જાહોજલાલીની જાળમાં ન ફસાતા, ઈશ્વર તમને સહાય કરે - ગામડાં અને ગરીબોનો ઉદ્ધાર કરવાનો છે.”

(“કલકત્તાનો ચમત્કાર” માંથી)

પ્રધાનો અને ગવર્નરો માટે નિયમાવલિ

૧. પ્રધાનો કે ગવર્નરોએ જ્યાં સુધી બને ત્યાં સુધી પોતાના દેશમાં ઉત્પન્ન થતી વસ્તુઓજ વાપરવી જોઈએ અને કરોડો ગરીબોને રોટી મળે તે ખાતર પોતે, પોતાના કુટુંબે ખાદી જ પહેરવી જોઈએ અને અહિંસાના આ ચક્રને હંમેશાં ફરતું રાખવું જોઈએ .

૨. બંને લિપિ (હિંદી અને ઉર્દુ) શીખી લેવી જોઈએ. બને ત્યાં સુધી અંદરોઅંદર વાતચીતોમાં પણ અંગ્રેજી ન વાપરવી. જાહેરમાં તો હિંદુસ્તાની જ બોલવી અને પોતાના પ્રાંતની ભાષાનો છુટથી ઉપયોગ કરવો. ઓફિસમાં પણ બને ત્યાં સુધી હિંદુસ્તાની ભાષામાં જ તુમારો લખાય, હુકમો કે સરક્યુલરો નીકળે. આમ થવાથી લોકોને વ્યાપક રીતે હિંદુસ્તાની શીખવાનો ઉત્સાહ વધશે અને ધીમેધીમે હિંદુસ્તાની ભાષા દેશની સામાન્ય ભાષા આપોઆપ બની જશે.

૩. પ્રધાનોના દિલમાં અસ્પૃશ્યતાના, નાતજાતના કે મારું-તારું એવા ભેદભાવ ન હોય. કોઈની જરા પણ લાગવગ ક્યાંય ન ચાલવી જોઈએ. સત્તાધારીને મન પોતાનો સગો ભાઈ કે, એક સામાન્ય ગણાતો શહેરી, કારીગર, મજુર બધા જ સરખા હોવા જોઈએ.

૪. એ જ રીતે પોતાનું અંગત જીવન પણ એટલું જ સાદું હોય કે તેની પ્રતિભા પડે. પોતે દરરોજ એક કલાક શારીરિક શ્રમ દેશને અર્થે કરવો જોઈએ. પછી તે રેંટિયો કાંતે કે પોતાના ઘરની આસપાસ અનાજ કે શાકભાજી વાવીને દેશના ખાધ ઉત્પાદનમાં વધારો કરે.

૫. મોટર, બંગલા તો હોય જ નહીં. જોઈએ તેવું અને તેટલું સામાન્ય મકાન વાપરે. હા,જો દુર જવું હોય, ખાસ કામે જવું હોય તો જરૂર મોટર વાપરે. પણ મોટરનો ઉપયોગ મર્યાદિત થવો જોઈએ. મોટરની કંઈક તો જરૂર કદાચ રહેશે જ.

૬. હું તો ઈચ્છું કે, પ્રધાનોના મકાનો પાસે પાસે હોય કે જેથી એક બીજા એક બીજાના વિચારોમાં, કુટુંબમાં અને કામગીરીમાં ઓત પ્રોત બને.

૭. ઘરનાં બીજાં ભાઈ બહેનો કે બાળકો ઘરમાં હાથે જ કામ કરે. નોકરનો ઉપયોગ ઓછામાં ઓછો થાય.

૮. પરદેશી ખર્યાળ ફર્નિંચરો - આજે જયારે દેશના કરોડો માણસોને બેસવા શેતરંજી તો શું પણ પહેરવાનું કાપડ નથી મળતું ત્યારે સોફાસેટ કે કબાટો કે ચમકદાર ખુરશીઓ વસાવાની ન હોય.

૯. અને પ્રધાનોને વ્યસન તો કોઈ જાતના હોવા જ ન જોઇએ.

(“બિહારની કોમી આગ”માંથી)

[સાભાર: શાશ્વત ગાંધી, મે ૨૦૧૨]