ગાંધીજીની ગરીબો પ્રત્યે સહ્રદયતા

ઉમાશંકર જોષી

| 1 Minute Read

બાપુના ડિલ પહેરણ પણ નથી એ જોઈ એક નાનકડા વિદ્યાર્થીએ એમને પૂછ્યું, “બાપુ, તમે શરીર પર પહેરણ કેમ પહેરતા નથી?”

બાપુ કહે : “મારી પાસે પૈસા કયાં છે?”

વિદ્યાર્થી : “હું મારી માને કહું છું, તે આપને પહેરણ સીવી આપશે. પછી પહેરશો ને?”

બાપુ : “કેટલાં સીવી આપશે?”

વિદ્યાર્થી : “તમારે કેટલાં જોઈએ ? એક… બે… ત્રણ…”

બાપુ : “હું કાંઈ એક્લો છું? મારા એકલાથી પહેરાય?”

વિદ્યાર્થી : “ના એકલાથી તો ન પહેરાય. તમારે કેટલાને માટે જોઈએ?”

બાપુ : “મારે તો ચાળીસ કરોડ ભાઈભાંડુ છે. તારી માતા એ બધાંને માટે સીવી આપશે ? એમની પછી મારો વારો આવે.”

વિદ્યાર્થી વિમાસણમાં પડી ગયો. નિર્દોષ બાળક પ્રેમથી બાપુને પહેરણ આપવા ગયો. એના કુમળા હૃદયને બાપુએ વિશ્વકુટુંબભાવની દીક્ષા આપી.

[સાભાર : ઉમાશંકર જોષી લિખિત “ગાંધી કથા” માંથી સાભાર, પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ]