ગરીબ ખેડુત અને પૈસાદાર સદ્ગૃહસ્થ

ડૉ. આઈ. કે. વીજળીવાળા

| 3 Minute Read

એક ખેડુત પોતાના નાનકડા ખેતરમાં કામ કરી રહ્યો હતો. એ વખતે ખેતરને અડકીને પસાર થતા રોડની બાજુમાં આવેલા કળણના એક ખાડામાંથી કોઈની બુમો સંભળાઈ. ખેડુત પોતાના ઓજાર ફેંકીને દોડ્યો. ખાડા પાસે જઈને જોયું તો એક છોકરો કમર સુધી દળદળમાં ઊતરી ગયો હતો. ચીકણા ગારામાંથી પોતાની જાતને બહાર કાઢવા મથી રહેલા એ બાળકના ચહેરા પર દહેશત છવાઈ ગઈ હતી. સાઈક્લ લઈને ખેતરો તરફ ફરવા નીકળેલો એ છોકરો ખાડામાં પડવાને કારણે બરાબરનો હેબતાઈ ગયો હતો.

ખેડુતે એને બહાર કાઢયો. પોતાના ઘરે લઈ જઈ નવડાવ્યો. ખેડુતની પત્નીએ એનાં કપડાં ધોઈ આપ્યાં કપડાં સુકાઈ ગયા પછી એ છોકરો ખેડુતનો આભાર માની, એનું સરનામું એક નાની ચબરખીમાં લખાવી પોતાના ઘર તરફ રવાના થયો.

આ ઘટનાના બીજા દિવસે સવારે એક મોંઘી કાર એ ખેડુતના ખેતર આવીને ઊભી રહી. એમાંથી પેલો છોકરો ઊતર્યો અને એની પાછળ એક સદ્ગૃહસ્થ ઊતર્યા. બંને પેલા ખેડુત પાસે ગયા. ખેડુતે આવકાર આપી એમને બેસાડ્યા.

આભારના થોડાક શબ્દો પછી એ માણસે ખેડૂતને પૈસાની થોકડી આપતાં કહ્યું, “ભાઈ ! તમે મારા દીકરાની જિંદગી બચાવી છે. એનો કંઈક અંશે બદલો વાળવાનો મારો આ પ્રયાસ છે. મહેરબાની કરીને તમે આ સ્વીકારી લો!”

પરંતુ પેલા ખેડુતે ઘસીને ના પાડી.એણે કલ્યું, “નહીં સાહેબ એ પૈસા હું ન જ સ્વીકારી શકું. એ તો મારી એક માણસ તરીકેની ફરજ હતી!”

આ સંવાદ ચાલતો હતો બરાબર એ જ વખતે ખેડૂતનો દસેક વરસનો દીકરો ત્યાં આવી લાગ્યો. નિતીમત્તામાં મુઠ્ઠી ઊંચેરા એ ગરીબ ખેડુતને મનોમન વંદી રહેલા પેલા સદ્ગૃહસ્થનું ધ્યાન એના પર પડતાં જ એમણે પૂછ્યું, “ભાઈ! આ તારો દીકરો છે?”

“હા!”, ખેડુતે કહ્યું.

“જો, તું કોઈ પણ બદલો સ્વીકારવા તૈયાર ન હો તો મારી એક વાતનો સ્વીકાર કર. આ છોકરાને મારી સાથે બાજુના શહેરમાં મોકલ હું એને મારા ઘરે રાખીશ. ખુબ ભણાવીશ અને આગળ વધારીશ. બોલ, મંજુર છે તને?”

થોડી વાર એ ખેડુતે વિચાર કર્યો, પછી હા પાડી.

ખેડુતના દીકરાએ પેલા સદ્ગૃહસ્થના ઘરે રહીને ભણવાનું શરૂ કર્યું. એ ખુબ હોશિયાર હતો. થોડાં વરસો પછી એ લંડનની સેન્ટ મેરી હોસ્પિટલ અને મેડિકલ સ્કુલમાંથી બહાર પડયો. એ પછીનાં વરસોમાં એણે એક એવી દવાની શોધ કરી જેણે કરોડો માણસોની જિંદગી બચાવી.

વરસો પછી પેલા સદ્ગુહસ્થના દીકરાને જીવલેણ ન્યુમોનિયા થયો અને પેલા ખેડૂતના દીકરાએ શોધેલ દવાથી જ એ મોતના મોંમાંથી બચી ગયો.

ખેડુતનો એ હોશિયાર દીકરો હતો સર એલેકઝાન્ડર ફ્લેમિંગ! અને એણે જે દવા શોધેલી એ હતી પેનિસિલિન!

એને ભણાવનાર પેલા સદ્ગૃસ્થનું નામ હતું લોર્ડ રેન્ડોલ્ફ ચર્ચિલ. અને બબ્બે વખત એક જ ખેડુતના કુટુંબના હાથે નવજીવન પામનાર અને ઈંગ્લેન્ડને બીજા વિશ્વયુદ્ધમાં ભવ્ય રીતે દોરનાર એના દીકરાનું નામ હતું સર વિન્સ્ટન ચર્ચિલ!

[ડૉ. આઈ. કે. વીજળીવાળા સંપાદિત “પ્રેમનો પગરવ” માંથી સાભાર]